Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

કોર્પોરેશનના બજેટમાં શહેરની પ્રાથમિક સુવિધા સાથે વિકાસકામોને પ્રાધાન્યઃ ડો. જૈમન ઉપાધ્યાય

રાજકોટ તા. ૨૦ : મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયએ બજેટ બોર્ડને સંબોધતા જણાવ્યું હતું કે, 'જયાં માનવી ત્યાં સુવિધા'. રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો આ પાયાના સિદ્ઘાંતને અનુસરી રાજકોટને દેશનું નમૂનારૂપ શહેર બનાવવાની દિશામાં સતત આગેકુચ કરતા રહ્યા છે. શહેરનો ભૌતિક, સાંસ્કૃતિક અને આર્થિક રીતે વિકાસ થાય તેવા ઉમદા આશય સાથે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી તથા સભ્યશ્રીઓએ પ્રાથમિક સુવિધાઓનું માળખું વધુ મજબુત બનાવવાની સાથોસાથ નવી યોજનાઓ સાથે વર્ષૅં૨૦૧૮-૧૯નું રૂ.૧૭૬૯.૩૩ કરોડનું જે અંદાજપત્ર રજુ કરેલ છે તેમાં કમિશનરશ્રીએ પાણી વેરામાં બમણો વધારો સુચવેલ પરંતુ સ્થાયી સમિતિએ પુખ્ત વિચારણા કરી, આમજનતાના હિતને ધ્યાનમાં રાખી, પાણી વેરા વધારો 'નામંજુર' કરેલ છે. જે બદલ સ્થાયી સમિતિના ચેરમેન તથા તમામ સભ્યશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.

રાજકોટ શહેર સ્વચ્છ, સુંદર તેમજ છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધા સાથે લોકોની સુખાકારીના વિકાસ કામો થાય ઉપરાંત પૂરતું પાણી મળી રહે તેમજ રોડ-રસ્તા, આરોગ્યલક્ષી સેવા ગરીબો અને મધ્યમ વર્ગને ઘરનું ઘર મળે રમત ગમત, બાગ-બગીચા વિગેરે તમામ કાર્યો માટે પુરતી બજેટ જોગવાઈ કરવામાં આવેલ છે.

સ્થાયી સમિતિ દ્વારા તમામ ક્ષેત્રે પુરતી બજેટ જોગવાઈ કરેલ. શહેરની પ્રાથમિક સુવિધાઓ સાથે વિકાસ કામોને પણ પ્રાધાન્ય આપેલ છે. હાલના પાણી વેરામાં લોકોને ૭૩ ટકા જેવી સબસિડી મળે છે તેમ છતા પણ પાણી વેરો વધારેલ નથી. શહેરના છેવાડાના માનવ સુધી સુવિધા મળે તે ધ્યાનમાં રાખી, સ્થાયી સમિતિએ અંદાજપત્ર મંજુર કરી જનરલ બોર્ડને ભલામણ કરેલ છે, જે અંદાજપત્ર જનરલ બોર્ડમાં સર્વાનુમતે મંજુર કરવામાં આવેશે તેમ અંતમાં જણાવ્યું હતું.

(2:55 pm IST)