Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

પતિની જીયારતમાં ખેડાથી રાજકોટ આવેલી ભગવતીબેન ઉર્ફ નઝમાબેન પર પતિની પ્રથમ પત્નિ સહિતનો હુમલો

મુળ નડીયાદના બીલોદરાની મહિલાને રાજકોટના મુસ્લિમ શખ્સ સાથે લવમેરેજ કર્યા'તાઃ જંગલેશ્વરમાં બનાવઃ સાતેક લોકોએ ઢીકા-પાટુનો માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨૦: ખેડાના નડીયાદ તાબેના જુના બીલોદરા ગામે રહેતાં મહિલાને રાજકોટ જંગલેશ્વરમાં રહેતી મહિલાએ રાજકોટ જંગલેશ્વરના મુસ્લિમ વ્યકિત સાથે લવમેરેજ કર્યા હોઇ તેણીના પતિનું મૃત્યુ થતાં પોતે ગઇકાલે બેસણામાં મોઢે થવા આવતાં પતિની પ્રથમ ઘરવાળી અને તેના ભાઇઓ સહિતનાએ હુમલો કરી ઢીકા-પાટુનો માર મારી મારી નાંખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતાં પોલીસે રાયોટ, એટ્રોસીટી, ધમકીનો ગુનો નોંધ્યો છે.

ભકિતનગર પોલીસે આ અંગે જુના બીલોદરા ગામે રહેતાં ભગવતીબેન ઉર્ફ નઝમાબેન હનીફભાઇ પતાણી (ઉ.૫૫)ની ફરિયાદ પરથી જંગલેશ્વર-૭ હુશેની ચોકમાં રહેતાં તેના પતિ હનીફભાઇ પતાણીની પ્રથમ પત્નિ ઝરીના હનીફભાઇ, ઝરીનાબેનના ભાઇ, જમાલભાઇ, ઇલ્યાસ જમાલભાઇ, જુબેર હનીફભાઇ, અકરમ હનીફભાઇ અને આરીફ ઉમરભાઇ સામે આઇપીસી ૩૨૩, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૯, એટ્રોસીટી એકટ ૩ (૧) આર, ૩ (૨) (૫-એ) મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદમાં જણાવાયા મુજબ ભગવતીબેને અગાઉ હનીફભાઇ પતાણી સાથે લવમેરેજ કર્યા હતાં અને બાદમાં નઝમા નામ ધારણ કર્યુ હતું. હાલમાં તેણી નડીયાદના જુના બીલોદરામાં રહે છે. દરમિયાન પતિ હનીફભાઇ પતાણીનું મૃત્યુ થતાં તેની જીયારત રાખી હોઇ પોતે ગઇકાલે તેમાં બેસવા માટે આવતાં પતિની પ્રથમ ઘરવાળી સહિતનાએ તું કેમ આવી? કહી ઝઘડો કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી માર મારી ધમકી આપી હતી. આ ફરિયાદ પરથી એસસીએસટી સેલના એસીપીશ્રીની રાહબરી હેઠળ તપાસ થઇ રહી છે. (૧૪.૫)

 

(10:23 am IST)