Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

મોટી ટાંકી ચોક પાસેના ખુની હુમલા કેસમાં પકડાયેલ ડોકટર સહિતના આરોપીઓ જામીન પર

રાજકોટ તા.૨૦: અત્રે મોટી ટાંકી ચોકમાં અકસ્માત બાબતે ખુની હુમલામાં પકડાયેલ ડોકટર તથા  અન્ય સાથીદારોનો જામીન ઉપર છુટકારો અદાલતે ફરમાવેલ છે.

રાજકોટમાં વૈશાલીનગરમાં રહેતા વેપારી હીરેનભાઇ ઉદયભાઇ નથવાણી દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં એ મતલબની ફરીયાદ આપવામાં આવેલ કે તા.૨૮-૧૨-૨૦૧૯ના રોજ પોતાના પરીવાર સાથે કાલાવડ રોડ ઉપર ચકકર મારવા ગયેલા અને ત્યારે પ્રેમ મંદીર પાસે એક કાર સાથે અડી જતા બોલાચાલી થયેલ હતી અને ત્યારબાદ આ કાર વાળા લોકોએ અમોની ઘરે આવી અમોનો ફોન નંબર મેળવી લીધેલ અને ત્યારબાદ તા.૨૯-૧૨-૨૦૧૯ના રોજ ફોન કરી મોટી ટાંકી ચોકમાં સમાધાન માટે બોલાવેલ હતા અને હું ત્યાં શેરીમાં ગયેલ હતો ત્યારે આ કાર અકસ્માતવાળા લોકો તથા બીજા અજાણ્યા લોકો આવેલ અને છરીના ઘા મારેલ હતા અને લોખંડનો પાઇપ પણ મારેલ હતો અને મારા મિત્ર મને હોસ્પીટલે લઇ ગયેલ હતા તેવી મતલબની ફરીયાદ નોંધાવેલ હતી.

આ કામમાં પોલીસ દ્વારા પહેલા આઇ.પી.સી.કલમ ૩૨૬ વિગેરે મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ અને ત્યારબાદ પોલીસ દ્વારા ખુની હુમલાની કલમ ૩૦૭ તથા કાવતરાની કલમ ૧૨૦(બી) નો ઉમેરો કરવામાં આવેલ હતો. જેમાં પોલીસ દ્વારા ડોકટર લકકીરાજ ભગવાનજીભાઇ સહીતના આઠ લોકોની ધરપકડ કરવામાં આવેલ અને રીમાન્ડની માંગણી પણ કરવામાં આવેલ હતી ત્યારબાદ આ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ હતા.

કોર્ટે બચાવપક્ષની દલીલોને ધ્યાને લઇ આરોપીઓ (૧)યશ રસીકભાઇ વ્યાસ (૨)અર્જુન રણજીતભાઇ (૩)મીત હરેશભાઇ વ્યાસ (૪)આકાશ વિનુભાઇ મેસવાણીયા (૫)જયદીપ મગનભાઇ અકવાલીયા (૬) લકકીરાજ ભગવાનજીભાઇ અકવાલીયા (૭)રાજ દીલીપભાઇ ગોસ્વામી (૮) ધર્મેશભાઇ હરેશભાઇ યાદવને રૂ.૨૫૦૦૦/- રૂ.૨૫,૦૦૦/-ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં બચાવપક્ષે ભગીરથસિંહ ડોડીયા, હેમાંશુ પારેખ, કિરીટ નકુમ, જયવિર બારૈયા, મીલન જોષી દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, નયન મણીયાર, કુલદીપભાઇ ચૌહાણ એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:57 pm IST)