Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

તું કેમ કાતર મારે છે, સામુ કેમ જાયા કરે છે...કહી રહિમ કુરેશીનું અફઝલ ઉર્ફ રાજાએ બાઇક સળગાવ્યું

હજુ તો તારું વાહન સળગાવ્યું છે, હવે તનેય પુરો કરી નાંખવો છે કહી ધમકી પણ દીધીઃ નાણાવટી ચોક આવાસ યોજના કવાર્ટરમાં બનાવઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૯: ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં રહેતાં મુસ્લિમ યુવાનને 'તું કેમ કાતર મારે છે' કહી તેના જ પડોશમાં રહેતાં પઠાણ શખ્સે મારકુટ કરી મારી નાંખવાની ધમકી આપી તેનું બાઇક સળગાવી નાંખતા અને જેમ બાઇક સળગાવ્યું એમ તનેય પુરો કરી નાંખવો છે તેમ કહી ધમકી દેતાં પોલીસે કાર્યવાહી કરી છે.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નાણાવટી ચોક આવાસ યોજના કવાર્ટર નં. ૧૦/૨૮૬માં સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રહેતાં અને વિજ્યા એલિવેટર લિફટ કંપનીમાં કારીગર તરીકે કામ કરતાં રહિમ ભીખુભાઇ કુરેશી (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી તેના ઘર નજીક રહેતાં અફઝલ ઉર્ફ રાજા બાબાખાન પઠાણ સામે આઇપીસી ૪૩૫, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

રહિમે ફરિયાદમાં જણાવ્યું છે કે ૧૩/૧૧ના રાતે સાડા દસેક વાગ્યે હું ઘરે હતો. જમીને નીચે ઉતરતાં અમારા બ્લોકમાં રહેતો અફઝલ પઠાણ તેનું બાઇક લઇને મારી પાસે આવ્યો હતો અને 'તું કેમ મારી સામે જોવે છે, કેમ અવાર-નવાર કાતર મારે છે?' તેમ કહી છરી કાઢી મને ધક્કો મારવા લાગતાં અને ગાળો દેવા લાગતાં મેં તેને ઝઘડો કરવાની ના પાડી હતી. દેકારો થતાં મારા ઘરના લોકો આવી જતાં તેને પણ અફઝલે ગાળો દીધી હતી. બીજા લોકો પણ ભેગા થઇ જતાં હું ઘરે જતો રહ્યો હતો.

એ પછી હું ઘરે ન હોઇ અફઝલે અમારા કવાર્ટરની નીચે પાર્ક કરાયેલુ મારું બાઇક સળગાવી નાંખ્યું હતું. એ પછી હું ઘરે આવતાં તે ફરી આવ્યો હતો અને કહેલ કે તારું બાઇક સળગાવી નાંખ્યું છે, હવે તનેય પુરો કરી નાંખવો છે... તેમ કહી મારી નાંખવાની ધમકી આપી હતી. મેં પોલીસને ફોન કરતાં તે ભાગી ગયો હતો. જે તે સમયે હું ફરિયાદ કરવા ઇચ્છતો નહોતો. પણ હવે મારા સગાએ સમજાવતાં અફઝલ વિરૂધ્ધ ફરિયાદ કરી છે. યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. સાજીદભાઇ ખીરાણી અને અનુજભાઇ આહિરએ ગુનો નોંધી આરોપી સામે કાર્યવાહી કરી છે

(3:16 pm IST)