Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

હાશ...લીલા શાકભાજીની લોકલ આવકો શરૂ થઇઃ હવે ટૂક સમયમાં ભાવો ઘટશે...

ભારે વરસાદના કારણે લોકલ આવકો ઠપ્પ થઇ જતા બહારથી શાકભાજી આવતા ભાવો આસમાને પહોંચતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો'તો : આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી છેલ્લા બે દિ'થી કાકડી, કારેલા, ઘીસોડા, મેથી, અને કોથમીરની આવકો ચાલુ થઇ...

રાજકોટ તા. ર૧ :.. સૌરાષ્ટ્રમાં પડેલ ભારે વરસાદના કારણે નુકસાન થતા લોકલ આવકો ઠપ્પ થઇ જતા લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા બાદ છેલ્લા બે દિ'થી લીલા શાકભાજીની લોકલ આવકો શરુ થતા ટૂંક સમયમાં લીલા શાકભાજીના ભાવો ઘટે અણસાર મળી રહ્યા છે.

રાજકોટ યાર્ડમાં છેલ્લા બે દિ' થી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી કાકડી, કારેલા, ઘીસોડા, ગુવાર, મેથી તથા કોથમારીની આવકો શરુ થઇ છે. કોથમરી અને મેથી એક મણના ભાવ એક તબકકે ૩૦૦૦ થી ૩પ૦૦ રૂ. સુધી પહોંચ્યા બાદ હવે ભાવો ઘટી રહ્યા છે. આજે કોથમારી ર૦ કિલોના ભાવ ઘટીને ૧૭૦૦ થી રર૦૦ રૂ. તથા મેથીના ભાવ ઘટીને ૧૪પ૦ થી ૧૮પ૦ રૂ. થયા હતાં. અન્ય શાકભાજીના ભાવોમાં ધીમી ગતિએ ઘટાડો થયો છે.સૌરાષ્ટ્રમાં પડેલ ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થતા છેલ્લા ૧પ દિ'થી તમામ લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો. છૂટકમાં લીલા શાકભાજીના ભાવ ૭૦ થી ૧૦૦ રૂ. થઇ ગયા હતાં. અમુક લીલા શાકભાજીના ભાવો ૧૦૦ રૂ. પાર થઇ ગયા હતાં. લોકલ આવકો ઠપ્પ થઇ જતા પરપ્રાંતમાંથી આવતા શાકભાજીની પડતર ઉંચી પડતી હોય શાકભાજીના ભાવો, આ વર્ષની ટોચે પહોંચ્યા હતાં.   ગરીબ વર્ગના લોકો લીલા શાકભાજીના બદલે કઠોળ તરફ વળી ગયા હતાં.

દરમિયાન છેલ્લા બે દિ' રાજકોટ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ધીમી ગતિએ લીલા શાકભાજીની આવકો શરૂ થતા ભાવો થોડાક ઘટયા છે. લોકલ આવકો વધ્યે ટૂંક સમયમાં લીલા શાકભાજીના ભાવો તૂટવા લાગશે. દિવાળી પૂર્વે તમામ લીલા શાકભાજી ભાવો રાબેતા મુજબ થઇ જશે તેવો વેપારી સુત્રોએ નિર્દેશ આપ્યો હતો.

(4:05 pm IST)