Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

શાસ્ત્રીનગરમાં ૪૮ મકાનોને ડિમોલીશનની નોટીસ : રોષ

કપાત સામે વિસ્‍તારવાસીઓનો વિરોધ : લતાવાસીઓના ટોળા મનપા કચેરીએ ઉમટયા : મેયર પ્રદીપ ડવ, પુષ્‍કર પટેલ તથા ડે.કમિશનર ચેતન નંદાણીને આવેદન પત્ર પાઠવતા રહેવાસીઓ

વિરોધ : શહેરના વોર્ડ નં. ૧૧માં નાના મવા મેઇન રોડ પર આવેલ શાસ્ત્રીનગર સોસાયટીમાં ૪૮ મકાનોને મનપા દ્વારા ડિમોલીશનની નોટીસ ફટકારવામાં આવતા આ કપાતના વિરોધમાં સોસાયટીના પ્રમુખ અને પૂર્વ કોંગી કોર્પોરેટર ઘનશ્‍યામસિંહ જાડેજાની આગેવાનીમાં વિસ્‍તારવાસીઓ દ્વારા મેયર પ્રદિપ ડવ, સ્‍ટે.ચેરમેન પુષ્‍કર પટેલ તથા ડે. કમિશનર ચેતન નંદાણીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. અન્‍ય તસ્‍વીરમાં વિસ્‍તારવાસીઓ વિવિધ બેનર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો તે વખતની તસ્‍વીર. (તસ્‍વીર : અશોક બગથરિયા)

રાજકોટ તા. ૨૦ : શહેરમાં વોર્ડ નં. ૧૧ના નાનામવા મેઇન રોડ પર આવેલ શાસ્ત્રીનગર સોસાયટીમાં મનપાએ ૪૮ મકાનોને ડિમોલીશન કરવાની નોટીસ ફટકારતા સ્‍થાનિકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જેને પગલે સ્‍થાનિકોએ મનપા કચેરી ખાતે બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ સોસાયટીમાં કપાત નહિ કરવા સોસાયટીના પ્રમુખ અને પૂર્વ કોંગી કોર્પોરેટર ઘનશ્‍યામસિંહ જાડેજાની આગેવાનીમાં મેયર સહિતના પદાધિકારી તથા ડે.કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

આ અંગે સોસાયટી ધારકોએ પાઠવેલી પત્રમાં જણાવ્‍યું હતું કે, શહેરમાં નાનામવા મેઇન રોડ પર શાસ્ત્રીનગર સોસાયટી આવેલી છે. આ સોસાયટી સૌરાષ્‍ટ્રમાં મોટામાં મોટી ટાઉનશીપ ધરાવતી સોસાયટી છે. આ સોસાયટીમાં ૧૨૦૦ આવાસો આવેલા છે ને ૬૦૦૦ની વસ્‍તી ધરાવતી ટાઉનશીપ છે.

આ સોસાયટી તેમના મેઇન્‍ટેનન્‍સની રકમમાંથી સફાઇ, સિક્‍યુરીટી જેની મહત્‍વની સુવિધા પુરી પાડવામાં આવે છે. આ બંને સુવિધા પાછળ સોસાયટી દર માસે રૂા. ૯૦,૦૦૦ જેવો ખર્ચ કરે છે. આટલી મોટી ટાઉનશીપમાં સીસીટીવી કેમેરાઓથી સજ્જ કરવામાં આવેલ છે ને સોસાયટીમાં સ્‍વચ્‍છ ગાર્ડન, સર્વધર્મ મંદિર જેવી સુવિધાઓ છે ને રાજકોટ સીટીને ગ્રીનસીટી તરીકે ઉદાહરણરૂપ છે.

તેમજ આ સોસાયટીના આગળના ભાગમાં નાનામવા મેઇન રોડ જે આર.એમ.સી. દ્વારા સીમેન્‍ટનો રોડ બનાવીને પ્રથમ સિમેન્‍ટ રોડનું ઉદાહરણ પુરૂં પાડે છે તે મળે છે. જ્‍યારે સોસાયટીની પાછળ ન્‍યુ ગાંધી વસાહતના રોડ પણ મળે છે. તેમજ આ સોસાયટીની આજુબાજુ આ બંને રોડ મળતા હોય તથા આજુબાજુની સોસાયટીની ખાસી મોટી વસાહત પણ ન હોય તો સોસાયટીનો (રસ્‍તા) ખુલ્લો કરવાનો તેમજ પહોળો કરવાનો કોઇ પ્રશ્ન ઉપસ્‍થિત થતો નથી. આતો આ સુવિધાઓને હનન કરવા જેવી બાબત છે.

સોસાયટી ખુલ્લી કરવા બાબતે અમો એસોસીએશનની જ્‍યારે પણ જાણ કરવામાં આવેલી ત્‍યારે સોસાયટીની જનરલ બોર્ડની મીટીંગ બોલાવવામાં આવેલીને આ બાબતે સર્વે સભ્‍યોને વાકેફ કરતા સર્વે સભ્‍યોએ સોસાયટી ખુલ્લી કરવા તથા કપાત સામે વિરોધ વ્‍યકત કર્યો હતો.

રા. મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા પણ આ બાબતે ઠરાવ કરવામાં આવેલ છે કે જે તે સ્‍થિતિમાં સોસાયટીને રહેવા દેવી તેમજ કપાત ન કરવી તેવો ઠરાવ કરેલ છે. આ અંગે યોગ્‍ય કરવા લતાવાસીઓએ માંગ કરી છે.

(3:40 pm IST)