Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

લોકો જાગતા રહે, પ્રતિનિધિઓ ઘોંટાઈ ગયા છે !

રાજકોટ :. રાજકોટ મહાપાલિકાના બોર્ડમાં આજે બજેટ ચર્ચા શરૂ થઈ હતી. આ ચર્ચા કોર્પોરેટરો માટે ઘેનના ઈન્જેકશન જેવી બની હતી. શેરી-ગલીમાં ગોકીરા કરનારા લોક પ્રતિનિધિઓ બજેટ ચર્ચામાં સામુહિક રૂપે ઘોંટાઈ ગયા હતા. ઘણાના તો નસકોરા શાસ્ત્રીય રાગોમાં વહેતા હતા. ભાજપ-કોંગ્રેસ બન્નેના નેતા-નેતીઓ લોકહિત તડકે મુકીને સૂઈ જવામા સહયોગી બન્યા હતા. નીતિન રામાણી (કોંગ્રેસ) આંગળીના ટેકે ઘોંટાઈ રહ્યા છે. કોેંગ્રેસના સંજય અજુડિયા મસ્તીની ઉંઘ ખેંચી રહ્યા છે. પાછળ માસુબેન હેરભા પણ એ.સી.ની ટાઢકમાં ઉંઘની મોજ માણી રહ્યા છે. કોંગ્રેસના વાસંતીબેન માલાણીએ પણ કોણીના ટેકે લંબાવી દીધું છે. પ્રજાના પ્રશ્નો પડતા મુકીને ઘોંટાઈ જવામાં ભાજપીઓ પણ કોંગ્રેસ સાથે સ્પર્ધામાં ઉતર્યા હતા. ભાજપના મુકેશભાઈ રાદડિયા તો ઉંઘમાં એટલા વ્યસ્ત હતા કે પોતાનું બેલેન્સ અવારનવાર ગુમાવી રહ્યા હતા. અનિલાબેન ગોસ્વામી હાથે મહેંદી મુકીને આવ્યા હતા. તેઓ મેકઅપ ન વીખાય તેની કાળજી રાખીને આરામ ફરમાવતા હતા. સોફિયા દલ તો વર્ષોની ઉંઘ લોકોના ખર્ચે પુરી કરવા બોર્ડમાં આવ્યા હોય તેમ ઘસઘસાટ ઘોંટાઈ ગયા હતા. પ્રતિનિધિઓ જવાબદારી તડકે મુકીને આરામ કરી રહ્યા છે. રાજકોટવાસીઓએ જાગતા રહેવું જરૂરી છે. ચૂંટણી આવશે ત્યારે આવા પ્રતિનિધિઓ જાગવાના ઈન્જેકશન લઈને ઉજાગરા કરશે. લોકોએ ત્યારે વધારે જાગૃતિ દાખવવી જોઈએ (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:57 pm IST)