Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

લગ્ને - લગ્ને કુંવારા પરેશ મોચીએ ત્રણ યુવતિની જિંદગી બગાડી

ગાંધીગ્રામમાં મોબાઇલ રિચાર્જનું કામ કરતો ઢગો ૨૦૧૩માં એક સગીરાને ભગાડી જતાં અપહરણ-બળાત્કારના ગુનામાં જેલમાં ગયેલોઃ છુટીને પછી તેની જ સાથે લવમેરેજ કર્યાઃ બાદમાં તેને છેતરીને બીજા લગ્ન કર્યાઃ આ બે લગ્ન છુપાવી ત્રીજી સગીરાને પણ ફસાવીને કુલુ-મનાલી ભગાડી ગયો'તો! : પ્રથમ પત્નિએ પોતાને છુટાછેડા આપ્યા વગર પરેશે બીજા લગ્ન કરી લીધાની ગાંધીગ્રામ પોલીસમાં અને ત્રીજી પત્નિએ પોતાને છેતરી કાગળોમાં : સહીઓ કરાવી લગ્ન થઇ ગયાનું કહી શોષણ કર્યાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવીઃ પરેશ સામે એક કેસ મુંબઇ કોર્ટમાં પણ ચાલે છે! : આ છે પરેશ ચુડાસમા (મોચી) અને તેના કરતૂતોમાં મદદરૂપ થનાર માતા ઇન્દુબેન ચુડાસમા : રૈયા રોડ શિવ પાર્કમાં રહેતાં પરેશને આ ગુનામાં માતા ઇન્દુબેને પણ મદદ કરીઃ બંને સામે એફઆઇઆર દાખલ થતાં ધરપકડની કાર્યવાહી

રાજકોટ તા. ૨૦: ફિલ્મોમાં રોમીયો બની છોકરીઓને ફસાવતાં લેભાગુઓના પાત્રો અનેક વખત જોવા મળ્યા છે. પણ રાજકોટમાં અસલી જિંદગીમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગાંધીગ્રામમાં રહેતાં અને મોબાઇલ રિચાર્જનું કામ કરતાં મોચી શખ્સે એક સગીરાને ફસાવી મુંબઇ ભગાડી ગયા બાદ જેલમાંથી છુટી તેની સાથે લવમેરેજ કર્યા પછી તેણીને છુટાછેડા આપ્યા વગર બીજા લગ્ન અને બાદમાં ત્રીજી એક સગીરાને પણ પ્રેમજાળમાં ફસાવી ત્રીજા લગ્ન કરી લગ્ને-લગ્ને કુંવારા એવા આ શખ્સ સામે પ્રથમ પત્નિ અને ત્રીજી પત્નિ એમ બંનેએ છેતરપીંડી, વિશ્વાસઘાત અને પોસ્કો હેઠળ ફરિયાદો કરી છે. આ શખ્સને તેની માતાએ પણ ગુનામાં મદદગારી કરી હોઇ તેને પણ પોલીસે સકંજામાં લીધી છે.

બનાવ અંગે મહિલા પોલીસે રૈયા ચોકડી ૧૫૦ રીંગ રોડ પર નંદનવ સોસાયટી બ્લોક-૨/૩૮માં રહેતી નંદનીબેન પરેશ ચુડાસમા (ઉ.૧૯)ની ફરિયાદ પરથી રૈયા રોડ શિવ પાર્ક-૨ જુલી નિવાસમાં રહેતાં પતિ પરેશ રમેશભાઇ ચુડાસમા તથા સાસુ ઇન્દુબેન રમેશભાઇ ચુડાસમા સામે આઇપીસી ૩૫૪, ૪૦૬, ૪૯૩, ૪૯૫, ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા કાયદા પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધ્યો  છે.

નંદનીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે   હું ૩૧-૧-૧૮થી મારા મમ્મી-પપ્પા સાથે રહુ છું. મારા પિતા હિમાંશુભાઇ કિશોરચંદ્ર આચાર્ય (બ્રાહ્મણ) યુનિવર્સિટીમાં હેડકલાર્ક છે. બે વર્ષ પહેલા હું સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે મુરલીધર ચોકમાં ધ મોબાઇલ શોપમાં રિચાર્જ કરાવવા ગઇ ત્યારે દુકાનના માલિક પરેશ ચુડાસમા (મોચી) સાથે ઓળખાણ થઇ હતી. એકાદ મહિના બાદ અમારી વચ્ચે પ્રેમસંબંધ બંધાઇ જતાં પરેશ મને અલગ-અલગ જગ્યાએ ફરવા લઇ જતો હતો અને અડપલા કરતો હતો. હું ના પાડતી તો પણ તે કહેતો કે પ્રેમસંબંધ છે અને લગ્ન કરવા છે તો શું વાંધો? એ પછી પરેશ મને તેના ઘરે લઇ ગયેલ અને તેના માતા ઇન્દુબેન સાથે ઓળખાણ કરાવી હતી. ઇન્દુબેને કહેલ કે હું મારા પરેશ માટે છોકરી ગોતુ છું. અમારી વચ્ચે પ્રેમ હોઇ અને લગ્ન કરવા હોઇ જ્ઞાતિ અલગ-અલગ હોવાથી મારા પિતા માનશે નહિ તેમ પરેશને લાગતાં ૧૬/૯/૧૭ના રોજ પરેશે મારી પાસે કોઇ કાગળોમાં સહીઓ લીધી હતી અને ૨૫/૯/૧૭ના રોજ મારી કોલેજે આવી ફરવા જવું છે તેમ કહી મને અમદાવાદ, દિલ્હી અને કુલ-મનાલી લઇ ગયેલ. ત્યાં તેણે આપણા લગ્ન થઇ ગયા છે તેમ કહેલ. મનાલીથી ૨/૧૦/૧૭ના રોજ પરત રાજકોટ આવ્યા હતાં. આવીને પરેશ મને શિવપાર્ક-માં તેના મકાને લઇ ગયો હતો.

