Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

વરરાજાને સાથે રાખી રજૂઆતો કરનારા કાકડીયા પરિવાર વિરૂધ્ધ સોમનાથ સોસાયટીના રહેવાસીઓની લેખિત ફરિયાદ : ધારાસભ્ય અરવિંદ રૈયાણીને બદનામ કરવા મુકેશ કાકડીયાએ કાવત્રુ ઘડ્યું છેઃ રજૂઆત

સોસાયટીનો ગેઇટ કાકડીયા પરિવારે દાદાગીરી કરી જેસીબીથી પાડી નાંખ્યો હતોઃ ધારાસભ્ય વિરૂધ્ધ કાવત્રા ઘડનારા સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી સાથે પોલીસ કમિશ્નરને આવેદન :ધારાસભ્યએ પૈસા માંગ્યાના આક્ષેપો તદ્દન ખોટાઃ કાકડીયા પરિવાર જ અન્ય રહેવાસીઓ માટે ત્રાસરૂપ હોવાની રજૂઆત

રાજકોટ તા. ૨૦: ગઇકાલે કુવાડવા રોડ ન્યુ ૮૦ ફુટ રોડ પર સોમનાથ સોસાયટીમાં રહેતાં મુકેશ કાકડીયા વરરાજા અને આખી જાન લઇને મ્યુનિસિપલ કમિશ્નર તથા પોલીસ કમિશ્નર સમક્ષ ધારાસભ્ય અરવિંદ રૈયાણી વિરૂધ્ધ રજૂઆત કરવા પહોંચતા ચકચાર જાગી હતી. બીજી તરફ સોમનાથ સોસાયટીના તમામ રહેવાસીઓ પણ પોલીસ કમિશ્નર કચેરીએ પહોંચ્યા હતાં અને ખુદ મુકેશ કાકડીયા તથા તેના પરિવારજનો જ સોસાયટીના રહેવાસીઓ માટે ખુબ ત્રાસરૂપ હોવાની રજૂઆત કરી હતી. તેમજ ધારાસભ્ય અરવિંદ રૈયાણી વિરૂધ્ધ થયેલા આક્ષેપો તદ્દન ખોટા હોવાનું અને તેને બદનામ કરવા માટેના હોવાનું જણાવી આવા કાવત્રા ઘડનારા સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

સોમનાથ સોસાયટીના રહેવાસીઓએ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે અમે વર્ષોથી આ સોસાયટીમાં રહીએ છીએ. સોસાયટી બની ત્યારથી બિલ્ડરે સોસાયટીનો ગેઇટ બનાવી આપ્યો છે. આ ગેઇટની બહાર ગેઇટને અડીને જ હાલમાં દિપાવલી વિલા બની છે. જેના માલિક મુકેશભાઇ માવજીભાઇ કાકડીયા છે. તેણે આ બાંધકામ જ ગેરકાયદેસર રીતે કર્યુ છે. પાર્કિંગની જગ્યા પણ છોડી નથી અને તે કોમ્પલેક્ષ અમારી સોસાયટીના ગેઇટ પાસે જ છે. અગાઉ તેણે બળજબરી પૂર્વક અમારી સોસાયટીનો ગેઇટ તેના સગાઓની મદદથી તોડી નાંખી સોસાયટીના સિકયુરીટી ગાર્ડને તથા અન્ય રહેવાસીઓને માર માર્યો હતો. તેમજ લૂંટની કોશિષ કરી ખુલ્લેઆમ દાદાગીરી કરી હતી. એ ડખ્ખામાં તેના ભાઇ, ભાઇના દિકરાઓ અને મહિલાઓ પણ સામેલ હતી. આ મામલે સોસાયટીના પ્રમુખે અગાઉ ફરિયાદ પણ કરી છે. તેનો ખાર રાખી અમુક લોકોએ ઘટનાને રાજકિય વળાંક આપી સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી વિરૂધ્ધ ખોટા આક્ષેપો કરી તેને બદનામ કરવા પ્રયાસ કર્યો છે. અમારી આખી સોસાયટી ભાજપ તરફી હોવાથી અમારા ધારાસભ્યને બદનામ કરવા અને તેમની કારકિર્દી ઉપર દાગ લગાડવા કાકડીયા પરિવારે વરરાજા સાથે રજૂઆતો કરી ખોટી ફરિયાદો કરી છે. આ કૃત્ય ધારાસભ્યને બદનામ કરવા માટેનું જ છે.

સોસાયટીના રહેવાસીઓએ વધુમાં જણાવ્યું છે કે સ્થાનિક ધારાસભ્યને અમારી ફરિયાદ બાબતે કોઇ જાણ નહોતી. આમ છતાં તેને બદનામ કરવા કાવત્રુ ઘડી તેના વિરૂધ્ધ ખોટી રજૂઆતો કરવામાં આવી છે. આવા શખ્સો સામે તાકીદે ગુનો નોંધવા અને કડક કાર્યવાહી કરવા અમારી માંગણી છે.

મુકેશ કાકડીયા સહિતનાની ગયા મહિને જ ધરપકડ થઇ હતી

ઉલ્લેખનિય છે કે ગયા મહિને ૧૬/૧ના રોજ લલીતભાઇ છગનભાઇ ઘેટીયા (રહે. સોમનાથ સોસાયટી)ની ફરિયાદ પરથી મુકેશ માવજીભાઇ કાકડીયા, તેના પુત્ર સાગર, પરિવારના કેતન પ્રવિણભાઇ કાકડીયા, દિવ્યેશ  પ્રવિણભાઇ કાકડીયા, કેતનનો સાળો સાવન ચંદ્રેશભાઇ હીરપરા, બનેવી નરોત્તમભાઇ મેઘજીભાઇ,  જેસીબી ડ્રાઇવર રામજી વણઝારા સહિતની વિરૂધ્ધ બી-ડિવીઝન પોલીસે રાયોટ, નુકસાની, ધમકી આપવાનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી. આ તમામે સોસાયટીનો ગેઇટ પાડી નાંખી ૫૦ હજારનું નુકસાન કરી ડખ્ખો કર્યાનું ફરિયાદમાં જણાવાયું હતું.

ભાજપ સમર્થિત મોટા માથાઓ જ ધારાસભ્યને બદનામ કરી રહ્યાની ચર્ચા

રાજકોટ : ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી સામે અવારનવાર વિરોધ દર્શાવવાના અથવા તેઓની આબરૂને લાંછન લાગે તે પ્રકારની ઘટનાઓ કરાવવાના કારસ્તાન પાછળ સામાકાંઠાના ભાજપ સમર્થિત ચાર જેટલા આગેવાનો હોવાની ચર્ચા જોરશોરથી સામાકાંઠા વિસ્તારમાં થઇ રહી છે.

(5:03 pm IST)