Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

સંદિપભા અને કરણે પોલીસ કામગીરીનો વિડીયો ઉતારી બધાને જોઇ લેવાની ગર્ભિત ધમકી દીધી

નંબર વગરની કાર મોટા અવાજે મ્યુઝિક વગાડી નીકળતાં પોલીસે ડિટેઇન કરતાં ન ગમ્યું : સાધુ વાસવાણી રોડ પર બનાવઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી

રાજકોટ તા. ૧૯: સાધુ વાસવાણી રોડ પર નંબર વગરની કારમાં ફુલ અવાજે મ્યુઝિક વગાડી નીકળેલા શખ્સને પોલીસે અટકાવી નંબર પ્લેટ અને આરસી બૂક બાબતે પુછતાં યોગ્ય જવાબ ન આપતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી કાર ડિટેઇન કરતાં એ શખ્સે થોડીવાર બાદ બીજા શખ્સને સાથે લાવી પોલીસ કામગીરીનું મોબાઇલથી શુટીંગ ચાલુ કરી બધાને જોઇ લઇશું...તેવી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના કોન્સ. પ્રકાશભાઇ હીરાભાઇ કોડીયાતરની ફરિયાદ પરથી સંદિપભા ભૂપતભા ગઢવી (ઉ.વ.૨૬-રહે. બ્લોક નં. ૭૪, સોનલ સોસાયટી, રફાળેશ્વર ગામ જી. મોરબી) તથા કરણ ભરતભાઇ ગઢવી (ઉ.વ.૨૦-રહે. મઢાદ ગામ તા. વઢવાણ) સામે આઇપીસી ૪૬૯, ૧૮૬, ૧૮૯, ૫૦૪, ૧૧૪ મુજબ પોલીસની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે તેની કામગીરીનું મોબાઇલ ફોનમાં વિડીયો શુટીંગ કરી બીજા સ્ટાફને ગાળો દઇ જોઇ લેવાની ગર્ભિત ધમકી આપી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

કોન્સ. પ્રકાશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૧૮મીએ સાંજે પાંચથી આઠ સુધી હું, હેડકોન્સ. બોઘાભાઇ ભરવાડ, કોન્સ. નિલેષભાઇ મિંયાત્રા, કોન્સ. સલમાનભાઇ લધાણી સહિતના વાહન ચેકીંગ અને માસ્ક ચેકીંગમાં નીકળ્યા હતાં.  આ વખતે સાધુ વાસવાણી રોડ પર સિધ્ધનાથ મહાદેવ મંદિર પાસે સાંજે સાતેક વાગ્યે એક નંબર વગરની કાર ફુલ મ્યુઝિક ચાલુ રાખીને નીકળતાં તેને અટકાવી હતી.

આ ફોરવ્હીલરના ચાલકની આરસી બૂક, નંબર પ્લેટ બાબતે પુછતાછ કરતાં યોગ્ય જવાબ આપ્યો નહોતો. વધુ પુછતાછ થતાં ચાલકે પોતાનું નામ સંદિપભા ગઢવી કહ્યું હતું. જેથી તેની આઇ-૨૦ કારને એમવીએકટ ૨૭૦ મુજબ ડિટેઇન કરી હતી અને આરટીઓનો મેમો આપ્યો હતો.  એ જતો રહ્યા બાદ થોડીવાર પછી તે બીજા શખ્સને લઇને સાથે આવ્યો હતો અને અમારી વાહનચેકીંગની કામગીરીનું વિડીયો શુટીંગ ચાલુ કર્યુ હતું. તેને આવુ કરવાની ના પાડતાં જેમફાવે તેમ બોલી સ્ટાફને ગાળો દઇ બધાને જોઇ લઇશું...તેવી ગર્ભિત ધમકી બંનેએ આપતાં અંતે બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. બીજા શખ્સે પોતાનું નામ કરણ ગઢવી જણાવ્યું હતું. પોલીસે કરણનો મોબાઇલ ફોન સેમસંગ નોટ-૨૦ રૂ. ૫૦ હજારનો પણ કબ્જે કર્યો હતો.

પીઆઇ એ.એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ વી. એમ. ડોડીયા વધુ તપાસ કરે છે.

(2:32 pm IST)