Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

રૂ. પાંચ કરોડનો ચેક પાછો ફરતા કોર્ટમાં ફરીયાદઃ આરોપીને હાજર થવા સમન્સ

રાજકોટ તા. ર૦ : સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝ રજીર્સ્ડ ભાગીદાર પેઢીના ભાગીદાર ચિરાગભાઇ કિર્તિકુમાર જોબનપુત્રા, ઠે.લોહાણા મહાજનવાડીની બાજુમાં વાંકાનેર તથા રાજકોટના રહેવાસી એવા ફરીયાદીએ સૌરાષ્ટ્ર કોર્પોરેશનના પ્રોપરાઇટર જિલેશભાઇ કાંતીભાઇ અનડકટ, ઠે. આરાધના બિલ્ડીંગ, ત્રીજો માળ, હોટલ કે.કે.ની બાજુમાં કોટેચા ચોક, કાલાવડ રોડ, રાજકોટના સામે રૂપીયા પાંચ કરોડનો ચેક ડિસઓનર થતા ફરીયાદ કરેલ છે.

ફરીયાદની વિગતો મુજબ સૌરાષ્ટ્ર ઇન્સ્ડસ્ટ્રીઝએ મેળવેલ બેન્ક લોન અનુસંધાને સને ર૦૧૦ માં એન.પી.એ. થતા તેની સ્થાવર મિલ્કત બેન્ક દ્વારા વેચવાનો પ્રસંગ ઉપસ્થિત થયેલ પરંતુ જે તે મિલ્કત લોહીપાણીથી સીચેલ હોય, તે મિલ્કત બચાવવા માટે અને મિલ્કત વ્યકિત ગત રીતે જાળવી રાખવા માટે પેઢીના એક ભાગીદાર અજય હરગોવિંદભાઇ જોબનપુત્રાના સાળા જિલેશભાઇ અનડકટએ પેઢીના ભાગીદારો પરત્વે મદદરૂપ થવાની ભાવના વ્યકત કરી તેઓ બેન્ક દ્વારા ઓકશનમાં પેઢી તથા ભાગીદારો વતી ભાગ લેવા તૈયાર થયેલ.

ત્યારબાદ સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો વતી ટેન્ડર ભરવા માટે જરૂરી રકમ રૂ.૧૧,૦૦,૦૦૦ સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો પાસેથી મેળવેલ અને ઓકશનમાં તે મિલ્કત પોતાના નામે ખરીદી વેચાણ દસ્તાવેજ કરાવી, ત્યારબાદ ઓકશનમાં ખરીદેલ મિલ્કતનો અવેજ ચુકવવા માટે તેઓએ સૌરાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો અને તેના કુટુંબના અલગ અલગ સભ્યો પાસેથી રૂ.૮૯,૧૬,૦૦૦ જેવી રકમ આર.ટી.જી. એસ.થી પ્રાપ્ત કરેલ અને બાકીની રકમો રોકડ સ્વરૂપે મેળવેલ જે રકમો બેન્કમાં ભેગી કરી રૂ.૩૩,૦૦,૦૦૦ તથા રૂ.૪૬,પ૦,૦૦૦ ના બે ડ્રાફટ બેન્કને આપેલ. અને ફરીયાદીએ તેની મિલ્કત ઉપર રૂ.ર,૩૮,પ૦,૦૦૦ ની લોન કરાવી તહોમતદાર જોગ તા. ર૯/૩/૧ર ના રોજ વેચાણ દસ્તાવેજ કરાવડાવી આપેલ.

સદરહું ચેકની વસુલાત મેળવવા ફરીયાદીએ તેના બેન્ક એકાઉન્ટમાં રજુ રાખતા પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોઅરના શેરા સાથે જે તે ચેક ડિસઓનર થયેલ જેથી ફરીયાદીએ તેમના એડવોકેટ મારફત નોટીસ આપી ડિસઓનર થયેલ ચેકની રકમની ડિમાન્ડ કરતા તહોમતદારએ તેમના એડવોકેટ મારફત ઉડાઉ પ્રત્યુતર આપી ડિસઓનર થયેલ ચેકની રકમ નહી ચુકવતા રાજકોટ કોર્ટમાં ફરીયાદ કરવામાં આવેલ છે.

રેકર્ડ ઉપરના દસ્તાવેજો અને ફરીયાદની વિગતો ધ્યાને લેતા કોર્ટે તહોમતદારને આગામી મુદત હાજર રહવા સમન્સ કરેલ છે.

આ કામમાં ફરીયાદી ચિરાગભાઇ કિર્તિકુમાર જોબનપુત્રા વતી વિકાસ કે.શેઠ, અલ્પા વિ.શેઠ, વિવેક ધનેશા, વિપુલ આર. સોંદરવા, અક્ષય જી. ઠેસીયા એડવોકેટ દરજજે રોકાયેલા છે.

(4:35 pm IST)