અમે બંને પરેશના માતા ઇન્દુબેનની સાથે જ રહેતાં હતાં. અમે કુલુમનાલી જતાં હતાં ત્યારે મેં મારા પિતાને ફોન કરીને પરેશ સાથે લગ્ન કરી લીધાની જાણ કરી દીધી હતી. હું એકની એક દિકરી હોઉ માતા-પિતાએ મારા લગ્ન સ્વીકારી મને માફ કરી દીધી હતી. પછી હું તેના ઘરે આવતી-જતી પણ થઇ હતી. એકાદ મહિનો પરેશ અને સાસુ ઇન્દુબેને સરખી રીતે રાખી હતી. પણ બાદમાં સાસુ મને એકલી કયાંય જવા દેતા નહિ. મારા મમ્મીના ઘરે જવું હોય તો પણ સાસુ સાથે આવતાં. હું અભ્યાસ કરતી જેથી રસોઇ આવડતી નહિ, રોટલી ગોળાકાર ન બને તો સાસુ મોઢુ દબાવીને કહેતાં કે તારા મા-બાપે કંઇ શીખવ્યું નથી, તારી માના ઘરે આખો દિ સુતી જ છો. એને કહેજે ચીથરા જેવા કપડા ન આપે. આ બાબતે મેં પરેશને વાત કરતાં તેણે પણ મમ્મીને કંઇ કહેવાનું નહિ તેમ કહી તેની માતાનો પક્ષ લીધો હતો.

બાદમાં ત્રાસ સતત વધી ગયો હતો. પરેશ અવાર-નવાર કોર્ટમાં જતો હોઇ હું એ બાબતે પુછતાં તે કહેતો કે કોર્ટમાં લેપટોપ રિપેરીંગનું કામ કરવા જાઉ છું. પણ બાદમાં મને જાણવા મળેલ કે પરેશના અગાઉ વિધી કોટક અને ધારા રજનીકાંત સાથે લગ્ન થઇ ગયા છે. આ બાબતે મેં પરેશને વાત કરતાં તેણે મારકુટ કરી હતી અને કોઇને વાત કરીશ તો તારા મા-બાપને પણ મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. પરેશે પહેલા લગ્નની વાત છુપાવી મારી પાસે કાગળો સહીઓ કરાવી પત્નિ તરીકે રાખી હતી.

બે મહિના પહેલા પરેશ મુંબઇ માલની ખરીદી કરવા ગયો અને પાછો આવ્યો ત્યારે તેનો મોબાઇલ ફોન ચેક કરતાં તે બીજી કોઇ છોકરીને કિસ કરતો હોય અને ગળે લગાડતો હોય તેવા ફોટા મેં જોયા હતાં. આ બાબતે પુછતાં તેણે આ પોતાની ફ્રેન્ડ હોવાનું કહ્યું હતું. મુંબઇથી આવ્યા પછી તેનું વર્તન ખુબ ખરાબ થઇ ગયું હતું. કંટાળીને હું ૩૧/૧/૧૭ના પતિ-સાસુથી નજર ચુકવી બપોરના સમયે મારા માવતરે જતી રહી હતી. ત્યારબાદ પોલીસ કમિશ્નરશ્રીને અરજી આપી હતી અને હવે ફરિયાદ કરી છે. એમ. ડી. વિઠ્ઠલાપરાએ ગુનો નોંધ્યો હતો. આ ફરિયાદ પરથી પી.આઇ. પી. બી. સાપરાની રાહબરીમાં પી.એસ.આઇ. આઇ. એમ. ઝાલા અને હાજીભાઇ વધુ તપાસ કરે છે.

