Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

તો અમે પાટણવાળી કરશું: ગાયત્રીધામ મંદિર સામે બગીચાના વિરોધમાં આત્મવિલોપનની ચિમકી

રાજકોટ :. કાલાવડ રોડ ગાયત્રીધામ મંદિર સામે મ્યુ. કોર્પોરેશન દ્વારા સિનીયર સીટીઝન બગીચો બનાવવાનો નિર્ણય લીધો છે. જેની સામે મંદિરના સેવક ધર્મેશ જાની સહિતના શ્રધ્ધાળુઓએ વિરોધ દર્શાવી આ નિર્ણય રદ્ ન થાય તો રાજકોટમાં 'પાટણનાં દલિત અગ્નિકાંડ' વાળી થશે તેવી ચિમકી ઉચ્ચારી છે. આ અંગે મંદિર પરિસર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ધર્મેશ જાનીએ વિગતો આપતા જણાવેલ કે, આ મંદિરનની જગ્યામાં બનાવવામાં આવનાર ગાર્ડન બગીચા માટે અમે કાયદાકીય લડત આપી રહ્યા છીએ તેમા પીએમથી લઈને સીએમ સુધી તમામને લેખીત અરજી બબ્બેવાર મોકલવા છતાં રજૂઆત ધ્યાને લેવામા નથી આવતી. મુખ્યમંત્રીશ્રીના જ મત વિસ્તારમાં જ આ જગ્યા આવતી હોય છતાં કોઈપણ અધિકારીઓ આજ દિન સુધી ફરકયા નથી. આથી અમો એવો નિર્ણય કર્યો છે કે આગામી ૧૦ દિવસમાં હું તથા અમારા સેવકો, ભકતો દ્વારા નાછૂટકે આત્મવિલોપન કરશું જેમ પાટણમાં દલિત દ્વારા આત્મવિલોપન કરાયું તેવી જ રીતે હવે રાજકોટમાં પણ પાટણવાળી કરીશું અને સીએમ ઓફિસે અમે સંપર્ક કરતા સીએમના પી.એ. અગ્રસચિવ દ્વારા એવો જવામ મળ્યો કે આવી બાબતમાં સીએમ મળતા નથી કે એપોઈન્ટમેન્ટ આપવાને અમારી રજૂઆત સાંભળવા માટે ઘસીને ના પાડી દેવાય છે. ફકત ચૂંટણી જીતવા ટાણે જ રાજકારણીઓ ભગવાનના શરણે જાય છે. હવે અમારી પાસે કોઈ વિકલ્પ ન રહેતા ફરજીયાત આત્મવિલોપન કરવાની ફરજ પાડવામાં આવી રહેલ છે. તેથી અમે પાટણવાળી રાજકોટમાં કરવા જઈ રહ્યા છીએ માટે આ મેટર પ્રશ્ને જે કાંઈ બનાવ બને તો તેના માટે સત્તાધીશ તંત્ર, રાજ્ય સરકારના તમામ જવાબદાર અધિકારીઓની રહેશે અને આગળ ઉગ્રવિરોધ પ્રદર્શન જેવા અનેક કાર્યક્રમો આપશું અને ભાજપ સરકાર કે જે ધર્મ હિન્દુત્વ ઉપર રાજકારણ કરે છે. રામમંદિર બનાવવાની વાતો કરે છે. હાલ સત્તામાં કેન્દ્રમાં ભાજપની સરકાર છે શું કર્યુ ? ફકત ને ફકત હિન્દુ ધર્મની આસ્થા વિશ્વાસ ધરાવતા હિન્દુ ધર્મ સ્થાનો, મંદિરોને ટાર્ગેટ કેમ કરાય છે? માટે જો આ પ્રશ્ને અમને યોગ્ય ન્યાય ન મળે તો અમે ગાંધીનગર, દિલ્હી પણ હજારોની સંખ્યામાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન તથા જલદમાં જલદ કાર્યક્રમો કરીશું. આ માટે તમામ હિન્દુ સંપ્રદાયના સંતો-મહંતો તથા તમામ હિન્દુ સમાજના આગેવાનો અમોને સહયોગ આપે તેવી અમારી નમ્ર અપીલ છે. આ બાબત કોઈ જ્ઞાતિ કે કોમ આધારીત નથી પરંતુ હિન્દુ સમાજની ધાર્મિક લાગણી અને ધર્મમાં રહેલા અનન્ય વિશ્વાસ અને આસ્થાનો પ્રશ્ન છે. તસ્વીરમાં વિગતો આપી રહેલા ધર્મેશ જાની તથા તેમના પરિવારજનો દર્શાય છે તથા બાજુની તસ્વીરમાં વિવાદાસ્પદ જગ્યા દર્શાય છે.

(4:59 pm IST)