Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

સદ્દગુરૂ આશ્રમે પંચદિનાત્મક પર્વની ઉજવણી : અન્નકુટ દર્શન સાથે આજે સમાપન

આરતી- દર્શન-ચોપડા પૂજન- અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમોઃ ગુરૂદેવની જન્મજયંતિની ભાવસભર ઉજવણી : તમામ કાર્યક્રમોનું ડેન નેટવર્ક અને ફેસબુક ઉપર લાઈવ પ્રસારણ

રાજકોટ તા. ૧૯ : શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ (પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) શ્રી સદ્દગુરૂ આશ્રમ રોડ, રાજકોટ દ્વારા શુભ દિપાવલીથી લાભ પાંચમ સુધી પંચદિનાત્મક પર્વનું આયોજન થયુ હતુ. જેનું આજે સમાપન થશે.

દિપાવલીના દિવસે પ્રાતઃ મંગળા આરતી સાથે આ મહોત્સવનો આરંભ થયો હતો. શ્રી ગુરૂના હોરામા, લાભ ચોઘડીયામાં સૌ વેપારી ભાઈ- બહેનોએ ઘરે કરેલ ચોપડા પુજનનાં ચોપડાઓ પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીને ધરાવવાનો લ્હાવો લીધેલ.

નુતનવર્ષના દિવસે પ્રાતઃ મંગળા આરતી, સાયંકાલીન આરતીમાં ધર્મપ્રેમીજનો ઉમટયા હતા.

અહીંના પોપટપરા ખાતે આવેલ શ્રી રામજી મંદિરે પણ નવા વર્ષે અન્નકુટ દર્શન રાખવામાં આવ્યા હતા. શ્રી અન્નકુટ તથા સાયંકાલીન આરતી બાદ અન્નકુટની ભેળરૂપી પ્રસાદીના વિતરણ કરાયુ હતુ.

ગઇકાલે કારતક સુદ ચોથના પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી જન્મજયંતિની ઉજવણી કરાઇ હતી. પૂ. શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીના ષોડષોપચાર- પુજનની સાથે શ્રી રામરક્ષા સ્ત્રોત, અભિષેક, પ્રાર્થના, સ્વાધ્યાય અંતર્ગત શ્રી રામસ્વતરાજ પાઠ- શ્લોકો, સમુહ પાઠ એક- એક શ્લોક પુષ્પાંજલી સાથે પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીને અપર્ણ કરવામાં આવેલ.  સદ્દગુરૂદેવ ભગવાનશ્રી પાટોત્સવ નિમિતે શ્રી લઘુરામ યજ્ઞ શ્રી સાધુ સંતભગવાનનો મહાભંડારો, તેમજ ચરણ પાદુકાજીના દર્શન ખુલ્લા મુકાયા હતા.

શ્રી રામચરિતમાનસ અખંડ પાઠ, શ્રી ગુરૂમઢીમાં થયેલ.

કોરોના સંક્રમણ ધ્યાને લઇ આ વર્ષે મહાપ્રસાદનો કાર્યક્રમ બંધ રાખી દરેક ધર્મપ્રેમી ભાઈ- બહેનોને, શ્રી સદ્દગુરૂ મહાપ્રસાદ પેકેટ સ્વરૂપે દરેક દર્શનાર્થીઓને મંદિરમાં જ દર્શન કરીને નિકળતા સમયે આપવામાં આવેલ.

પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીની શ્રી સદ્દગુરૂ રક્ષાદોરી કે જે વર્ષમાં એક જ વખત આપવામાં આવે છે. તેનું પણ ભાવથી વિતરણ કરાયુ હતુ.

આજે કારતક સુદ- ૫ લાભ પાંચમના પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રીને અન્નકુટ ધરાવવામાં આવેલ.  શ્રી અન્નકુટની આરતી તથા સાયંકાલીન આરતી રાત્રિના ૮ કલાકે થશે.  શ્રી અન્નકુટની ભેળરૂપી પ્રસાદીના વિતરણો સમય રાત્રિનાં ૮:૩૦ થી ૧૦ સુધી રહેશે.

ઉપરોકત ધાર્મિક કાર્યક્રમ તથા પ.પૂ.શ્રી સદ્દગુરૂદેવ ભગવાન શ્રી રણછોડદાસજી બાપુશ્રી ઝાંખી (દર્શન) કરવા આવતા સર્વે ધર્મપ્રેમીભાઈ- બહેનોએ વર્તમાન પરિસ્થિતિ અનુલક્ષીને કોરોના મહામારીને કારણે સાવચેતી રહે તે હેતુથી ફરજીયાત  માસ્ક પહેરીને આવવા, હાથોને સેનેટાઈઝર કરવા તથા દર્શનમાં ફરજીયાત સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન  કરવા અનુરોધ કરાયો છે.

શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી જન્મજયંતિ મહોત્સવ તથા અન્નકુટનું લાઈવ પ્રસારણ ડેન નેટવર્કની ભકિતરસ ચેનલ નં.૮૮૭ ઉપર તથા ફેસબુક પેઈઝ ઉપર કરાયુ હતુ.

(2:28 pm IST)