Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

મનપાના છેલ્લા બોર્ડમાં પણ બઘડાટી !

પ્રશ્નો કોરાણે મૂકીને ભાજપ - કોંગ્રેસના સભ્યો ઝઘડતા રહ્યા અને 'મુદ્દત' પૂરી... : પ્રથમ કોંગ્રેસના જાગૃતિબેન ડાંગરે પૂછેલા રસ્તા તૂટવાના પ્રશ્નની ચર્ચા શરૂ થતાં જ બંને પક્ષોના કોર્પોરેટરોમાં હંુસા-તુંસી શરૂ થઇ : ગરમા-ગરમીના દ્રશ્યો સર્જાયા : છેલ્લા બોર્ડમાં પ્રજાના પ્રશ્નો શહેરનાં વિકાસની ચર્ચા કરવા ઉદય કાનગડ અપીલ કરતા રહ્યા પરંતુ હંમેશની જેમ તું..તું..મેં..મેં.. વચ્ચે બોર્ડ પૂર્ણ

આજે વર્તમાન ટર્મનું છેલ્લુ જનરલ બોર્ડ યોજાયું તેમાં પણ હંમેશની જેમ કોર્પોરેટરો વચ્ચે બઘડાટીના દ્રશ્યો સર્જાયા હતા તે તસ્વીરમાં દર્શાય છે. અન્ય તસ્વીરમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, કોંગ્રેસના જાગૃતિબેન ડાંગર, ઘનશ્યામસિંહ જાડેજા, વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ભાજપના કોર્પોરેટર મનીષ રાડિયા, કશ્યપભાઇ શુકલ, ડો. જૈમન ઉપાધ્યાય, ડો. દર્શિતાબેન શાહ વગેરે ચર્ચા કરી રહેલા દર્શાય છે. જ્યારે અધ્યક્ષસ્થાને બેઠેલા મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિન મોલિયા, મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯ : ૨૦૧૫થી ૨૦૨૦ની પાંચ વર્ષની મુદત માટે પ્રજાએ ચૂંટેલા ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરોએ આજે ચાલુ ટર્મની મુદતના છેલ્લા જનરલ બોર્ડમાં પણ પ્રજાના પ્રશ્નો અને વિકાસની ચર્ચા કરવાને બદલે હંમેશની જેમ બઘડાટી બોલાવીને જ પૂર્ણ કરી દીધું હતું અને વધુ એક વખત જનરલ બોર્ડની ગરીમાને કેસ પહોંચાડનારી ઘટનાઓ સાથે જનરલ બોર્ડ પૂર્ણ થયું હતું.

આજે સવારે ૧૧ વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે સોશ્યલ ડીસ્ટન્શ - માસ્ક સહિતના નિયમોના ચુસ્ત અમલ વચ્ચે મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને ચાલુ ટર્મનું છેલ્લુ બોર્ડ મળ્યું હતું. જે ઐતિહાસિક બનવાની આશા સાથે સૌ કોઇ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જનરલ બોર્ડના પ્રારંભે કોરોનાને કારણે તાજેતરમાં અવસાન પામેલા પૂર્વ રાષ્ટ્રપતિશ્રી તથા ચાલુ ટર્મના કોંગ્રેસના કોર્પોરેટર તેમજ ભાજપના ત્રણ કોર્પોરેટરોનો શોક ઠરાવો થયા હતા અને સમગ્ર બોર્ડે શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

ત્યારબાદ પ્રશ્નોત્તરી શરૂ થતાં સૌ પ્રથમ હવે કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે પૂછેલા જર્જરીત રસ્તાઓ અને તેની ગુણવત્તા, કોન્ટ્રાકટરને દંડ, ડામરના નમૂના ફેઇલ વગેરે પ્રશ્નોની ચર્ચા શરૂ થઇ જેનો જવાબ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે વિસ્તૃત વિગતો સાથે આપવાનું શરૂ કરતા જાગૃતિબેને જણાવેલ કે બિનજરૂરી વિગતોમાં સમય ન બગાડી પૂછેલા પ્રશ્નોના જવાબો જ સીધા આપવા જણાવતા આ મુદ્દે ભાજપના મહીલા કોર્પોરેટરોએ દેકારો શરૂ કર્યો સામે પક્ષે પણ કોંગ્રેસના કોર્પોરેટરોએ જવાબ રૂપી આક્ષેપો શરૂ કર્યા.

