Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

'હું આશાપુરા મંદિર પાસે છું, તું આવ મારે તને જોવો છે'

સ્ત્રીમિત્રના ફોનમાંથી મેસેજ આવતાં મળવા પહોંચેલા ભાવીન પટેલનું અપહરણ, બાંધીને બેફામ ધોલાઇઃ પોલીસે છોડાવ્યો

લોકડાઉન વખતે કુટુંબી ફઇની પરીણિત દિકરી સાથે થયેલી મિત્રતા અને ફોન પર વાતચીત-મેસેજનો સિલસિલો અપહરણ સુધી પહોંચ્યોઃ યુવતિનો પતિ જીજ્ઞેશ લીંબાસીયા, ભાઇ જયદિપ ઉંધાડ અને કલ્પેશ આસોદરીયા પેલેસ રોડથી કારમાં બેસાડી કુવાડવા રોડ ચોકડીએ ગોડાઉનમાં લઇ ગયાઃ ધોલધપાટ થતી હતી ત્યાં જ પોલીસ પહોંચી ગઇઃ ત્રણેયની ધરપકડ : ત્રણ આરોપી પૈકીના કલ્પેશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ઘટના સ્થળે પોલીસની ગાડી, અપહૃત ભાવીન રામાણી (પટેલ)ની સ્વીફટ કાર તથા  ઘાયલ ભાવીન સારવાર માટે દાખલ થયો તે  અને ત્રણેય આરોપીઓને પોલીસે પુછતાછ માટે ઉઠાવ્યા ત્યારની તસ્વીર પણ જોઇ શકાય છે. જેમાં એકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ધરપકડ બાકી રાખવામાં આવી છે.

 

રાજકોટ તા. ૧૯: કુવાડવા રોડ અલ્કા પાર્કમાં રહેતાં પટેલ યુવાનને પોતાના કોૈટુંબીક ફઇની પરિણીત દિકરી સાથે લોકડાઉન વખતે પરિચય થયા બાદ તેની સાથે ફોનમાં વાતચીત કરી મેસેજ કરતો હોઇ તેણીના પતિને ખબર પડી જતાં બુધવારે સવારે તેણીના ફોનમાંથી તેના પતિએ પટેલ યુવાનને મેસેજ કરી 'આશાપુરા મંદિરે આવ, મારે તને જોવો છે' એવો મેસેજ કરતાં પટેલ યુવાન ત્યાં જતાં તેણીનો પતિ સહિતના બે જણા આવ્યા હતાં અને કારમાં અપહરણ કરી કુવાડવા રોડ પર લઇ જઇ ગોડાઉનમાં પુરી બેફામ ધોલધપાટ કરી હતી. દરમિયાન પગેરૂ દબાવતી પોલીસ પહોંચી ગઇ હતી અને તેને મુકત કરાવી યુવતિના પતિ, ભાઇ સહિત ત્રણની ધરપકડ કરી હતી. ઘાયલ યુવાન સારવાર માટે દાખલ થયો હતો.

આ બારામાં એ-ડિવીઝન પોલીસે કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ સામે અલ્કા પાર્ક મેઇન રોડ બી-૧માં રહેતાં અને સીએનસી કંપનીમાં પ્રાઇવેટ નોકરી કરતાં ભાવીન ગોવિંદભાઇ રામાણી (પટેલ) (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી જીજ્ઞેશ લીંબાસીયા, કલ્પેશ અને જયદિપ સામે આઇપીસી ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૪૨૭, ૧૧૪, ૩૭ (૧) ૧૩૫ મુજબ અપહરણ કરી ગાળો દઇ મારકુટ કરી કારમાં ધોકો મારી નુકસાન કરવા અંગે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લઇ લીધા છે.

ભાવીને એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું મારા પરિવાર સાથે રહુ છું અને પ્રાઇવેટ નોકરી કરુ છું. મારે સંતાનમાં એક દિકરી છે. પિતા ખેતી કામ અને ચાંદી કામનો ધંધો કરે છે. અમે બધા સાથે રહીએ છીએ. કોરોનાને કારણે લોકડાઉનમાં મારા કુટુંબી ફઇ જશીબેનની દિકરી જાગૃતિ કે જેના લગ્ન જીજ્ઞેશભાઇ લીંબાસીયા સાથે થયા છે તે જાગૃતિબેન સાથે મારે પરિચય થયો હતો. આથી અમે બંને ફોનમાં વાતચીત કરતાં હતાં. એક બીજાને મેસેજ પણ કરતાં હતાં. આ અંગેની જાણ જાગૃતિબેનના ઘરે થઇ ગઇ હતી. આથી તેણે મને કહેલ કે આપણા સંબંધની ખબર પડી ગઇ છે, જેથી તું મને મેસેજ કે ફોન કરતો નહિ. આ વાત થયા પછી મેં ફોન અને મેસેજ કરવાનું બંધ કરી દીધું હતું.

