Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

કુંવારી કન્યાનો પરણેલા પ્રેમી સાથે પોતાના જ ઘરમાં આપઘાત

સોનલે પોતાને પરણેલા યુવાન રાજેશ સાથે પ્રેમ હોવાની પિતાને વાત કરી હતી, પણ પિતાએ પરણેલા સાથે લગ્ન ન થઇ શકે તેમ કહી દિકરીને સમજાવી હતીઃ પરંતુ પ્રેમીપંખીડા વિયોગ સહન કરી ન શકયાઃ બંનેના આપઘાતથી કોળી પરિવારોમાં કલ્પાંત : આજીડેમ પાસે શ્રીરામ પાર્કમાં બનાવઃ ૧૮ વર્ષની કોળી યુવતિ સોનલ ચૌહાણને શિવાજીનગરના ૨૬ વર્ષના રાજેશ પરમાર સાથે પ્રેમ હતોઃ લગ્ન થઇ શકે તેમ ન હોવાથી બંનેએ સજોડે જિંદગી ટૂંકાવ્યાની શકયતાઃ સવારે સોનલ ઘરે એકલી હતી ત્યારે રાજેશ આવ્યો અને ઉપરના રૂમમાં વખડાં ઘોળ્યા

કોળી પરિવારજનોમાં કાળો કલ્પાંત  :  આજીડેમ પાસે શ્રીરામ પાર્કમાં સોનલ ચોહાણ (ઉ.૧૮)એ સવારે પોતાના જ ઘરમાં પરણેલા પ્રેમી રાજેશ પરમાર (ઉ.૨૬) સાથે આપઘાત કરી લેતાં બંનેના પરિવારજનોમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. ઉપરની તસ્વીરોમાં સોનલ અને રાજેશના ફાઇલ ફોટો તથા બંનેના નિષ્પ્રાણ દેહ તથા નીચેની તસ્વીરમાં જ્યાં ઘટના બની તે સોનલનું ઘર અને અન્ય તસ્વીરોમાં વિલાપ કરતાં સ્વજનો જોઇ શકાય છે. છેલ્લી તસ્વીરમાં રાજેશના માતા બેશુધ્ધ થઇ ગયા હતાં તે તથા એ પહેલાની તસ્વીરમાં સોનલના પિતા રવજીભાઇ વિલાપ કરતાં દેખાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૯: શહેરમાં આજીડેમ ચોકડી નજીક શ્રીરામ પાર્કમાં પરિવાર સાથે રહેતી ૧૮ વર્ષની કોળી યુવતિએ આજે સવારે ચુનારાવાડ શિવાજીનગરમાં રહેતાં પોતાના પરિણીત પ્રેમી સાથે પોતાના જ ઘરમાં સજોડે ઝેર પી લેતાં બંનેના મોત નિપજતાં પરિવારોમાં કલ્પાંત સર્જાયો છે. કુંવારી કન્યા અને પરણેલા પ્રેમીને બંને જીવતે જીવ એક થઇ શકે તેમ લાગતું ન હોઇ જેથી સજોડે મોતને વ્હાલુ કરી લીધાની શકયતા છે. પોલીસે આ ઘટનાની વિસ્તૃત તપાસ હાથ ધરી છે.

અરેરાટીભરી આ ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ આજીડેમ ચોકડી નજીક શ્રીરામ પાર્ક-૩માં ભાડાના મકાનમાં રહેતાં અને રેંકડીના ફેરા કરતાં તળપદા કોળી રવજીભાઇ બીજલભાઇ ચૌહાણ (કોળી) આજે સવારે કામ પર ગયા હતાં. તેમના પત્નિ ભાવનાબેન પણ પારકા ઘરના કામ કરવા ગયા હોઇ ઘરે તેનો પુત્ર સાગર અને તથા તેના નાના ભાઇની દિકરી શિતલ એકલા હતાં. દરમિયાન સવા અગિયારેક વાગ્યે  સાગર બહાર જતાં અને શિતલ પાણી ભરવા ગઇ ત્યારે મકાનના ઉપરના રૂમમાં સોનલ એકલી હતી.

પાણી ભરીને શિતલ ઉપરના રૂમમાં પિત્રાઇ બહેન સોનલને બોલાવવા ગઇ ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઇને હેબતાઇ ગઇ હતી. સોનલ અને તેની સાથે એક યુવાન ઝેરી દવા પીધેલી હાલતમાં જોવા મળતાં તેણીએ દેકારો મચાવતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતાં. તેણે મોટા બાપુ રવજીભાઇને ફોન કરતાં તેઓ ઘરે દોડી આવ્યા હતાં અને દિકરી સોનલ તથા સાથેના યુવાનને સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ તબિબે અહિ બંનેના નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

પાછળથી ખબર પડી હતી કે સોનલ સાથે ઝેર પી લેનાર યુવાન ચુનારાવાડ પાસે શિવાજીનગર-૭માં રહેતો રાજેશ પ્રેમજીભાઇ પરમાર (તળપદા કોળી) (ઉ.૨૬) હતો. તેના પરિવારજનોને જાણ થતાં તેઓ પણ તાબડતોબ હોસ્પિટલે પહોંચ્યા હતાં. યુવક-યુવતિના બંનેના સ્વજનોના આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડા અને દિગુભા સહિતે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી આરંભી હતી.

