Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

તેરી ગલિયો મેં ભી પહોચેંગે હમ...હવે ગલીઓમાં પણ હેલ્મેટનો દંડ!

ઘર નજીક શાળાએ સંતાનોને મુકવા જતી માતાઓ કે ઘરવખરી લેવા નીકળતી ગૃહિણીઓને પણ ૫૦૦-૫૦૦ના ચાંદલાઃ ભારે આક્રોશ : શેરીઓ ગલીઓમાંથી છટકબારી શોધનારાઓને પણ દંડનો ડામઃ ગઇકાલે ૩૧.૫૭ લાખના ૪૯૮૮ ઇ-ચલણ ફટકરાયાઃ ૧૯૧ એનસી કેસ કરી ૯૧૬૦૦નો રોકડ દંડ વસુલાયોઃ વાહન ચાલકોનો એક જ સૂર, બીજા કાયદાનું પાલન કરીશું પણ હેલ્મેટને શહેરી વિસ્તારમાંથી હટાવો : ટારગેટ પુરો કરવાના લક્ષ્યથી આડેધડ કરાતા દંડથી રોષ

૧૫૦ ફુટ રીંગ રોડ પર બિગ બાઝાર પાછળની શેરીઓ-ગલીઓમાં દંડની વસુલાત થઇ રહી હતી તેના દ્રશ્યો (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯: વાહન ચાલકો માટેના નવા કાયદાનો અમલ અને નિયમોના ભંગ બદલ કમ્મરતોડ દંડ વસુલવાની શરૂઆત થઇ ત્યારથી શહેરના વાહન ચાલકોમાં રોષ ફેલાઇ ગયો છે. માત્ર રાજકોટમાં જ નહિ રાજ્યભરમાં રોજબરોજ દંડના ડામને કારણે વાહન ચાલકો અને પોલીસ વચ્ચે ચડભડ થતી રહી છે. પોલીસ હજારોની સંખ્યામાં દરરોજ ઇ-ચલણથી લાખો રૂપિયાના દંડના મેમા મોકલી રહી છે, તો સાથોસાથ રોકડ દંડની વસુલાત પણ કરવામાં આવી રહી છે. શહેરના મુખ્ય માર્ગો, ચોક, અલગ-અલગ પોઇન્ટ પર દંડ ઉઘરાવવાની કાર્યવાહી થતી હતી ત્યાં સુધી તો ઠીક હતું. પરંતુ હવે તો શેરીઓ-ગલીઓમાં પણ પોલીસ પહોંચી રહી છે અને હેલ્મેટ નહિ પહેરનાર ટુવ્હીલર ચાલકો પાસેથી પ૦૦-૫૦૦ના દંડ વસુલાઇ રહ્યા છે. ઘરથી નજીકમાં જ સ્કૂલ હોઇ સંતાનોને મુકવા જતી માતાઓ કે ઘરવખરી લેવા નીકળતી ગૃહિણીઓ પાસેથી પણ દંડ વસુલવાની ફરિયાદો ઉઠી છે. સાથો સાથ શહેરી વિસ્તારમાં ફરજીયાત હેલ્મેટના કાયદા સામે રોષની લાગણી વધુ પ્રબળ બની રહી છે.

વાહન ચાલકોની સુરક્ષા માટે કાયદો લાગુ બનાવાયાનું તંત્ર કહે છે. પરંતુ ટુવ્હીલર ચાલકોનો એવો સ્પષ્ટ મત છે કે શહેરી વિસ્તારમાં આ કાયદાની જરૂર નથી જ. હાઇ વે પર હેલ્મેટ ફરજીયાત હોય તો વાંધો નથી. ફરજીયાત હેલ્મેટને કારણે અનેક સમસ્યાઓ વાહન ચાલકોને સહન કરવી પડે છે. હેલ્મેટના મસમોટા દંડથી બચવા માટે અમુક વાહન ચાલકો છટકબારી શોધી લેતાં હતાં અને મુખ્ય માર્ગને બદલે શેરીઓ-ગલીઓમાં થઇને દંડ ભર્યા વગર જ મંજીલ સુધી પહોંચી જતાં હતાં. પરંતુ હવે પોલીસ શેરીઓ-ગલીઓમાં પહોંચી રહી છે અને આવા વાહન ચાલકોને શોધી દંડ ફટકારી રહી છે. આ ઉપરાંત ઘર નજીક જ દરણુ મુકવા કે બાળકોને શાળાએ મુકવા જતી વખતે હેલ્મેટ ન પહેરે તો દંડ ભરવો પડે છે. વાલીઓ બાળકોને શાળાએ મુકવા આવે ત્યારે અને તેડવા આવે ત્યારે પણ પોલીસ પહોંચી જાય છે અને હેલ્મેટ ન હોય તો ૫૦૦-૫૦૦ના મેમો ફટકારાય છે. ગાંધીગ્રામ, હનુમાન મઢી વિસ્તારમાં આવું થતાં વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે. પોલીસનું જાણે એક જ લક્ષ્ય હોય છે અને એ હોય છે દંડનો ટારગેટ પુરો કરવાનું.

અત્રે નોંધનીય છે કે શહેર પોલીસ દ્વારા નવા કાયદાનો અમલ શરૂ થયો ત્યારથી રોજેરોજ લાખોનો દંડ વાહન ચાલકો પાસેથી વસુલવામાં આવી રહ્યો છે. ગઇકાલે પોલીસે ૧૯૧ એનસી કેસ કરી રૂ. ૯૧૬૦૦નો દંડ વસુલ કર્યો હતો. તો ૪૯૮૮ વાહન ચાલકોને ઇ-ચલણ મોકલ્યા હતાં. આ ઇ-ચલણોના દંડની રકમ રૂ. ૩૧,૫૭,૬૦૦ થાય છે. આ વર્ષમાં કુલ ૪,૦૩,૪૦,૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

જેને દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં માત્ર પ્રજાજનો નહિ પોલીસ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ પણ સામેલ છે. પોલીસનું કામ આદેશનું પાલન કરાવવાનું હોઇ પોલીસ પોતાની કામગીરી કરી રહી છે. પરંતુ હેલ્મેટનો મુખ્ય ઉદ્દેશ અકસ્માત વખતે માથામાં થતી ઇજાઓથી ચાલકને બચાવવાનો છે. ત્યારે શેરીઓ ગલીઓમાં એવો બધો ટ્રાફિક પણ નથી હોતો કે ગૃહિણીઓના વાહનની એવી સ્પીડ પણ હોતી નથી કે જેના કારણે અકસ્માત સર્જાય. વાહન ચાલકોની સ્પષ્ટ માંગણી છે કે અમે બીજા નિયમોનું પાલન કરીશું જ, બસ હેલ્મેટને શહેરી વિસ્તારમાંથી હટાવી દો.

(3:24 pm IST)