દરમિયાન બુધવારે ૧૮મીએ હું મારા ઘરે હતો ત્યારે સવારે અગિયારેક વાગ્યે જાગૃતિબેને મને મારા ફોનમાં મેસેજ કર્યો હતો અને મેસેજમાં લખેલુ હતું કે-'હું આશાપુરા મંદિર પાસે છું, મારે ગુંદાવાડીમાં જાવું છે. તું આશાપુરા મંદિર પાસે આવ. મારે તને જોવો છે'...આ મેસેજ વાંચી હું મારી સ્વીફટ કાર જીજે૦૩ઇએલ-૭૯૨૧ લઇને સવા અગિયારેક વાગ્યે આશાપુરા મંદિર પાસે પહોંચ્યો હતો.

હું મારી કાર પાસે ઉભો હતો ત્યારે ફરીથી મેસેજ આવ્યો હતો કે 'તું અંદર આવ'...પણ હું અંદર ગયો નહોતો. ત્યાં મારી કાર પાસે જાગૃતિબેનનો પતિ જીજ્ઞેશ લીંબાસીયા આવી ગયો હતો. તેની સાથે તેના સંબંધી કલ્પેશભાઇ પણ હતાં. કલ્પેશે મારી ગાડીના કાચમાં ધોકો મારી દીધો હતો અને જીજ્ઞેશે ગાડીનો દરવાજો ખોલી મને નીચે ઉતાર્યો હતો. એ પછી બંને મને મારવા માંડ્યા હતાં.

ત્યારબાદ આ બંને કાળા રંગની હોન્ડા સીટી કાર જીજે૦૩એફડી-૬૪૯૨ લઇને આવ્યા હોઇ તેમાં મને બેસાડ્યો હતો. જીજ્ઞેશ ગાડી ચલાવતો હતો અને કલ્પેશ મારી બાજુમાં બેઠો હતો. તે ચાલુ કારે મને માર મારવા માંડ્યો હતો. એ પછી મને ભાવનગર રોડ પર લઇ જવાયો હતો. ત્યાં ભવાન ચાની દૂકાન પાસે જાગૃતિબેનનો ભાઇ જયદિપ ઉભેલો હતો તે પણ ગાડીમાં બેસી ગયો હતો. ત્યારપછી માર મારતાં મારતાં મને નવાગામ કલ્પેશના ગોડાઉને લઇ ગયા હતાં. ત્યાં ત્રણેયએ મને ધોકાથી  માર મારી ગાળો દીધી હતી. તેમજ મને કહ્યું હતું કે-હવે પછી જાગૃતિને ફોન કે મેસેજ કરીશ તો તને જાનથી મારી નાંખશું તેવી ધમકી આપી હતી. તેમજ ધોકાથી અને ઢીકાપાટુનો વધુ માર માર્યો હતો.

એ દરમિયાન પોલીસ આવી જતાં મને છોડાવ્યો હતો. જીજ્ઞેશની પત્નિ સાથે મારે મિત્રતા હોઇ અમે ફોનમાં વાતચીત કરતાં હોઇ અને મેસેજ કરતાં હોઇ જેથી ખાર રાખી જાગૃતિના ફોનમાંથી મને તેણીના નામે મેસેજ કરી મળવા બોલાવી અપહરણ કરી મારકુટ કરી હતી.

પોલીસે આરોપીઓ જીજ્ઞેશ બાબુભાઇ લીંબાસીયા (ઉ.વ.૨૮-રહે. રણછોડનગર-૮), કલ્પેશ પરષોત્તમભાઇ આસોદરીયા (ઉ.વ.૩૨-રહે. સેટેલાઇટ રોડ શ્રી રેસિડેન્સી) તથા જયદિપ નાનજીભાઇ ઉંધાડ (ઉ.વ.૨૪-રહે. કુવાડવા રોડ રણછોડવાડી ગેઇટ નં. ૧)ની ધરપકડ કરી છે. જીજ્ઞેશ જોબવર્ક કરે છે, કલ્પેશ છુટક કામ કરે છે અને જયદિપ ઇમિટેશનનું કામ કરે છે.

અપહરણના બનાવની જાણ થતાં પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા અને ઇન્ચાર્જ એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં આ પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર.વાય. રાવલ પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, પીએસઆઇ પી.એમ. ધાખડા, પીએસઆઇ એચ. બી. ધાંધલીયા, પીએસઆઇ યુ. બી. જોગરાણા, એસ.વી. સાખરા, એએસઆઇ ડી. બી. ખેર, બી. વી. ગોહિલ, હારૂનભાઇ ચાનીયા, વિરેન્દ્રસિંહ ડી. ઝલા, મેરૂભા ઝાલા,  જગદીશભાઇ વાંક સહિતની ટીમોએ અપહૃતને અને અપહરણકારોને શોધવા દોડધામ કરી હતી.

લોકેશનને આધારે પોલીસ કુવાડવા રોડ મેંગો માર્કેટ પાસે કલ્પેશના ગોડાઉનમાં પહોંચી હતી અને અપહૃતની મારકુટ ચાલુ હતી ત્યાંથી તેને મુકત કરાવ્યો હતો. ભાવિન ફરિયાદ નોંધાવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો.

પીઆઇ સી. જી. જોષીના જણાવ્યા મુજબ જે ત્રણ આરોપીને પકડવામાં આવ્યા છે તેમાં કલ્પેશ આસોદરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેની ધરપકડ બાકી રાખવામાં આવી છે.

(3:05 pm IST)