આમ, પ્રશ્નની ગાડી આડે પાટે જતી હોઇ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડે બોર્ડમાં ઉપસ્થિત તમામ ભાજપ - કોંગ્રેસના કોર્પોરેટરોને અપીલ કરી હતી કે 'આ સૌનુ સંભવત છેલ્લુ બોર્ડ છે. માટે સૌ કોઇ પ્રજાના પ્રશ્નો અને વિકાસકામોની હકારાત્મક ચર્ચા કરવી જોઇએ માટે સૌને શાંતિપૂર્વક ચર્ચા કરવા અપીલ છે.'

આ અપીલ બાદ થોડી ક્ષણો સુધી પ્રશ્નની ચર્ચા ચાલુ રહી અને ત્યારબાદ ફરી ભાજપ - કોંગ્રેસના સભ્યો વચ્ચે સામ-સામી આક્ષેપબાજીઓ - શાબ્દીક યુધ્ધ અને ગરમા-ગરમીના દ્રશ્યો સર્જાયા અને હંમેશની જેમ પ્રજાના મહત્વના પ્રશ્નની ચર્ચા વગર જ બોર્ડની પ્રશ્નોત્તરીની સમય મર્યાદા પૂર્ણ થતાં અધ્યક્ષસ્થાને એજન્ડાની ત્રણ તથા અર્જન્ટ બીઝનેશથી મુકાયેલ દરખાસ્ત સહિત કુલ ૪ દરખાસ્તો મંજુર કરી દેવાઇ હતી અને આ પ્રકારે માત્ર ૧ કલાકમાં જ બઘડાટી - હોહા - દેકારો વચ્ચે બોર્ડ પૂર્ણ થઇ ગયું હતું.

૪ દરખાસ્તો મંજુર

આજના બોર્ડમાં જે ચાર દરખાસ્તો મંજુર થયેલ તેમાં રાજકોટ મહાનગરપાલિકાની સિનીયર કલાર્ક સંવર્ગની જગ્યામાં બઢતીની લાયકાતમાં સુધારો કરવા અંગે તથા કેવડાવાડી મેઇન રોડ સ્થિત મિલકતધારક શ્રીમતી રમાગીરી મનસુખભાઇ ટાંક વિગેરે વૈકલ્પિક જમીન ફાળવવા અંગે તથા 'નલ સે જલ' યોજના અન્વયે અડધો ઇંચના રહેણાંક નળ કનેકશન રાજ્ય સરકારના ઠરાવ અન્વયે રેગ્યુલરાઇઝ કરી આપવા અંગે તથા અરજન્ટ બિઝનેસથી મુકાયેલ. દશનામ ગોસ્વામી અતિત સાધુ સમાજ સમાધિ સ્થાન (સ્મશાન) રૈયા (રાજકોટ શહેર) રૈયા સર્વે નં. ૩૧૮માં નીમ કરવા અંગેની દરખાસ્તો મંજુર થઇ હતી.

છેલ્લા જનરલ-બોર્ડમાં ભાજપ-કોંગ્રેસનાં ૧૧ નગર સેવકોનાં રજા રિપોર્ટઃ પ૯ હાજર

રાજકોટ : વર્ષ ર૦૧પ-ર૦ર૦ સુધીમાં મ્યુ. કોર્પોરેશનની વર્તમાન ટર્મનું આજે સવારે ૧૧ વાગ્યે મળેલ છેલ્લા જનરલ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસનાં કુલ ૭૦ પૈકી પ૯ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતાં.

જયારે ભાજપનાં નિતીનભાઇ ભારદ્વાજ, આશિષ વાગડીયા, બાબુભાઇ આહીર, અનિલ રાઠોડ, તથા જાગૃતિબેન ઘાડીયા તેમજ કોંગ્રેસના દિલીપભાઇ આસવાણી, જયંતીભાઇ  બુટાણી, જયાબેન ટાંક, ભાનુબેન સોરાણી, ગીતાબેન પુરબીયા તથા મકબુલભાઇ દાઉદાણી સહિતના ૧૧ નગર સેવકોએ રજા રિપોર્ટ આપ્યા હતાં.

(3:51 pm IST)