Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

રાજકોટ યાર્ડમાં વેપારી-દલાલોની હડતાલઃ મોરબી રોડ પર ચક્કાજામ

મચ્છરોના ત્રાસ અંગે બેડી ગ્રામ પંચાયત કે કોર્પોરેશન દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા રોષઃ ડે. કલેકટર પ્રજ્ઞેશ જાની યાર્ડમાં દોડી જઇ વેપારી આગેવાનો અને યાર્ડના સતાધીશો સાથે બેઠક યોજી નદીમાંથી વેલ કાઢવાની કામગીરી તુરત શરૂ કરાવીઃ કાલથી યાર્ડ ફરીથી ધમધમશે : મોરબી રોડ ઉપર ચક્કાજામમાં બેડીના ગ્રામ્યજનો પણ જોડાયાઃ કલાકો સુધી વાહનોના થપ્પા : હડતાલના પગલે યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ કમિશન એજન્ટ એસોસીએશનની ઓફીસમાં તાળુ મરાવી દઇ ડાયરેકટ ખરીદ વેચાણની પ્રક્રિયા શરૂ કરવાની ચીમકી આપી હતીઃ અંતે મામલો થાળે પડયો

મોરબી રોડ પર યાર્ડના વેપારીઓ દ્વારા ચક્કાજામ : રાજકોટની ભાગોળે આવેલ બેડી યાર્ડમાં મચ્છરોના ત્રાસ અંગે આજે યાર્ડના વેપારીઓએ બંધનું એલાન આપ્યું હતું. તેમજ મોરબી રોડ ઉપર ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ર૦: રાજકોટ માર્કેટ યાર્ડમાં મચ્છરોના ત્રાસ અંગે સંબંધીત તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા આજે વેપારી-દલાલો અને મજુરોએ સજ્જડ બંધ પાડી ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો. તેમજ આ મામલે મોરબી રોડ પર ચક્કાજામ પણ કર્યો હતો.  જો કે બપોરે ડે. કલેકટર પ્રજ્ઞેશ જાની યાર્ડે દોડી ગયા હતા અને મચ્છરનો પ્રશ્ન ઉકેલવા માટે બેડી નદીમાંથી તુર્ત જ વેલ કાઢવાની કામગીરી શરૂ કરાવતા મામલો થાળે પડયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ માર્કેટ યાર્ડમાં મચ્છરોનો અસહ્ય ત્રાસ હોય વેપારીઓ, દલાલો અને મજુરો દ્વારા આ અંગે પખવાડીયા પુર્વે કલેકટર, મ્યુ. કમિશ્નર અને બેડી ગ્રામ પંચાયતને આવેદન આપી રજુઆત કરાઇ હતી અને યોગ્ય કાર્યવાહી ન કરાઇ તો યાર્ડ બંધની ચીમકી અપાઇ હતી. જો કે સંબંધીત તંત્ર દ્વારા યોગ્ય કરવાની ખાત્રી અપાતા બંધનું એલાન પાછુ ખેંચાયું હતું.

દરમિયાન માર્કેટ યાર્ડ કમીશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણીએ યાર્ડમાં મચ્છરોના ત્રાસ અંગે કોઇ કાર્યવાહી ન કરાતા ગઇકાલે સાંજે યાર્ડ બંધનું એલાન આપ્યું હતું. જે અંતર્ગત આજે રાજકોટ યાર્ડના અંદાજે ૩૦૦૦ વેપારીઓએ સજ્જડ બંધ રાખી સંબંધીત તંત્રની ઢીલી નીતી સામે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો.

 કમીશન  એજન્ટ એસો.ના પ્રમુખ અતુલ કામાણીના જણાવ્યા મુજબ મચ્છરોના ત્રાસ અંગે અનેકવાર રજુઆતો કરવા છતાં કોર્પોરેશન કે કલેકટર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્રને માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે. રાતના સમયે કોઇ અધિકારીઓએ યાર્ડની મુલાકાત લીધી નથી. કોર્પોરેશનવાળાઓ એવું કહે છે કે યાર્ડ અમારી હદમાં આવતું નથી. કલેકટર તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલમાં યાર્ડમાં શિયાળુ પાકની પુષ્કળ આવકો ચાલુ હોય ખેડુતો, મજુરો અને વેપારીઓને હાલાકી ભોગવવી પડે છે અને બિમારીઓનો ભોગ બનવું પડે છે.

બેડી યાર્ડ સાથે બેડી ગામના ગ્રામજનો પણ મચ્છરોના ત્રાસ મામલે પરેશાન છે. બેડી ગામના દોઢ લાખથી વધુ માણસો મચ્છરોના ત્રાસથી હાલાકી ભોગવી રહયા છે છતાં સંબંધીત તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. યાર્ડના બંધની સાથે મોરબી રોડ ઉપર ચક્કાજામના કાર્યક્રમમાં બેડી ગામના ગ્રામજનો પણ જોડાયા હતા.  ચક્કાજામના પગલે કલાકો સુધી ટ્રાફીકજામ થઇ ગયો હતો.

યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, મચ્છરોના ત્રાસ અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતા આજે વેપારીઓ અને દલાલોએ હડતાલ પાડી છે. હડતાલના પગલે તમામ જણસીઓની હરરાજી બંધ રહેતા ખેડુતોને પરેશાની ભોગવવી પડી હતી. યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા તથા વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાએ  જણાવ્યું હતું કે, યાર્ડમાં છાશવારે હડતાલના કારણે કરોડોનું નુકશાન જાય છે. એક દિવસ હડતાલ પડે તો ૧૦ કરોડનું ટર્નઓવર ઠપ્પ થઇ જાય છે તે ચલાવી નહિ લેવાય. વેપારીઓ અને દલાલોની  હડતાલ બાદ આજે માર્કેટ યાર્ડમાં આવેલ કમીશન એજન્ટ એસો.ની ઓફીસમાં તાળુ મરાવી દીધું હતું એટલું જ નહિ ખરીદ-વેચાણની પ્રક્રિયામાંથી દલાલો અને વચેટીયાઓને દુર કરાશે અને યાર્ડ જ ડાયરેકટ માલ ખરીદ કરી વેપારીઓને સોંપશે તેવી ચીમકી આપી હતી.

દરમિયાન યાર્ડમાં વેપારીઓ અને દલાલોની હડતાલને પગલે ડે. કલેકટર પ્રજ્ઞેશ જાની, બેડી યાર્ડે દોડી ગયા હતા. યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા તેમજ વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા અને કમીશન એજન્ટ એસો.ના પ્રમુખ અતુલ કામાણી તથા અન્ય આગેવાનો સાથે મીટીંગ યોજી હતી. આ મીટીંગમાં મચ્છરોનો ત્રાસ દુર કરવા બેડી નદીમાં આવેલ વેલ તાત્કાલીક કાઢવાની ખાત્રી આપી તે કામ પણ શરૂ કરાવી દીધું હતું. વેલ કાઢવાની કામગીરી શરૂ કરવાના નિર્ણયને  કમીશન એજન્ટ એસો.ના પ્રમુખ અતુલ કામાણી તથા વેપારી આગેવાનોએ આવકાર્યો હતો અને આવતીકાલથી રાબેતા મુજબ યાર્ડ ચાલુ રહેશે તેવી જાહેરાત કરી હતી.

(4:36 pm IST)