Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

નવી દિશા આલેખતુ મહાપાલીકાનું બજેટ

તમામ વર્ગની સુખાકારીનો વિચાર કરાયો હોવાનું ભાજપ આગેવાનોનું મંતવ્ય

રાજકોટ તા. ૨૦ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે મહાનગરપાલકીના બજેટને આવકારી જણાવ્યુ છે કે તમામ વર્ગની સુખાકારીનો વિચાર કરાયો છે. પાણીવેરામાં કોઇપણ જાતનો વધારો નહી કરવાનો તેમજ દિવ્યાંગ મિલ્કતધારકોને વેરામાં ૫ ટકા વધુ રાહત આપવાનો નિર્ણયને પ્રેરક ગણાવેલ છે.

મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે કોર્પોરેશનના બજેટને આકાંક્ષાઓ પૂર્ણ કરનારૃં ગણાવ્યુ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયના મંત્રને સાર્થક કરી માનવી ત્યાં સુવિધા આપવા સરસ પ્રયાસ કરાયો છે.

શહેર ભાજપ અગ્રણી શ્રીમતી અંજલીબેન રૂપાણી, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, પૂર્વ શાસક પક્ષના નેતા અને કોર્પોરેટર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય મીનાબેન પારેખે જણાવ્યુ છે કે રૂા.૧૭.૬૩ કરોડના જમ્બો બજેટથી શહેરીજનોની સુખાકારી વધશે. માળખાકીય સુવિધાઓ આલેખતુ બજેટ એકંદરે સર્વસ્પર્શી અને સર્વ વ્યાપી બની રહ્યુ છે.

ભાજપ સૌરાષ્ટ્ર કચ્છ મીડીયા ઇન્ચાર્જ નીતીન ભૂતે જણાવ્યુ છે કે બજેમાં કારપેટ એરીયા વેરા પધ્ધતીમાં નવી પ્રણાલીતા વધુ પારદર્શી બનાવાઇ અને કોલ સેન્ટરમાં લેન્ડ લાઇન ટોલ ફ્રી સુવિધા તેમજ ડ્રેનેજ માટે ૧૦ કરોડની ફાળવણીની નિર્ણય નોંધ લેવા જેવો ગણાય. ઓડીટોરીયમ, ત્રણેય ઝોનમાં નવા પાર્ટી પ્લોટ, બે નવી હાઇસ્કુલો માટે નાણાની ફાળવણી આવકાર્ય છે.

પૂર્વ શાસક પક્ષના નેતા રાજુભાઇ બોરીચાએ જણાવ્યુ છે કે  સ્માર્ટ સીટીમાં સ્થાન પામવા જઇ રહેલ રાજકોટ કુદકે અને ભુસકે વિકાસ કરી રહ્યુ છે ત્યારે છેવાડાના માનવીની સુવિધાઓની બજેટમાં ફાળવણી કરીને તેમજ કોઇપણ જાતના વધારાના વેરા ન ઉમેરીને સર્વસ્પર્શી બજેટ બનાવાતા દરેક રીતે આવકારદાયી છે.

(3:45 pm IST)