આપઘાત કરનાર સોનલના પિતા રવજીભાઇએ જણાવ્યું હતું કે પોતે અગાઉ ત્રણેક વર્ષ પહેલા પોતે પરિવારજનો સાથે શિવાજીનગરમાં રાજેશ પરમારના ઘર નજીક જ રહેતાં હતાં. રાજેશના ત્રણેક વર્ષ પહેલા લગ્ન થઇ ગયા હતાં. તેને સંતાનમાં એક પુત્ર છે. હાલમાં તેની પત્નિ પુનિતા રિસામણે રામનાથપરામાં તેના માવતરે રહે છે.

રવજીભાઇએ જણાવ્યું હતું કે દિકરી સોનલે વાત કરી હતી કે તેને રાજેશ સાથે પ્રેમ છે અને લગ્ન કરવા છે. પરંતુ તે પરણેલો હોઇ લગ્ન થઇ ન શકે તેમ કહી તેને સમજાવી હતી. પરંતુ તે અને રાજેશ સમજ્યા નહોતાં. આજે દિકરી સોનલ ઘરે એકલી હતી ત્યારે ફોન કરીને રાજેશને બોલાવ્યા બાદ બંનેએ સાથે ઝેર પી લીધું હતું.

આપઘાત કરનાર સોલન બે બહેન અને એક ભાઇમાં નાની હતી. તેના મોટા બેનનું નામ કાજલબેન અને ભાઇનું નામ સાગર છે. માતાનું નામ ભાવનાબેન છે.

જ્યારે સોનલ સાથે આત્મહત્યા કરનાર રાજેશ બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેના મોટા ભાઇનુેં નામ વિજયભાઇ તથા બહેનોના નામ દેવુબેન અને આશાબેન છે. પિતા હયાત નથી. માતાનું નામ મીનાબેન છે. રાજેશના પરિવારજનોના કહેવા મુજબ રાજેશ ઇમિટેશનનું કામ કરતો હતો. તેના લગ્ન અઢી-ત્રણ વર્ષ પહેલા રામનાથપરાની પુનિતા સાથે થયા હતાં. સંતાનમાં બે વર્ષનો દિકરો પૃથ્વી છે. જો કે પુનિતા દોઢ-બે વર્ષથી રિસામણે છે અને તેણે રાજેશ પર ભરણ પોષણનો કેસ પણ કર્યો હતો. રાજેશને જુના પડોશી રવજીભાઇની દિકરી સોનલ સાથે કેટલાક સમયથી પ્રેમ હતો. પણ છુટાછેડા થયા ન હોઇ સોનલ સાથે લગ્ન ન થઇ શકતાં બંનેએ સાથે આપઘાત કરવાનું નક્કી કર્યા બાદ આજે સોનલના ઘરે જઇ તેણી સાથે ઝેર પી દુનિયા છોડી દીધી હતી. ઘટનાથી બંને કોળી પરિવારોમાં શોકની કાલીમા છવાઇ ગઇ છે.

(4:06 pm IST)
  • લીંબડીના ચોરણીયા નજીક મીલાન જીંનમાં આગઃ લાખોનો માલ ખાખ.. access_time 4:24 pm IST

  • મધ્યપ્રદેશમાં ચૂંટણી પહેલા સુરક્ષાના કારણોથી અમિતભાઈ શાહનો ભોપાલમાં રોડ શો કેન્સલ કરાયો :ભોપાલ ઉત્તર વિધાનસભા ક્ષેત્રના ભાજપ ઉમેદવાર ફાતિમા રસૂલ સિદ્ધિકીના સમર્થનમાં રોડ શો કરવાના હતા: પાર્ટીની ગુપ્ત એજન્સીથી મળેલા ઇનપુટ બાદ ભાજપના અધ્યક્ષનો રોડ શો રદ્દ કરવાનો નિર્ણય લેવાયો access_time 1:14 pm IST

  • સોમનાથમાં પાંચ દિ'તા. ૧૯ થી તા. ૨૩ નો કાર્તિકી પૂર્ણિમા મેળો : લોકસાહિત્યકારોનો જમેલોઃ વિવિધ કાર્યક્રમોઃ ફોટો પ્રદર્શન સહિત અન્ય આકર્ષણોઃ સાંજે વિધિવત ઉદ્ઘાટન access_time 4:22 pm IST