Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

પાંચ લાખના વ્યાજના બદલામાં ફલેટ પડાવી લઇ તેમાં કૂટણખાનુ ચાલુ કરાવ્યું: બે ગુના

વણિક વેપારીએ સાડા ત્રણ વર્ષ પહેલા માતા-પિતાની સારવાર માટે વ્યાજે નાણા લીધા'તાઃ તેની ફરિયાદ પરથી ફલેટ પડાવી લીધાનો ડીસીબીમાં અને દેહવ્યાપાર કરાવવાનો એ-ડિવીઝનમાં ગુનોઃ મયુરસિંહ ઉપરાંત બે શખ્સ તિર્થરાજસિંહ ઉર્ફ સિધ્ધરાજ અને અક્ષયના પણ આરોપીમાં નામ

રાજકોટ તા. ૧૯: શહેરમાં બળજબરીથી મિલ્કતો પડાવી લેનારા, વ્યાજખોરો, ભુમાફીયાઓ વિરૂધ્ધ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શરૂ કરેલી કડક ઝુંબેશ અંતર્ગત કોઠારીય ા રોડ પર રહેતાં મયુરસિંહ સતુભા જાડેજાને મનીલેન્ડ એકટ, વેશ્યાવૃતિ સહિતના ગુનામાં સાણસામાં લઇ ધરપકડ કરવામાં આવી છે. મયુરસિંહે વણિક વેપારી પાસેથી પાંચ લાખના વ્યાજની ઉઘરાણીના બદલામાં આ વેપારીનો ફલેટ પડાવી લઇ તેને મારી નાંખવાની ધમકી આપી તેમજ આ ફલેટમાં અન્ય શખ્સો સાથે મળી કૂટણખાનુ ચાલુ કરાવી દેતાં ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરી છે. ડીસીબી પોલીસ સ્ટેશન અને એ-ડિવીઝનમાં બે અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે.

ડીસીબી પોલીસ સ્ટેશનમાં ઢેબર રોડ પર પાણીના ટાંકા સામે વિવેક એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૧માં ચોથા માળે રહેતાં અને પાન મસાલાનો છુટક વેપાર કરી ગુજરાન ચલાવતાં જતીનભાઇ પ્રમોદભાઇ શેઠ (વણિક)ની ફરિયાદ પરથી નિલકંઠ ટોકિઝ સામે ઓફિસ ધરાવતાં અને આશાપુરાનગર-૧માં ફાયર બ્રિગેડની સામે રહેતાં મયુરસિંહ સતુભા જાડેજા (ઉ.વ.૩૮) સામે આઇપીસી ૩૮૬, ૫૦૬ (૨) તથા મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધાયો છે.

જતીનભાઇ શેઠે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. હું બે ભાઇ અને એક બહેનમાં મોટો છું. મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. મારા માતા-પિતા હયાત નથી. પિતા પાંચ ભાઇઓ હતાં. જેમાં સોૈથી મોટા ત્રિભોવનદાસ જામનગર રહેતાં હતાં. એમનાથી નાના ચંદ્રકાંતભાઇ, શશીકાંતભાઇ, બિહારીલાલ અને સોૈથી નાના મારા પિતા પ્રમોદચંદ્ર હતાં. આ બધા હયાત નથી. અમારું વડિલોપાર્જીત મકાન તથા દૂકાન ૩૬૮ વારમાં છે. જે પંચનાથ પ્લોટમાં છે. આ મિલ્કતમાં હાલમાં નીચે બે દૂકાનો છે અને ઉપર ત્રણ ફલેટ છે.

મિલ્કતોની વહેંચણી થતાં ૨૦૦૬માં મારા પિતા ઉપર કરજો હોવાથી મોટા બાપુ ચંદ્રકાંતભાઇએ એ તમામ કરજો ચુકવી દીધો હતો. જેથી મારા પિતાએ તેમનો ભાગ ચંદ્રકાંતભાઇને સોંપ્યો હતો. મકાન-દૂકાનના ભાગ પડતાં ચંદ્રકાંતભાઇને બે ફલટે, શશીકાંતભાઇને એક ફલેટ અને એક દૂકાન આવ્યા હતાં. શશીકાંતભાઇના ફલેટમાં તેમનો દિકરો પરેશભાઇ રહે છે. દૂકાન ભાડે આપી છે. બિહારીલાલના ભાગે એક દૂકાન આવી હતી. જે ભાડે છે. ત્રણ ભાગ પડ્યા હતાં. જેમાં ચંદ્રકાંતભાઇના ભાગમાં આવેલ ફલેટમાં તેઓ રહેતા હતાં. હાલ આ ફલેટબંધ છે. તેમણે એક ફલેટ મારા પિતાજીને રહેવા આપ્યો હતો. જેમાં માતા-પિતા રહેતાં હતાં. તેઓ બિમાર હોઇ હું તેમની સાથે રહેવા ગયો હતો.

માતા-પિતાની બિમારીની સારવાર માટે મારે પૈસાની જરૂર હોઇ આશરે સાડા ત્રણ વર્ષ પહેલા મેં મયુરસિંહ સતુભા જાડેજા પાસેથી રૂ. પાંચ લાખ કટકે કટકે ૫ ટકાના વ્યાજે લીધા હતાં. બે મહિના સુધી મેં ૨૫-૨૫ હજાર વ્યાજ મયુરસિંહને આપ્યું હતું. પણ એ પછી હાલત ખરાબ હોઇ વ્યાજ આપી શકયો નહોતો. ત્રણેક વર્ષ પહેલા મારા પિતાજીનું અવસાન થયું હતું. એ પછી જાન્યુઆરીમાં મારા માતાનું પણ અવસાન થયું હતું.

