Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

શહેરમાં ૪૬ પશુઓને કૃત્રિમ પગ ફીટ કરાયા

અર્હમ યુવા સેવા ગ્રુપ તથા કરૂણા ફાઉન્‍ડેશનના સહયોગથી રાષ્‍ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી જીવદયા કાર્ય

રાજકોટ,તા. ૨૦ : રાષ્‍ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ-રાજકોટ અને કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના સહયોગે અર્હમ અનુકંપા જીવદયાનો એક નવો પ્રકલ્‍પ ગત વર્ષે ઓકટોબરમાં પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. અર્હમ અનુકંપા અભિયાનમાં એકિસડન્‍ટથી ઘવાયેલા અને કાયમી અપંગ થયેલા પશુઓને એમના માપના કૃત્રિમ પગ ફીટ કરીને એમને ફરી ચાલતા કરવામાં આવે છે. વર્તમાનમાં જ રાજકોટમાં આવેલી શેણી એનિમલ હોસ્‍પિટલ, જામનગર રોડ ખાતે કાયમી અપંગ જેવી ૪ ગૌમાતાઓને ફરીથી ચાલતી કરાઇ છે. જેમાં જિગરભાઇ શેઠનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો.

આમ સમગ્ર પણે ૪૬ પશુઓને ફરીથી ચાલતા કરાયા છે. શેણી એનિમલ હોસ્‍પિટલ ખાતે જયેશભાઇ મહેતા, જતીનભાઇ મેહતા, વૈભવભાઇ દોશી, વિશાલભાઇ દેસાઇ, જગદીશભાઇ શેઠ, શેતુરભાઇ દેસાઇ અને જીલદીદી બોટાદ્રા વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. આ અભિયાનમાં ડો.હિરેનભાઇ બાબરીયા તથા સાથી ટીમ, કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ એનિમલ હેલ્‍પલાઇનના મિત્તલ ખેતાણી અને પ્રતિકભાઇ સંઘાણીનો વિશેષ સહયોગ પ્રાપ્ત થાય છે. ગૌશાળા સંચાલકો, પાંજરાપોળ સંચાલકો, અન્‍ય જીવદયા પ્રેમીઓને છે કે આ પ્રકારનું કોઇ પણ જીવ તમને જોવા મળે તો સત્‍વરે સંપર્ક કરવા જેથી કરીને અબોલ જીવોને શાતા મળે અને તેમને જીવવા માટે નવો માર્ગ મળે. જીવદયા પ્રેમી વિમળાબેદ દિલીપભાઇ મહેતા, હિતેશભાઇ મહેતા અને જીગરભાઇ શેઠ (મુંબઇ) દ્વારા આ અભિયાનને આર્થિક સહયોગ પ્રાપ્‍ત થાય છે. અર્હમ અનુકંપા અભિયાન અંગેની વિશેષ માહિતી મેળવવા માટે મો. મિત્તલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯) સેતુરભાઇ દેસાઇ (૯૮૯૮૨ ૩૦૯૭૫), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩), વિજયભાઇ મહેતા (મો. ૮૯૦૫૮ ૦૫૭૧૦) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:37 pm IST)