Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કોરોના ફરી ધુણ્યો : મ.ન.પા.નું તંત્ર સાબદુ : ૬૫૦ની ટીમ દ્વારા સર્વે શરૂ

મેયર બીનાબેન આચાર્યએ તાકિદની બેઠક યોજી કોરોનાને કાબુમાં લેવા એકશન પ્લાન ઘડયો : શિક્ષકો અને કર્મચારીઓને સર્વેલન્સમાં કામે લગાડતા ઉદીત અગ્રવાલ : ૧૮ વોર્ડમાં દર ૩ દિવસે થશે સર્વે

રાજકોટ તા. ૧૯ : દિવાળીના તહેવારોમાં બેકાબુ બનેલ ભીડને કારણે કોરોના સંક્રમણ ફરી વધવા લાગ્યું છે. શહેરમાં દરરોજ ૯૦ની આસપાસ પોઝિટિવ કેસ આવી રહ્યા છે. મોતનું પ્રમાણ પણ વધતા મેયર બીનાબેન આચાર્યએ આજે તાકીદની બેઠક યોજી અને કોરોનાને કાબુમાં લેવા એકશન પ્લાન ઘડયો હતો.

દિવાળીના તહેવારોને અનુસંધાને છેલ્લા બે દિવસમાં કોવિડ-૧૯નું સંક્રમણ વધતા જેના અનુસંધાને આજ રોજ મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને અધિકારીઓ સાથે મીટીંગ યોજાયેલ. આ મીટીંગમાં ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણી, બી.જી. પ્રજાપતિ, એ.આર. સિંહ, નાયબ આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડ વિગેરે ઉપસ્થિત રહેલ.

નોંધનિય છે કે, દિવાળી તહેવારોના અનુસંધાને બજારોમાં ભીડ તેમજ બહારગામથી લોકોની અવરજવર, હરવા-ફરવાના સ્થળોએ ભીડ વિગેરને કારણે કોવીડ-૧૯ના સંક્રમણમાં વધારો જોવા મળેલ છે. ગઈકાલ તા.૧૮-૧૧-૨૦૨૦ના રોજ શહેર તથા જિલ્લાના મળી ૧૨૪ કેઈસ આવેલ. કુલ ૯૮૫૧ કેઈસો થયેલ છે જેમાં ૬૩૨ કેસ એકટીવેટ છે અને ૯૦૪૬ ડીસ્ચાર્જ થયેલ છે. ગઈકાલે ૭ વ્યકિતના મૃત્યુ થયેલ. સંક્રમણને રોકવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરીને ૩૮૯ ટીમો બનાવી ડોર ટુ ડોર સર્વેલન્સ કામગીરી શરૂ કરેલ છે. ખાસ કરીને સેન્ટ્રલઝોન હેઠળ આવતા વોર્ડમાં કોરોનાના સંક્રમણ કેઈસો વધવાની શકયતા વધારે જણાય છે. શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ૫૦ ધન્વંતરી રથ તેમજ ૧૦૪ રથ કાર્યરત છે.ઙ્ગ

શહેરમાં ટેસ્ટીંગ માટેના બુથ ફરીથી શરૂ કરવા ઉપરાંત શાક માર્કેટો, ચા-પાનના ગલ્લાઓ વિગેરે જગ્યાએ ટોળાઓ એકત્રિત ન થાય તે માટે ચેકિંગ કરવા મેયરશ્રીએ અધિકારીઓને સુચના આપેલ. લોકો હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શહેરના નગરજનો ખુબજ સાવચેતી રાખે, માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, ભીડવાડી જગ્યાઓ પર જાવવાનું ટાળવા મેયરશ્રીએ ખાસ અપીલ કરેલ છે.

દરમિયાન મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે આજથી જ એકશન પ્લાનનો અમલ શરૂ કરી દીધો છે અને શિક્ષણ સમિતિના ૪૦૦ શિક્ષકો તથા ૨૫૦ કર્મચારીઓને શહેરમાં કોરોના સર્વેની કામગીરી સુપ્રત કરતા હુકમો કર્યા છે.

આ કર્મચારીઓની ફોજ ૧૮ વોર્ડમાં દર ત્રણ દિવસે તમામ ઘરોમાં ફરી સર્વે કરશે તેમ મ્યુ. કમિશનરે જણાવ્યું હતું.

(2:49 pm IST)