Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

જાકીટ લૂંટના ગુનામાં પકડાયેલો રોહિત ઉર્ફ કાળીયો અને સાગ્રીત ભરત વધુ બે ચિલઝડપના ગુનામાં પકડાયા

ક્રાઇમ બ્રાંચના પ્રદિપસિંહ, સામતભાઇ અને જીજ્ઞેશભાઇની બાતમી પરથી પી.એસ.આઇ. જાડેજા અને ધાંધલીયાની કામગીરી

રાજકોટ તા. ૨૦: શહેરમાં પગપાળા જતાં લોકોના હાથમાંથી કે શર્ટ-ટીશર્ટના ઉપરના ખિસ્સામાં રાખેલા મોબાઇલ ફોનની ચિલઝડપ કરી ભાગી જવાની ટેવ ધરાવતાં બે શખ્સને ક્રાઇમ બ્રાંચે પકડ્યા છે. આ પૈકીનો એક શખ્સ અગાઉ વેપારીને છરી બતાવી જાકીટ અને મોબાઇલ ફોનની લૂંટના ગુનામાં પકડાઇ ચુકયો છે. એટલુ જ નહિ એ-ડિવીઝન પોલીસ મથકમાંથી પણ ભાગી છુટ્યો હતો.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી ઝોન-૨ બલરામ મીણા, ઝોન-૧ કરણરાજ વાઘેલા અને એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ.એમ. બી. જાડેજા, પી.એસ.આઇ. એચ. બી. ધાંધલીયા, હેડકોન્સ. ચેતનસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, વિક્રમભાઇ લોખીલ, સામતભાઇ ગઢવી, અમીનભાઇ ભલુર, જીજ્ઞેશભાઇ મારૂ સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે પ્રદિપસિંહ, સામતભાઇ અને જીજ્ઞેશભાઇને બાતમી મળી હતી કે રોહિત ઉર્ફ ધરમ ઉર્ફ કાળીયો પરેશભાઇ કતીરા (ઉ.૨૨-રહે. વિનાયક સોસાયટી, અનાજ દળવાની ઘંટી ઉપર, મવડી પ્લોટ) તથા ભરત કાળુભાઇ સોલંકી (ઉ.૨૦-રહે. તાલાલા નરસંગ ટેકરી, હાલ મવડી પ્લોટ વિનાયક સોસાયટી)એ મોબાઇલ ફોનની ચિલઝડપ કરી છે અને બંને મવડી રોડ પર છે.

આ બાતમી પરથી બંનેને સકંજામાં લઇ તલાશી લેતાં રૂ. ૪ હજાર અને ૮ હજારના બે મોબાઇલ ફોન મળ્યા હતાં. આ બાબતે પુછતાછ થતાં બંનેએ ભકિતનગર અને યુનિવર્સિટી પોલીસ મથકની હદમાં ચિલઝડપ કર્યાનું કબુલતાં ધરપકડ કરાઇ છે. રોહિત ઉર્ફ કાળીયો અગાઉ એ-ડિવીઝન પોલીસ મથકના જાકીટ લૂંટના ગુનામાં તથા પોલીસ લોકઅપમાંથી ભાગી જવાના ગુનામાં પકડાઇ ચુકયો છે.

(4:55 pm IST)