Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

લાભપાંચમ સાથે દિપાવલી પર્વ સંપન્નઃ ધંધા-રોજગાર ધમધમ્યા

કોરોના મહામારી વચ્ચે પણ દિવાળી તહેવારોની ભવ્યતાથી ઉજવણીઃ ધાર્મિક અને ફરવા લાયક સ્થળોએ લોકોની ભીડ જામી

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં દિપાવલી પર્વની ધામધુમ પૂર્વક ઉજવણી  કરવામાં આવી હતી. કોરોના મહામારી છતાં પણ લોકો ધાર્મિક અને ફરવા લાયક સ્થળોએ ઉમટયા હતાં.

આજે લાભપાંચમ સાથે દિપાવલી પર્વ સંપન્ન થયો છે. આજે દિવાળી પછી રજાના માહોલ બાદ આજથી બજારો ખુલ્લી ગઇ છે અને ધંધા-રોજગાર પુનઃ ધમધમવા લાગ્યા છે.આજે લાભપાંચમ નિમિતે આવનારૂ વર્ષ લાભદાયી નીવડે તેવી શુભકામનાઓ એકબીજાને પાઠવવામાં આવી રહી છે.લાભપાંચમને સૌભાગ્ય, ઉન્નતિ, વેપાર અને વિદ્યાનો મહિમાનો સંગમ માનવામાં આવે છે. અને તેથી જ આજે અનેક શુભકાર્યો પણ કરવામાં આવે છે.

દિપાવલી પર્વમાં નૂતન વર્ષના દિવસે લોકોએ એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. અને ભાઇબીજના દિવસે ભાઇઓ બહેનોના ઘરે જમવા ગયા હતા અને ભાઇબીજ પર્વની ઉજવણી કરી હતી.

(11:01 am IST)