Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

સગીરાના બળાત્કાર કેસમાં આરોપીને ૧૦ વર્ષની સજા

મેડીકલ પુરાવાથી આરોપીએ સગીરા સાથે શરીરસબંધ બાંધેેલ હોવાનું પુરવાર થાય છેઃ સરકારી વકીલ એસ.કે.વોરાની રજુઆત સ્વીકારતી કોર્ટઃ સ્પે. જજ બાલીએ આપેલ ચુકાદો

રાજકોટ, તા., ૧૯: રાજકોટના એડીશ્નલ જજશ્રી એમ.એમ.બાબીએ ૧૭ વર્ષની સગીર કન્યા ઉપર બળાત્કાર ગુજારી તેમજ ત્યાર બાદ તેને તરછોડી દેનાર આરોપી દિનેશ ઉર્ફે મિથુન પરમાર (ઉ.વ.૩૦) વાળાને ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૧પ૦૦૦નો દંડ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે ૧૭ વર્ષની સગીર કન્યા સાથે આરોપી દિનેશ ઉર્ફે મિથુન પરમારને પરીચય હતો અને તેથી તેણે આ નાબાલીક સગીરાને મોબાઇલ ફોન ઉપરથી તેઓ અવાર નવાર વાતચીતો કરતા હતા. બનાવના દિવસે આરોપીએ સગીરાને ચોટીલા લઇ જવા માટેે દાસી જીવણપરા વિસ્તારના ચોકમાં બોલાવેલ અને ત્યંથી પોતાના મિત્રના મોટર સાયકલમાં ભોગ બનનારને બેસાડી ચોટીલા લઇ ગયેલ ચોટીલા ખાતે માતાજીના દર્શન કર્યા બાદ અમદાવાદ જતા રહેલ અને મોડે સુધી અમદાવાદમાં ફરેલ હતા.

ત્યાર બાદ ત્યાંથી જુનાગઢ, સોમનાથ તથા પ્રાચી અને પાલીતાણા જેવા અનેક ગામોમાં ગયેલા જયાં તેઓ ગેસ્ટ હાઉસ, આશ્રમ અને બસ સ્ટેન્ડમાં સમય ગુજારતા હતા. આ દરમ્યાન આરોપીએ ભોગ બનનાર સાથે અનેક વખત શરીર સંબંધ બાંધેલ હતો અને જણાવેલ હતું કે આપણે લગ્ન કરી લેવાના છીએ. આ રીતે ભોગ બનનારની સંમતી મેળવી ભોગ બનનાર સાથે અનેક વખત દુષ્કર્મ આચરેલ હતું અને અંતમાં ગોંડલ ખાતે હાઇવે ઉપર બેસેલ હતા અને ત્યાર બાદ ગોંડલ ચોકડીથી આ ભોગ બનનારને એકલી મુકીને આરોપી દિનેશ ઉર્ફે મિથુન ચાલ્યો ગયેલ હતો. આમ થતા ભોગ બનનાર ત્યાંથી સીધી પોલીસ સ્ટેશને પહોંચી ગયેલ હતી. સગીરાએ આ સમગ્ર હકીકત પોલીસને જણાવેલ હતી. માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે ફરીયાદ સગીરાની માતાએ આપેલ હતી.

શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે ભારતીય પુરાવા અધિનિયમમાં જે સુધારો કરવામાં આવેલ છે તે સુધરાની કલમ-૧૧૪ (ક) મુજબ જયારે ભોગ બનનાર કોર્ટ સમક્ષની જુબાનીમાં જણાવે કે શરીર સંબંધ બાંધતી વખતે તેણીની સંમતી ન હતી ત્યારે ન્યાય અદાલતે સંમતી ન હોવાનું માનવુ ફરજીયાત છે. આ કારણે જયારે ભોગ બનનારે કોર્ટ સમક્ષની જુબાનીમાં જણાવેલ હોય કે તેણીની સંમતી ન હતી ત્યારે આ કેસ સ્પષ્ટપણે બળાત્કારનો જ થાય છે. આ ઉપરાંત આરોપીની ધરપકડ થયા બાદ તેની મેડીકલ તપાસણી કરાવવામાં આવેલ હતી. જેમાં આરોપીની ધરપકડ થયા બાદ તેની મેડીકલ તપાસણી કરાવવામાં આવેલ હતી. જેમાં આરોપી શારીરીક રીતે સંપુર્ણપણે સક્ષમ હોવાનું જણાયેલ હતું તેમજ ભોગ બનનારના જે કપડા કબ્જે કરવામાં આવેલા તેમાં જે અવશેષો મળી આવેલા હતા. તેનું બ્લડ ગૃપ અને આરોપીનું બ્લડ ગૃપ સમાન હતું તેથી ભોગ બનનાર સાથે આરોપીએ જ શશીર સંબંધ બાંધેલ છે તે નિઃશંકપણે સાબીત થાય છે.

શ્રી સરકાર તરફેની આ તમામ રજુઆતો ધ્યાનમાં લઇ પોકસો કોર્ટના સ્પેશ્યલ જજ શ્રી એમ.એમ.બાબીએ આરોપી દિનેશ ઉર્ફે મિર્થુન મૈસુરભાઇ પરમારને પોકસો એકટની કલમ ૬ હેઠળ તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખત કેદની સજા તેમજ રૂા. ૧પ૦૦૦ નો દંડ ફરમાવેલ છે. પોકસો કોર્ટે માનવીય અમિગમ દાખવી દંડની રકમ ભોગ બનનારના માતાને ચુકવવાનો હુકમ કરેલ છે તેમજ ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ -૩પ૭  (એ)ની ખાસ જોગવાઇ મુજબ ભોગ બનનારને યોગ્ય વળતર ચુકવવા માટે સરકારશ્રી દ્વારા નિમાયેલી કમીટીને પણ ભલામણ કરેલ છે. આ કેસમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે.વોરા રોકાયેલા હતા.

(4:25 pm IST)