Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કોરોનાના કેસો વધતા કલેકટરનું હાઈએલર્ટઃ કેન્સર તથા સમરસનું ઓકસીજન કોવીડ સેન્ટર 'સ્ટેન્ડ બાય રાખવા આદેશો': લોકો એલર્ટ રહે

ડીસેમ્બરના પહેલા વીકમાં કોરોનાની બીજી લહેર અંગે કહી શકાશેઃ લોકો માસ્ક પહેરતા નથી તે દુઃખદ બાબત છે : શરદી-ઉધરસ હોય તો ખાસ ટેસ્ટીંગ કરાવેઃ મોડુ ન કરેઃ ગભરાવાની જરૂર નથી : હાલ એક પણ ખાનગી હોસ્પીટલને કોરોના અંગે બંધ કરવાની કોઈ મંજુરી નથીઃ જેમને ૫૦ ટકા બેડ અંગે મંજુરી અપાયેલ તે જલારામ હોસ્પીટલને પણ ફરી કોવીડ-૧૯ અંગે મંજુરી અપાઈ છેઃ રેમ્યા મોહન

રાજકોટ, તા. ૧૯ :. જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે તહેવારોને કારણે લોકો એકઠા થયા અને એ ઉપરાંત લોકો માસ્ક વગર બહાર નીકળી રહ્યા હોય કોરોનાના કેસોમાં વધારો થયો છે. લોકો માસ્ક પહેરતા નથી તે દુઃખદ બાબત છે. ખાસ કરીને લોકો જાહેરમાં તો ખાસ માસ્ક પહેરે, સેનેટાઈઝ કરે, લોકો ખાસ એલર્ટ રહે તે જરૂરી છે.

તેમણે જણાવેલ કે લોકો શરદી, ઉધરસ, તાવ હોય તુરત જ સામેથી બહાર આવી ટેસ્ટીંગ કરાવે તે જરૂરી છે, મોડુ ન કરે, અરલીસ્ટેજમાં ટેસ્ટીંગ થાય તે જરૂરી છે. લોકો છૂપાવે નહીં, ગભરાવાની જરૂરત નથી.

કોરોનાના કેસો વધતા તે અંગે કલેકટરે જણાવ્યુ હતુ કે, આપણી પાસે હાલ પૂરતા બેડ છે અને ૨૦૮૦થી વધુ બેડ ખાલી છે. આમ છતા સમરસ હોસ્ટેલનું ઓકસીજન લાઈન ધરાવતુ કોવીડ સેન્ટર અને કેન્સર હોસ્પીટલ બન્ને સ્ટેન્ડ બાય રાખવા આદેશો કર્યા છે. જરૂર પડયે આ બન્ને સેન્ટર તૂર્ત જ ચાલુ કરાવી દેવાશે.

કલેકટરે જણાવ્યુ હતુ કે રાજકોટ શહેર-જીલ્લાની એક પણ ખાનગી કોવીડ-૧૯ હોસ્પીટલને બંધ કરવાની મંજુરી અપાઈ નથી અને હમણા અપાશે પણ નહીં. ઉલ્ટાનું જે ૫ હોસ્પીટલ ચાલુ ૫૦ ટકા બેડ લેવાયા હતા. તેમને અન્ય કેસો અંગે હોસ્પીટલ ચાલુ કરવા અંગે મંજુરી અપાયેલ, તેમાંથી એક જલારામ હોસ્પીટલે પણ પુનઃ કોવીડ-૧૯ હોસ્પીટલ અંગે મંજુરી માંગતા તે ચાલુ કરવા ગઈકાલે જ મંજુરી અપાઈ ગઈ છે.

કોરોનાની આ બીજી લહેર ગણાય કે નહી તે અંગે કલેકટરે જણાવેલ કે ના એવુ નથી, એ આપણને ડીસેમ્બરના પહેલા - બીજા વીકમાં ખબર પડી જશે. હાલ તો તહેવારોની મોસમને કારણે લોકો વધુ બહાર નીકળ્યા અને તેની અસરરૂપે કોરોનાના થોડા કેસો વધ્યા છે.

કલેકટરે જણાવ્યુ હતુ કે આગામી તા. ૨૧મીએ ઘણા લાંબા સમય બાદ ફરીયાદ-સંકલનની મીટીંગ મળશે તે મીટીંગમાં પણ કોવીડ-૧૯ અંગે સંબંધીત તમામ ખાતાના અધિકારીઓ સાથે ચર્ચા થશે, રીવ્યુ લેવાશે.

(3:35 pm IST)