Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

૧૯ વર્ષની લાંબી કાનૂની લડત બાદ ગોંડલ સિવિલ કોર્ટનો હુકમ લોધીકા દેવગામના પ્રકૃતિ ઉપવનની જમીનના કરાર અંગેના વિશીષ્ટ પાલનનો દાવો નામંજૂર

ચુકાદો જીતુલ કોટેચાની તરફેણમાં અને વાદી વિજય નારણદાસ અમલાણીની વિરૂધ્ધમાં આવ્યો

રાજકોટ તા. ૨૦: લોધીકાના દેવગામની 'પ્રકૃતિ ઉપવન' તરીકે ઓળખાતી જમીનના કરાર અંગેના વિશીષ્ટ પાલનના દાવાઓ નામંજુર કરવાનો હુકમ ગોંડલ સિવિલ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવ્યો છે.

કાલાવડ રોડ પર દેવગામના સર્વે નં. ૩૫ની મોટા ક્ષેત્રફળવાળી પ્રકૃતિ ઉપવન ફાર્મ હાઉસના નામથી વિકાસ કરવામાં આવેલી ૮૬ એકર ૧૬ ગુંઠા જમીન આવેલી છે. જેના માલિકો વિજયભાઇ નારણદાસ અમલાણી, પિયુષ ઇન્દુલાલ મહેતા વગેરે છે. આ પ્રકૃતિ ઉપવનની મધ્યમાં સર્વે નં. ૩૬ તથા સર્વે નં. ૩૭ની બીનખેતીની જમીન મુકુલ કોટેચા વિગેરેના કુલમુખત્યાર જીતુલ કોટેચાની માલિકીની છે. પ્રકૃતિ ઉપવનના માલિકો પૈકી વિજય અમલાણી (રહે. રાજકોટ) દ્વારા લોધીકા તાલુકાના ગામ દેવગામના સર્વે નં. ૩૬ના બીનખેતીના પ્લોટો ૧ થી ૨૪ની જમીન ચો.વાર. આ. ૫૧૨૬-૫૦ અને સર્વે નં. ૩૭ના પ્લોટ નં. ૧ થી ૬૬ની જમીન ચો.વાર. આ. ૧૧૦૩૫-૧૪ અંગે કરારના વિશીષ્ટ પાલનનું હુકમનામુ મેળવવા તથા રજીસ્ટર્ડ વેંચાણ દસ્તાવેજ કરી આપવાનો દાવો ૧૯૯૯ની સાલમાં સ્પે. સિવિલ સ્યુટ નં. ૧૦૬/૧૯૯૯ અને ૧૦૭/૧૯૯૯થી કરવામાં આવ્યો હતો.

આ બંને દાવા ૧૯૯૯માં થયા હતાં. એટલે કે ૧૯ વર્ષ સુધી ઐતિહાસિક લાંબી કાનૂની લડત બાદ બંને પક્ષકારો તરફે લેખિત-મોૈખિક દલીલો પુરાવાઓ રજૂ થયા બાદ નામ. પ્રિન્સીપાલ સિનીયર સિવિલ કોર્ટ, ગોંડલ દ્વારા બંને કેસમાં સર્વે નં. ૩૬ તથા ૩૭ની જમીનના કુલમુખત્યાર જીતુલ કોટેચાની તરફેણમાં તથા વાદી વિજયભાઇ અમલાણીની વિરૂધ્ધમાં ૬૨ પાનાનો અને બીજો ૬૧ પાનાનો ચુકાદો ફરમાવાયો છે.

બંને પક્ષકારોની લાંબી દલીલો સાંભળ્યા બાદ બંને દાવા ડીસીમીસ કરવાનો અને અગાઉ ફરમાવાયેલ મનાઇ હુકમ વેકેટ કરવાનો તથા બંને દાવાઓમાં રૂ. ૧૨-૧૨ હજાર વાદી વિજયભાઇ અમલાણીએ જીતુલ કોટેચા સહિત ચાર પ્રતિવાદીઓને ચુકવવા હુકમ ફરમાવાયો છે. આમ પ્રકૃતિ ઉપવન ફાર્મ હાઉસના માલિકો પૈકી વાદી વિજયભાઇ નારણદાસ અમલાણી વિરૂધ્ધ ચુકાદો આવ્યો છે.

અગાઉ પણ ૧૮ વર્ષ પહેલા ૧૦/૧/૨૦૦૧ના તથા ૧૬/૩/૨૦૦૫ના પ્રકૃતિ ઉપવન ફાર્મ હાઉસનો મંજુર થયેલો લે-આઉટ પ્લાન રદ કરવામાં આવ્યો હતો. અગ્રસચિવના આ હુકમ બાબતે હાઇકોર્ટમાં રીટ-પિટીશન પણ દાખલ થઇ હતી. જો કે જસ્ટીસ શ્રી જયંંત પટેલના હુકમથી પણ યથાર્થ ઠેરવાયેલ અને જીતુલ કોટેચાની સર્વે નં. ૩૬, ૩૭ની જમીનની ફરીથી સંયુકત માપણી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તેમ જીતુલ કોટેચાએ એક લેખિત યાદીમાં જણાવ્યું છે.

(12:27 pm IST)