બીજી ફરિયાદ

પરેશ ચુડાસમા અને તેના માતા ઇન્દુબેન સામે બીજી ફરિયાદ તેની પ્રથમ પત્નિ હાલ નાણાવટી ચોક સત્યનારાયણ પાર્ક-૧/૪૭માં રહેતી રિધ્ધીબેન પરેશ ચુડાસમા (ઉ.૨૬)એ નોંધાવી છે. રિધ્ધીબેનના પિતાનું નામ મુકેશભાઇ મુળજીભાઇ કોટક (લોહાણા) છે. તેણીએ ફરિયાદમાં લખાવ્યું છે કે અમે બે બહેન અને એક ભાઇમાં હું મોટી છું. મારા પિતા નામુ લખવાનું કામ કરે છે. હું કોલેજમાં અભ્યાસ કરતી હતી તે સમયે  પરેશ ચુડાસમા મારા પરિચયમાં આવ્યો હતો. તે મને ભગાડીને મુંબઇ લઇ ગયો હતો. તે વખતે મારા પિતાએ પરેશ વિરૂધ્ધ પોલીસને જાણ કરતાં પોલીસે પરેશને મુંબઇથી અટકાયત કરી હતી. તે વખતે પરેશ વિરૂધ્ધ આઇપીસી ૩૬૩, ૩૭૬ મુજબ ગુનો નોંધાયો હતો. એ ગુનામાં તે રાજકોટ જેલમાં ગયો હતો. એ સમયે હું મારા પિતાના ઘરે હતી. ૧૮ વર્ષ પુરા થયા બાદ ફરીથી મેં પરેશ સાથે ગોંડલ મુકામે લવમેરેજ કર્યા હતાં અને અમે મુંબઇ રહેવા જતાં રહ્યા હતાં. તે વખતે પરેશે કહેલ કે તારા પિતાએ કંઇ કરિયાવર આપ્યો નથી જેથી તું નોકરી ચાલુ કરી દે. જેથી મેં નોકરી ચાલુ કરી હતી. તે મને ધમકાવતો હતો કે તારા પિતા કેસ પાછો નહિ ખેંચે તો હું તને કાઢી મુકીશ. ત્યારે હું એકલી હોવાથી ફરિયાદ કરી નહોતી. કેસ ચાલુ હોઇ જેથી અમે મુંબઇથી રાજકોટ આવી ગયા હતાં. પરેશના માતા ઇન્દુબેને મને સમજાવેલ કે સમાધાન કરી લેવા કહેતાં ગોંડલથી રૂ. ૨૦ અને ૧૦૦ના બે સ્ટેમ્પ પેપર મારા નામના લીધા હતાં. પરેશે કહેલ કે મારા પર તારા પિતાએ જે કેસ કર્યો છે તેમાં ફરીથી જેલ ન જવું પડે અને જામીન મળી જાય તેના માટેના આ કાગળો છે. તેમ કહી ખોટુ બોલી છુટાછેડાના કાગળો પર સહીઓ કરાવી લીધી હતી. અમે ફરીથી મુંબઇ જતાં રહ્યા હતાં. પણ હવે પતિ-સાસુએ ખુબ ત્રાસ આપવાનું શરૂ કરતાં હું ૨૦૧૩માં મુંબઇથી રાજકોટ આવી ગઇ હતી. ત્યારે પતિએ હવે પાછી ન આવતી તેમ કહી રાજકોટ મુકી ગયો હતો. એકાદ વર્ષ એકલી રહ્યા બાદ બનાવની મારા માતા-પિતાને જાણ થતાં મને મહિલા પોલીસ મથકે અને સમાજ સુરક્ષાની કચેરીએ લઇ જઇ પરેશ વિરૂધ્ધ ફરિયાદ કરવા કહ્યું હતું. આ કેસ મુંબઇ બોરીવલી વેસ્ટ કોર્ટમાં ચાલુ છે. તેમજ ભરણપોષણ અને ડોમેસ્ટીક વાયોલન્ટનો કેસ રાજકોટ કોર્ટમાં ચાલુ છે.

પરેશે મારી સાથે છુટાછેડા લીધા ન હોવા છતાં ધારા રજનીકાંત સાથે લગ્ન કરી લીધેલ અને એ પછી ત્રીજા લગ્ન નંદની આચાર્ય સાથે કરી લીધા છે. આમ પરેશે મારા નામના સ્ટેમ્પ પેપરનો દુરૂપયોગ કરી મને છેતરીને ખોટુ  લખાણ કરી છુટાછેડાના બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડી કરી હોવાનું જાણમાં આવતાં ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરી છે.

ગાંધીગ્રામના પી.આઇ. એચ.આર. ભાટુ, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીભાઇ પટેલ સહિતએ આ અંગે ૪૦૬, ૪૬૫, ૪૬૮, ૪૯૪, ૩૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે પરેશ અને તેના માતા ઇન્દુબેનને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે. પરેશે વિધી પછી બીજા લગ્ન જેની સાથે કર્યા હતાં એ યુવતિનું માત્ર નામ પોલીસને મળ્યું છે. એ યુવતિ સાથે પણ આ રીતે છેતરપીંડી થઇ હતી કે કેમ? તેની પણ તપાસ થઇ રહી છે.

(5:06 pm IST)