Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ડોકટર બનવું'તું પણ ૧૨ સાયન્સમાં ઓછા ટકા આવતાં ડિપ્રેશનને લીધે રોનકે જિંદગી તરછોડી

જામનગર રોડ શેઠનગરમાં બનાવઃ મૃત્યુ પામનાર યુવાન મુળ જામખંભાળીયાનોઃ એક બહેન ડોકટર છેઃગોરીયા (આહિર) પરિવારમાં કલ્પાંતઃ ચાર બહેનના એકના એક ભાઇનો ભાઇબીજે જ ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૧૯: જામનગર રોડ પર શેઠનગરમાં રહેતાં મુળ જામખંભાળીયાના આહિર પરિવારના ૧૮ વર્ષના યુવાન રોનક વજશીભાઇ ગોરીયાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. રોનકને ડોકટર બનવું હતું પરંતુ બાર સાયન્સમાં ઓછી ટકાવારી આવતાં તે ડિપ્રેશનમાં રહેતો હતો. તેના કારણે પગલુ ભર્યાનું બહાર આવ્યું છે. કરૂણતા એ છે કે ચાર બહેનના એકના એક ભાઇએ ભાઇબીજ જેવા મોટા તહેવારને દિવસે જ જિંદગી તરછોડી દીધી હતી.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ શેઠનગરમાં રહેતાં રોનક વજશીભાઇ ગોરીયાને ભાઇબીજની સાંજે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ તબિબે તેને મૃત જાહેર કરતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. રોનકે ગળાફાંસો ખાઇ લીધાનું તેના પરિવારજનોએ જણાવતાં તબિબે હોસ્પિટલ ચોકીમાં જાણ કરતાં હેડકોન્સ. રણછોડભાઇએ યુનિવર્સિટી પોલીસમાં એન્ટ્રી નોંધાવતાં હેડકોન્સ. અજયસિંહ ચુડાસમાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની તપાસમાં ખુલ્યું હતું કે રોનક કેકેવી ચોકની શકિત સ્કૂલમાં ધો-૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. લોકડાઉન પહેલા લેવાયેલી પરિક્ષામાં તેને ટકાવારી ઓછી આવતાં તે મેડિકલમાં જઇ શકયો નહોતો. તેને ડોકટર બનવાની ઇચ્છા હતી. નબળા પરિણામને કારણે તે સતત ડિપ્રેશનમાં રહેતો હતો અને ભાઇબીજની સાંજે તેણે પોતાના રૂમમાં પંખામાં પાતળો રૂમાલ બાંધી દેહ લટકાવી દીધો હતો. માતા-બહેનો સાંજે તેને ચા પીવા માટે જગાડવા જતાં દરવાજો નહિ ખોલતાં પડોશીઓને પડોશીઓને બોલાવી દરવાજો તોડીને જોતાં તે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળતાં તાકીદે નીચે ઉતારી હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત જાહેર કરાયો હતો. 

પોલીસ સુત્રોના કહેવા મુજબ રોનક ચાર બહેનનો એકનો એક નાનો ભાઇ અને માતા-પિતાનો એક જ લાડકવાયો હતો. આ પરિવાર મુળ જામખંભાળીયાનો છે. પિતા વજશીભાઇને ખંભાળીયામાં ઇલેકટ્રીક ચીજવસ્તુની દૂકાન છે. રોનકના એક બહેન રાજકોટ ખાનગી હોસ્પિટલમાં તબિબ છે. બનાવને પગલે સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(3:09 pm IST)