Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

શહેર પોલીસ અને જયોતિ સીએનસી દ્વારા 'ડે એન્ડ નાઈટ' ફૂટબોલ ચેલેન્જ ટુર્નામેન્ટ

૨૫મીથી શરૂ થનાર ટુર્નામેન્ટમાં રાજયભરની ૩૨ ટીમો ભાગ લેશે

રાજકોટ, તા. ૨૦ : શહેર પોલીસ તથા જયોતિ સીએનસી દ્વારા તા.૨૫મીથી રેસકોર્ષ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સાતમી ડે એન્ડ નાઈટ ફૂટબોલ ચેલેન્જ કપ ૨૦૧૮ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે.

રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તથા ડીસીપી ઝોન-૧ બલરામ મીના તથા ડીસીપી ઝોન-૨ ડો. કરનરાજ વાઘેલાની રાહબરી હેઠળ રાજકોટ સીટી પોલીસ અને જયોતિ સીએનસી અને સુરક્ષા સેતુ અંતર્ગત સતત ૭મી વખત રાજકોટ સીટી પોલીસ અને જયોતિ સીએનસી ડે એન્ડ નાઈટ ફૂટબોલ ચેલેન્જ કપ-૨૦૧૮ ટુર્નામેન્ટ તા.૨૫ના રોજથી રેસકોર્ષ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે શરૂ થનાર છે અને જેમાં રાજયભરમાંથી કુલ ૩૨ ટીમો ભાગ લેશે. જેમાં અમદાવાદ, સુરત, બરોડા, નવસારી, દાહોદ, ગોધરા અંકલેશ્વર, મહેસાણા, કચ્છ, ગાંધીધામ, ભાવનગર, જામનગર અને અમરેલીની ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ ૨૦૧૨થી શરૂ કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં સુરતની રાજદીપ બોઈલર બે વખત ચેમ્પિયન થયેલ છે. તેમજ અમદાવાદની રીઝર્વ બેન્ક બે વખત ચેમ્પિયન થયેલ છે અને અમદાવાદની સેન્ટ જોસેફ અને એ.જી. ઓફીસ રાજકોટ ગઈ સાલે ચેમ્પિયન થયેલ હતી અને તા.૪-૩ના રોજ આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ યોજાશે. આ મેચનું ઉદ્દઘાટન તા.૨૫ના સાંજે ૬ વાગ્યે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તથા અતિથિ વિશેષ મેયર ડો. જૈમીન ઉપાધ્યાય દ્વારા કરવામાં આવશે.

આ ટુર્નામેન્ટમાં બેસ્ટ પ્લેયરને ઈનામ રૂ.૨૦૦૦/- તથા ટ્રોફી આપવામાં આવશે તેમજ પરાજીત થનાર ટીમ (રનર્સઅપ ટીમ)ને રોકડ રૂ.૩૫૦૦૦/- તથા ટ્રોફી આપવામાં આવશે. તેમજ વિજેતા થનાર ટીમને ચેમ્પિયન ટ્રોફી તથા રોકડ રૂપિયા ૫૧,૦૦૦/-નું ઈનામ આપવામાં આવશે. બહારના જીલ્લામાંથી આવતા તમામ ખેલાડીઓને રહેવાની તથા જમવાની તથા મેચમાં લાવવા - લઈ જવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવશે.

(5:01 pm IST)