Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

રેસકોર્ષ પાર્કના ફલેટમાં ઇન્કમટેક્ષ કચેરીના ૪ કર્મચારી 'ડમડમ' ઝડપાયા

રાજકોટ તા. ૧૯ : શહેરના રેસકોર્ષ પાર્કમાં આવેલા ફલેટમાં પ્ર.નગર પોલીસે દરોડો પાડી ભાડે રહેતા ઇન્કમટેક્ષ કચેરીના ચાર કર્મચારીને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ રેસકોર્ષ પાર્ક શેરી નં. ૨માં આવેલા એપાર્ટમેન્ટના ફલેટમાં કેટલાક વ્યકિતઓ દારૂની મહેફીલ માણતા હોવાની કોઇએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જે જાણ કરતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.પટેલ, હેડ કોન્સ. દેવશીભાઇ, વિજયરાજસિંહ, કુલદીપસિંહ અને મહાવીરસિંહ સહિતે રેસકોર્ષ પાર્ક શેરી નં. ૨માં ફલેટ નં. ૨૭/૧૦૩માં દરોડો પાડી ઇન્કમટેક્ષ કચેરીના ચાર કર્મચારી સુધીરકુમાર રામકુમાર યાદવ (ઉ.વ.૨૮) (રહે. રેસકોર્ષ પાર્ક, ફલેટમાં ભાડે મૂળ હરીયાણા), આશિષ રાજસિંગભાઇ રાણા (ઉ.વ.૩૦) (રહે. કેન્દ્રાચલ ભવન રાજકોટ, મૂળ હરિયાણા), રવિન્દ્ર સજ્જનસિંહ સિંધુ (ઉ.વ.૨૯) (રહે. આયકર ગૃહ વાટીકા રાજકોટ, મૂળ હરિયાણા) અને દેવેન્દ્રકુમાર ભાનુપ્રતાપસિંગ (ઉ.વ.૩૨) (રહે. ૩/૨૦૨ રેસકોર્ષ પાર્ક રાજકોટ, મૂળ ઉત્તરપ્રદેશ)ને નશાની હાલતમાં પકડી લઇ કાર્યવાહી કરી હતી.

  • વિદેશી દારૂની ચાર બોટલ સાથે પારસ પકડાયો

બી-ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ.ડામોર, એએસઆઇ સલીમભાઇ, હેડ કોન્સ. અજયભાઇ, મનોજભાઇ, સિરાજભાઇ, હેમેન્દ્રભાઇ, ચાપરાજભાઇ, જયદીપસિંહ, પરેશભાઇ, સંજયભાઇ, મિતેશભાઇ, મનોજભાઇ તથા ભાવેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે અજયભાઇ અને જયદીપસિંહને મળેલી બાતમીના આધારે સંતકબીર રોડ, ત્રિવેણી ગેઇટ પાસેથી જીજે૩એચપી-૮૦૭૯ નંબરના એકસેસમાંથી દારૂની ચાર બોટલ સાથે પારસ મોહનભાઇ સોલંકી (ઉ.વ.૧૯) (રહે. ત્રિવેણી સોસાયટી પાસે ગાંધી સ્મૃતિ સોસાયટી)ને પકડી લીધો હતો તે અગાઉ પ્ર.નગર પોલીસ અને બી-ડીવીઝન પોલીસ મથકમાં દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો છે.

  • દારૂની ૧ બોટલ સાથે શૈલેષ પકડાયો

મેઘમાયાનગર શેરી નં. ૪માં માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ કે.કે.માઢક તથા સંજયભાઇ બારોટ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે દરોડો પાડી દારૂની રૂ. ૫૦૦ની કિંમતની દારૂની એક બોટલ સાથે શૈલેષ કિશોરભાઇ રાઠોડ (ઉ.વ.૨૪) (રહે. મેઘમાયાનગર)ને પકડી લીધો હતો.

(3:32 pm IST)