Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

રાજકોટ જીલ્લામાં સભા-મેળાવડા, લોકમેળા, મોલ, મલ્ટીપ્લેકસ, જીમ, સ્વીમીંગ પૂલ, ડાન્સ કલાસ, ગેઈમ ઝોન, કલબ હાઉસ બંધ

અધિક કલેકટરનું જાહેરનામુઃ હોટલો, રેસ્ટોરન્ટો, મીઠાઈ, ફરસાણની દુકાનો ઉપર જરૂરી હાઈજીનની વ્યવસ્થા કરવા તાકીદ

રાજકોટ, તા. ૨૦ :. હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ COVID-19ના કુલ ૧૨૬થી વધારે કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસ COVID-19ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ રાજકોટ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં નિયંત્રણો મુકાયા છે.

અધિક જીલ્લા મેજી. શ્રી પરીમલ પંડયાએ જાહેરનામુ બહાર પાડી (૧) સમગ્ર રાજકોટ જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ લેખીત પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન કે મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો એકત્રીત થયા તેવા કોઈ આયોજન કરવા નહી કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહી. (૨) મોલ, મલ્ટીપ્લેકસ સિનેમા અને નાટયગૃહો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા. (૩)જીમ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સ્વીમીંગ પૂલ, ડાન્સ કલાસીસ, ગેઈમ ઝોન, કલબ હાઉસ કે જેમા મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા. (૪) શૈક્ષણિક સંસ્થાઓ, ટયુશન કલાસ વગેરે સ્થળોએ તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવું. (૫) તમામ હોટલો, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો, મીઠાઈ ફરસાણની દુકાન, ભોજનાલય તથા તમામ ખાનગી સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ થતી હોય તેવા જાહેર સ્થળોના સંચાલકોએ કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે સરકારશ્રી તરફથી જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી હાઈજીનની વ્યવસ્થા કરી પુરતી તકેદારી રાખવાની રહેશે. (૬) કોઈપણ વ્યકિત, સંસ્થા, કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોશીયલ મિડીયા મારફતે ફેલાવશે તો તે ગુન્હો ગણાશે અને તેમના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. (૭) જો કોઈ મુસાફર જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર-દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પીટલ ખાતે કંટ્રોલ રૂમ ફોન નં. ૦૨૮૧ ૨૪૪૪૬૮૦ અથવા હેલ્પલાઈન નં. ૧૦૪ ઉપર ફરજીયાત જાણકારી આપવાની રહેશે.

(10:17 am IST)