Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

કાલે શિવ રથયાત્રા : દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજન

કમલેશ્વર મહાદેવ કોઠારીયા રોડથી પ્રસ્થાન : મુખ્ય માર્ગો પર ફરી સાંજે ચૌધરી મેદાનમાં સમાપન : રામેશ્વર મહાદેવના મુખ્ય રથ સાથે ૧૨ જયોતિર્લીંગની ઝાંખી કરાવાશે : રાજસ્થાની અને આદીવાસી નૃત્ય રજુ થશે : ઘોડા, બગી અને ફુલ વરસાવતી તોપ જોવા મળશે : ઠેરઠેર સ્વાગત માટેની તૈયારીઓ

રાજકોટ તા. ૨૦ : આવતી કાલે મહાશિવરાત્રી નિમિતે દશનામ ગોસ્વામી સમાજ પ્રેરીત શિવ રથયાત્રા સમિતિ દ્વારા ભવ્ય શિવ રથયાત્રાનું આયોજન કરાયુ છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમિતિના આગેવાનોએ જણાવેલ કે કાલે સનાતન હિન્દુ ધર્મની ભવ્ય શિવ રથાયાત્રા યોજવામાં આવી છે. જેનો મંગલ પ્રારંભ કાલે બપોરે ૨.૩૦ વાગ્યે કમલેશ્વર મહાદેવ કોઠારીયા રોડ ખાતેથી થશે. સોરઠીયાવાડી સર્કલ, ભકિતનગર સર્કલ, નાગરીક બેંક ચોક, માલવીયા ચોક, રામકૃષ્ણ આશ્રમ, ફુલછાબ ચોક, લીમડા ચોક થઇ સાંજે ૭.૩૦ વાગ્યે ચૌધરી હાઇસ્કુલ ખાતે વિરામ પામશે. જયાં ૭.૪૫ વાગ્યે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન છે.

મોખરે રામેશ્વર મહાદેવનો મુખ્ય રથ હશે. બાદમાં ૧૨ જયોતિર્લીંગના દર્શન કરાવતા ફલોટ હશે. ઘોડા, બગી તેમજ ફુલ વરસાવતી તોપ આકર્ષણ જમાવશે. ઓમ અને ત્રિશુલ ધારણ કરેલ બાઇક સવાર યુવાનો યાત્રાને સુરક્ષા કવચ પુરૂ પાડશે. પ મીટરની ધ્વજા લહેરાવવામાં આવશે.

આ યાત્રામાં રાજસ્થાની નૃત્ય અને આદીવાસી નૃત્ય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક પણ જોવા મળશે. માર્ગો પર ઠેરઠેર સ્વાગત સત્કાર કરવા વિવિધ સંસ્થા, મંડળો દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.

શિવ રથયાત્રાના રૂટમાં આવતા શિવ મંદિરો તેમજ મુખ્ય ચોકમાં ધ્વજારોહણ કરાયુ છે. તેમજ વિવિધ સુશોભનો પણ કરવામાં આવ્યા છે. રથયાત્રા દરમિયાન ભાવિકોને રૂદ્રાક્ષના પારાનું વિતરણ કરાશે.

ધર્મપ્રેમીજનોએ બહોળી સંખ્યામાં આ શિવ રથયાત્રામાં જોડાવા દશનામ ગોસ્વામી સમાજ પ્રેરીત શિવ રથયાત્રા સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમિતિના આગેવાનો સર્વશ્રી પ્રફુલગીરી ગોસ્વામી, પ્રવિણગીરી ગોસ્વામી, અશ્વિનગીરી ગોસ્વામી, મયુરભારથી પ્રતાપભારથી, આશિષપુરી મગનપુરી, સુરેશગીરી શાંતિગીરી, દર્શનગીરી નિરંજનગીરી, અજયભારથી અશ્વિનભારથી, સાવનગીરી રાજેશગીરી, ગૈતમગીરી ગૌસ્વામી, વિજયગીરી અમૃતગીરી, સંજયગીરી રાજેન્દ્રગીરી, ધર્મેન્દ્રગીરી ચતુરગીરી, વિપુલગીરી વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

શિવ રથયાત્રાનો રૂટ

બપોરે ૨.૩૦ વાગ્યે પ્રસ્થાન, ૩.૩૦ વાગ્યે કમલેશ્વર મહાદેવ મંદિર, ૪ વાગ્યે સોરઠીયાવાડી સર્કલ, ૪.૧૦ વાગ્યે નટેશ્વર મહાદેવ મંદિર, ૪.૧૫ વાગ્યે ભકિતનગર સર્કલ, ૪.૨૦ વાગ્યે ધારેશ્વર મહાદેવ મંદિર, ૪.૨૫ વાગ્યે નાગરીક બેંક ચોક, ૪.૩૦ વાગ્યે મકકમ ચોક, ૪.૩૫ વાગ્યે ગોંડલ રોડ સત્ય વિજય આઇસ્ક્રીમ, ૪.૪૫ વાગ્યે બોમ્બે હોટલ ચોક, ૫ વાગ્યે મહાકાલેશ્વર મહાદેવ મંદિર માલવીયા ચોક, પ.૧૫ વાગ્યે રામકૃષ્ણ આશ્રમ, ૫.૩૦ વાગ્યે જાગનાથ મહાદેવ મંદિર, પ.૪૫ વાગ્યે જિલ્લા પંચાયત ચોક, ૬ વાગ્યે ફુલછાબ ચોક, ૬.૨૫ વાગ્યે અકિલા રોડ, ૬.૪૦ વાગ્યે મોટી ટાંકી ચોક, ૭ વાગ્યે લીમડા ચોક, ૭.૦૫ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિર, ૭.૧૫ વાગ્યે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ૭.૩૦ વાગ્યે ચૌધરી હાઇસ્કુલ મેદાન ખાતે સમાપન થશે. જયાં સાંજે ૭.૪૫ વાગ્યે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન છે.

(3:47 pm IST)