Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

રાજકોટમાં પ્રદુષણ ઘટાડવા શું કરવું? તંત્ર માત્ર સર્વે માટે પોણો કરોડ ચૂકવશે!

૧પમાં નાણાપંચ હેઠળ મળેલી ૪૦ કરોડની ગ્રાન્ટમાંથી આ ખર્ચ થશેઃ કયા રોડ પર વધુ પ્રદુષણ, વૃક્ષો કેટલા ઉછેરવા, વાહનો માટે ઓડ-ઇવન પધ્ધતી, ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધારવા સહિતનાં પગલાઓ વિચારાશે

રાજકોટ તા. ૧૯ :.. શહેરમાં પ્રદુષણ ઘટાડવા માટે માત્ર સર્વે કરવા પાછળ મ.ન.પા. રૂ. ૭૭ લાખનો ખર્ચે કરનાર છે. જેની મંજૂરી માટે આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણય લેવાનાર છે.

દરખાસ્તમાં જણાવાયા મુજબ રાજકોટ શહેરને ૧પ માં નાણાપંચ હેઠળ 'એર કવોલીટી પેરામીટર મોનીટરીંગ' ની આનુસાંગીક કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. જેમાં કુલ રૂ. ૪૦ કરોડની ગ્રાન્ટ જમા કરેલ છે, આ જમાં થયેલ ગ્રાન્ટમાંથી એર કવોલીટી મેનેજમેન્ટ માટે પ્રદુષણ ઘટાડવાના વિવિધ પગલા લેવાની કામગીરી કરવાની થાય છે. જે અન્વયે ખાસ સર્વે આગામી ૧ થી ૧.પ વર્ષમાં પુર્ણ કરવાનો થાય છે. જેથી આ કામગીરી કરાવવી જરૂરી જણાય છે.

અમદાવાદ શહેર માટે સર્વે કામગીરી સરકારી સંસ્થા ગુજરાત એન્વાયર્મેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ દ્વારા પુર્ણ કરવામાં આવેલ છે. જેથી રાજકોટ શહેર માટે પણ ગુજરાત એન્વાયર્મેટ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ (જીઆઇએમઇ) નો સંપર્ક કરતાં તેઓ દ્વારા આ કામગીરી માટે રૂ. ૭૭,૦૦,૦૦૦ (૧૮% જીએસટી સહિત)નું ફાઇનાન્સીયલ પ્રપોઝલ આપવામાં આવેલ છે. જેમાં પ૦% એડવાન્સ પેમેન્ટ આપવાની શરત છે. જે ભાવ વ્યાજબી જણાતા હોય, આ કામગીરી ગુજરાત એન્વાયર્મેટ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ (જીઆઇએમઇ) ને આપવા પર્યાવરણ ઇજનેરશ્રી તથા નાયબ કમિશનરશ્રી (વેસ્ટ ઝોન)નો અભિપ્રાય છે.

ઉકત વિગતો ધ્યાને લેતા ૧પ માં નાણાપંચ અંતર્ગત રાજકોટ શહેરની હવા શુધ્ધીકરણની કામગીરી ગુજરાત એન્વાયર્મેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટને રૂ. ૭૭,૦૦,૦૦૦ (૧૮% જીએસટી સહિત)ના ભાવથી આપવાનું તેમજ સંસ્થાને પ૦ ટકા એડવાન્સ પેમેન્ટ આપવાનું મંજૂર કરવા તેમજ ગુજરાત એન્વાયર્મેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ (જીઆઇએમઇ)  સરકારી સંસ્થા હોય, આ કામે જાહેરાત પ્રસિધ્ધ કરવા, સીકયોરીટી ડીપોઝીટ તથા કરારનામું કરવા વિગેરેની નિયત પ્રક્રિયામાંથી મુકિત આપવાનું મંજૂર કરવા અંગેની આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી જરૂરી ઠરાવ કરવા અનુરોધ છે.

નોંધનીય છે કે આ સર્વે દરમિયાન રાજકોટનાં કયાં રોડ પર સૌથી વધુ પ્રદુષણ છે ? તેને ઘટાડવા વૃક્ષો કેટલા ઉછેરવા?, દિલ્હીની જેમ વાહનોનું પ્રદુષણ ઘટાડવા ઓડઇવન પધ્ધતિ અમલી બનાવવી કે કેમ ? પેટ્રોલ - ડીઝલનાં વાહનો ઘટાડી, ઇલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધારવો વગેરે બાબતનો ટેકનીકલી ઉંડાણ ભર્યો રીર્પોટ તૈયાર થશે.

(4:06 pm IST)