Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

મ.ન.પા.નું ૧૭.૬૯ અબજનું બજેટ સર્વાનુમતે મંજુર : કાર્પેટ વેરામાં કોંગ્રેસનો વિરોધ

સવારે ૧૧ વાગ્યે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જનરલ બોર્ડનો પ્રારંભ : વિપક્ષી નેતા વશરામભાઇએ બજેટને આંકડાની માયાજાળ ગણાવી : પૂર્વ મેયર ઉદય કાનગડે બજેટ આવકારી, આધુનિક શહેર નિર્માણ અને સર્વંગી વિકાસલક્ષી હોવાનું જણાવ્યું

રાજકોટ : દર બે મહિને મળતુ મ્યુનિ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ આજે સવારે ૧૧ કલાકે કોર્પોરેશન કચેરીના બીજા માળે આવેલ રમેશભાઇ છાયા સભાગૃહમાં યોજાયું હતું. તે વખતની તસ્વીરમાં ભાજપના ઉદયભાઇ કાનગડ, પુષ્કર પટેલ, નીતીનભાઇ ભારદ્વાજ, કશ્યપભાઇ શુકલ સહિતના સભ્યો તથા કોંગ્રેસના વશરામભાઇ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા, ઘનશ્યામસિંહ , જાગૃતિબેન ડાંગર, મનસુખભાઇ કાલરીયા બજેટચર્ચા કરતા નજરે પડે છે. અન્ય તસ્વીરમાં મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની તથા અધિકારીઓ, સભ્યો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૮.ર૧)

રાજકોટ તા. ર૦ :.. આજે મ્યુ. કોર્પોરેશનનું જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થયુ હતું. ૧૭.૬૯ અબજનું આ બજેટ સર્વાનુમતે મંજુર થયુ હતું કેમ કે વિપક્ષ કોંગ્રેસે કાર્પેટ વેરા આકારણીથી દરખાસ્તનો વિરોધ કર્યો હતો.

આજે સવારે બજેટનાં પ્રારંભે સ્ટેન્ડીંગ  કમીટી ચેરમેન પુષ્કર પટેલે બજેટને રાજકોટ શહેરનાં સર્વાંગી વિકાસલક્ષી બનાવ્યુ હોવાનું અને ભાજપ શાસનમાં શરૂ થયેલ વિકાસ યાત્રાને આગળ વધારતું ગણાવ્યું હતું.

ત્યારબાદ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ આ બજેટને માત્ર આંકડાની માયાજાળ ગણાવી હતી.

વિપક્ષી નેતાઓ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ગત વર્ષે રપ અબજનાં બજેટમાંથી ૧ર૦૦ કરોડથી વધુના કામો માત્ર કાગળીયામાં જ રહી ગયા હોવાથી રીવાઇઝાડ બજેટ માત્ર ૧ર૦૦ કરોડનું જ કરવું પડયુ આમ ગત વર્ષનું બજેટ માત્ર ચૂંટણી લક્ષી અને ફુલ ગુલાબી સપનાઓ દેખાડતુ  હોવાનું સાબીત થયાનું વિપક્ષી નેતાએ જણાવેલ.

અતુલ રાજાણી

મહાપલિકાના બજેટ બોર્ડમાં આજે વિપક્ષના દંડક અને વોર્ડ નં. ૩ ના કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ મેયર સહિતના સાક્ષકોને કાર્પેટ એરીયા બેઇજ મિલ્કત વેરા આકારણીના નિયમો જાહેર કરવા જણાવ્યું હતું.

અતુલ રાજાણીએ વધુમાં જણાવ્યું હતું કે કાર્પેટના ઉંચા દરથી વોર્ડ નં. ૩ માં આવેલી પરાબજાર, દાણાપીઠ, રૈયાનાકા, બજાર, મોચી બજાર, સટ્ટા બજાર, લોહાણાપરા, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ સહિતની બજારોના દુકાનદાર વેપારીઓને હાલની મંદીમાં 'પડયા પર પાટુ' લાગશે.

સુવિધાઓ તમામ ન્યુ રાજકોટને જ અપાય છે અને જુના મધ્ય રાજકોટ ઉપર વેરા વધારાનો બોઝ ઝીંકાય છે. કાર્પેટ ટેકસ વેપારીઓ માટે બીજો જીએસટી ન બની રહે તે જોવા જણાવ્યું હતું.

ઉદય કાનગડ

જયારે પૂર્વ મેયર ઉદય કાનગડે કોર્પોરેશનનું વર્ષ ર૦૧૮-૧૯ નું બજેટ રાજકોટ શહેરને આધુનિક શહેર તરફ લઇ જનારૂ અને સર્વાંગી વિકાસ કરનાર બજેટ હોવાનું જણાવી આ બજેટ માટે સફાઇ કામદારોથી લઇ મ્યુ. કમિશ્નર સહિતની અધિકારી-કર્મચારીઓની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં. અને સ્માર્ટ સીટી માટે થયેલ બજેટની જોગવાઇઓને આવકારી હતી.