ત્યારબાદ હું મારા પરિવાર સાથે વિવેક એપાર્ટમેન્ટમાં ભાડે રહેવા જતો રહ્યો હતો. પંચનાથ પ્લોટનું મકાન બંધ હોઇ તેની ચાવી મારી પાસે હતી. કારણ કે મકાન મોટા બાપુ ચંદ્રકાંતભાઇએ વેંચવા કાઢ્યું હતું. જેથી કોઇને બતાવવું હોઇ તો હું ચાવી લઇને જતો હતો.

મયુરસિંહ જ્યારે મળતાં ત્યારે વ્યાજથી ઉઘરાણી કરતાં હતાં. ૮/૧૧/૨૦ના રોજ મને તેણે મળીને કહેલ કે પાંચ લાખ અને વ્યાજ સાથેના પૈસા અત્યારે જ આપવા પડશે નહિતર તને પતાવી દેવો પડશે. તેની આવી ધમકીથી હું ગભરાઇ ગયો હતો અને હાલ પૈસા નથી તેમ તેને કહેતાં તેણે તારી પાસે પંચનાથ વાળા ફલેટની ચાવી છે એ આપી દે, રૂપિયા અને વ્યાજ પુરૂપુરા નહિ આપ ત્યાં સુધી ફલેટનો કબ્જો મારી પાસે રહેશે તેમ કહી બળજબરીથી ચાવી પડાવી લીધી હતી.

એ પછી ૧૩/૧૧ના હું મારા મોટા બાપુ ચંદ્રકાંતભાઇના મકાને આટો મારવા ગયો ત્યારે તાળુ નહોતું. દરવાજો ખખડાવતાં અંદરથી એક બહેને દરવાજો ખોલ્યો હતો જે હિન્દીમાં વાત કરતાં હતાં અને મયુરસિંહે ભાડેથી મકાન આપ્યાનું તેણીએ કહ્યું હતું. એ પછી મેં ફલેટમાં જોતાં અંદર બીજી ત્રણ બહેનો પણ હતી. ત્યારબાદ હું ત્યાંથી જતો રહ્યો હતો. મયુરસિંહને મેં પુછતાં તેણે કહેલુ કે પાંચ લાખ અને વ્યાજ નહિ આપ ત્યાં સુધી કબ્જો મારો રહેશે, ચાવી પણ નહિ મળે. અંતે મેં ડીસીબી પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ કરી હતી.

ક્રાઇમ બ્રાંચે તાકીદે ગુનો નોંધી તપાસ કરતાં મયુરસિંહે પડાવી લીધેલા ફલેટમાં હિન્દીભાષી યુવતિઓને રાખી કૂટણખાનુ ચાલુ કરી દેવામાં આવ્યાનું અને આ કૂટણખાનામાં અન્ય બે શખ્સો તિર્થરાજસિંહ ઉર્ફ સિધ્ધરાજ મહાવીરસિંહ ગોહિલ (ઉ.૩૨-રહે. કોઠારીયા સોલવન્ટ શેરી નં. ૧) તથા અક્ષય પ્રફુલચંદ્ર પણ સામેલ હોઇ ત્રણેય સામે એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ધી ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટની કલમો હેઠળ બહારથી ગ્રાહકો બોલાવી હિન્દીભાષી યુવતિઓ પાસે વેશ્યાવૃતિ કરાવી કૂટણખાનુ ચલાવવાનો ગુનો નોંધી મયુરસિંહ જાડેજા તથા તિર્થરાજસિંહ ઉર્ફ સિધ્ધરાજની ધરપકડ કરી હતી. સિધ્ધરાજનો કોરોના ટેસ્ટ બાકી હોઇ તેની બાદમાં ધરપકડ થશે. મયુરસિંહનો પણ કોરોના ટેસ્ટ કરાવાયા બાદ આગળ કાર્યવાહી થશે.

જેના વિરૂધ્ધ હાલમાં બબ્બે ગુના દાખલ થયા છે તે કોંગી આગેવાન મયુરસિંહ જાડેજા વિરૂધ્ધ અગાઉ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં મારામારી, ધમકી, ગેરકાયદેસર પ્રવેશ સહિતના ૪ ગુના, માલવીયાનગરમાં રાયોટીંગનો ગુનો, એ-ડિવીઝનમાં ૪૬૫, ૪૬૭,૪૭૪ તથા ઠગાઇ, પ્ર.નગરમાં રાયોટીંગના બે ગુના, પ્ર.નગરમાં ૩૦૯ મુજબનો ગુનો, ગાંધીગ્રામમાં ૪૧૧ મુજબનો એક તથા રાયોટીંગના ચાર ગુના મળી કુલ ૧૫ ગુના નોંધાઇ ચુકયાનું પોલીસે જણાવ્યું છે. ડીસીબી અને એ-ડિવીઝનના વધુ બે ગુના મળી કુલ ૧૭ ગુના તેના નામે ચડ્યા છે.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એસ. વી. સાખરા, ધીરેનભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(3:04 pm IST)