Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

દિવાળીમાં ફાયર બ્રિગેડ દોડતુ રહયું: રાજકોટમાં આગના પ૦ બનાવો

પેડક રોડ, યુનિ. રોડ, ઢેબર રોડ, કોઠારીયા રોડ, જંકશન પ્લોટ સહીતના વિસ્તારોમાં આગના બનાવો બન્યા હતાઃ કોઇ ઇજા-જાનહાની નથી

રાજકોટ, તા.,૧૯ : શહેરમાં દિવાળી અને નૂતન વર્ષ પર્વની ઉમંગ ઉલ્લાસથી ઉજવણી થઇ હતી. તા.૧૨ થી ૧૫ સુધી ફટાકડાના કારણે આગ લાગવાના ૫૦ જેટલા બનાવો બનતા ફાયર બ્રિગેડ તંત્ર આગ બુજાવવા સતત દોડતું રહ્યું હતુ. કચરાના ઢગલા, ભંગારના ડેલા, મકાનો, દુકાનો, વરંડા સહિતના સ્થળોએ આગ લાગવાના કોલ મળતા ફાયર બ્રિગેડની ટીમ સતત દોડધામ કરતી રહી હતી.

આ અંગે ચીફ ફાયર ઓફીસરના જણાવ્યા પ્રમાણે તા.૧૨ થી ૧૫ સુધી સવારે ૮ વાગ્યા સુધીમાં શહેરમાં આગ લાગવાના ૫૦  બનાવો બન્યા હતા. ઔદ્યોગીક એકમોમાં ૩, ઓફીસ, ધંધાકીયમાં-૭, તથા રહેણાંકમાં ૩ સહિત ૧૩ આગના બનાવો તેમજ વંડામાં તથા કચરા પેટી સહિત ૩૬ બનાવો બન્યા હતા. જયાં આગના નાના મોટા બનાવો નોંધાયા હતા. તેમાં પેડક રોડ, ઉદયનગર કારખાનામાં, લાતી પ્લોટમાં કચરાના ઢગલામાં, કોઠારીયા ચોકડી લીજ્જત પાપડ ફેકટરીમાં, યુનિવર્સિટી રોડ પર મંડપ સર્વિસ ગોડાઉનમાં, હસનવાડીમાં ખુલ્લા વંડામાં, જંકશન પ્લોટ, પરસાણાનગર મકાનમાં, ઢેબર રોડ પર વિજ કંપનીના ગોડાઉનમાં વગેરેનો સમાવેશ થાય છે.

(12:14 pm IST)