જયમીન ઠાકર

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં બજેટ બેઠકમાં જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, સમાજ કલ્યાણ સમિતિને વર્ષ ર૦૧૭-ર૦૧૮માં ફાળવવામાં આવેલ બજેટ મારફત લોક સુવિધા, રમત ગમતને પ્રોત્સાહન આપવા, પ્રાથમિક સુવિધા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો થકી મનોરંજન પુરૂ પાડવાના હેતુસર શાસકો દ્વારા સ્વતંત્ર પર્વ, પ્રજાસત્તાક પર્વ, ગુજરાત સ્થાપના દિવસ, કોર્પોરેશન સ્થાપના દિવસ ઉજવણી રન ફોર રાજકોટ, મેરેથોન, દેશના સુપ્રસિદ્ધ કલાકારોના લોકડાયરા, વોર્ડવાઇઝ હસાયરા સુરો કી સલામતી તથા શહેરના ચોક, માર્ગ, શાક માર્કેટ વિગેરેના નામકરણ જેવા કાર્યક્રમો. આ કાર્યક્રોમને વધુ ને વધુ લાભ લઇ શકે તે હેતુથી શહેરના જુદા જુદા વોર્ડમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આગામી વર્ષ માટે સમાજ કલ્યાણ સમિતિને ફાળવેલ બજેટ મારફત નગરજનો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મનસુખ કાલરિયા

વિપક્ષના ઉપનેતા મનસુખભાઇ કાલરિયાએ પણ કોર્પોરેશનનું વર્ષ ર૦૧૭-૧૯નું બજેટ આંકડાની ઇન્દ્રજાળ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ દર વખતે બજટના અડધો-અડધ અંદાજો ખોટા સાબીત થયા છે. કેમકે બજેટમાં દર વખતે પણ ફુલ ગુલાબી યોજનાઓ મૂકાય છે જે સાકાર થતી નથી.

કશ્યપ શુકલ

પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન કશ્યપભાઇ શુકલે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેને સંવેદનશીલતા દાખવી છેવાડામાં માનવીને સુવિધા આપતુ વાસ્તવિક બજેટ આપ્યું તે બદલે ચેરમેન પુષ્કરભાઇ પટેલને અભિનંદન પાઠવ્યા હતાં અને જણાવ્યું હતું કે, આ બજેટમાં પાર્ટી પ્લોટ, કોમ્યુનીટી હોલ વગેરેની જોગવાઇઓથી સામાન્ય નાગરિકોને પ્રસંગ ઉજવવામાં વધુ સરળતા રહેશે. કશ્યપભાઇ શુકલે આ બજેટથી રાજકોટની સંસ્કૃતિ અને વિકાસનું જતન થશે તે અંગમાં જણાવેલ.

મનીષ રાડિયા

આરોગ્ય સમિતિના ચેરમન અને વોર્ડ નં.રના કોર્પોરેટર મનીષ રાડિયાએ વર્ષ ર૦૧૮-૧૯ના અ૧૩૩ લાખના આરોગ્યલક્ષી જોગવાઇ થયેલ છે તેમાં નવા આરોગ્ય કેન્દ્ર સહિતની જાહેર આરોગ્યનું જતન કરનારી જોગવાઇઓથી તંદુરસ્ત રાજકોટના નિર્માણમાં વેગ મળશે તેમ કહી બજેટને આવકાર્ય હતું.

આ બજેટની દરખાસ્તો મતદાન ઉપર મૂકવામાં આવતા વિપક્ષ કોંગ્રેસે કાર્પેટ એરિયા પદ્ધતિથી વેરા આકારણી અણઘડ રીતે થઇ રહી હોઇ આ દરખાસ્તનો વિરોધ દશાવેલ. જયારે બાકીની શિક્ષણ સમિતિ બજેટ તથા પાણીવેરો, શિક્ષણ ઉપકર, ઓનલાઇન વળતર સહિતની ૧૦ જેટલી દરખાસ્તો સર્વાનુમતે મંજુર થયેલ.

જનરલ બોર્ડ સાથે..સાથે

* ખંડિત બોર્ડ મળ્યું કેમકે નવા ચૂંટાયેલા પરેશ પીપળિયાનું નામ ગેઝેટમાં પ્રસિદ્ધ થયું નહીં હોવાથી તેઓ બોર્ડમાં હાજર રહી શકયા ન હતા.

*ધારાસભ્ય અને કોર્પોરેટર અરવિંદ રૈયાણી, વિધાનસભામાં હાજર રહેલ હોઇ જનરલ બોર્ડમાં હાજર ન હતા.

*અરવિંદ રૈયાણીના વિરોધમાં વરરાજા સાથેની જાન કોર્પોરેશનના આંગણે આવ્યાની ઘટનાનો કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ ઉલ્લેખ કરતા બોર્ડમાં ગરમા-ગરમી થયેલ.

* લગ્નગાળાને કારણે જનરલ બોર્ડમાં કોર્પોરેટરોની પાંખી હાજરી. ભાજપના ૩૮માંથી ૩૪ અને કોંગ્રેસના ૩૩માંથી ર૮ કોર્પોરેટરો આવ્યા હતા.

* કોંગ્રેસના મનસુખ કાલરિયાએ નવા રીંગ રોડનું જણાવતા ભાજપ કોર્પોરેટરોએ આ કોર્પોરેશનના કાર્યક્ષેત્રમાં નથી તેવું જણાવી વાત ઉઠાવી દીધી.

* બજેટ ચર્ચામાં ભાજપે ફલાવર શો, મેરોથન, રોડ-શોકના વખાણ કર્યા.

* ૧૭.૬૯ અબજનું બજેટ રાા કલાકની ચર્ચામાં મંજુર. 

(4:53 pm IST)