Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

એ રાત્રે નવલનગરના અમિત સુથારને જીગા કોળીએ પાઇપથી ફટકાર્યો'તો

મંગળવારે સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝમાંથી પગ ભાંગેલી હાલતમાં મળ્યો'તોઃ જે તે દિવસે જીજ્ઞેશ પર હુમલા અંગે અમિતના મિત્ર સલિમ સહિતના સામે ગુનો નોંધાયો હતોઃ અમિત ભાનમાં આવતાં વળતી ફરિયાદ

રાજકોટ તા. ૧૯: ત્રણ દિવસ પહેલા થોરાળાના સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જંગલેશ્વર રાધાકૃષ્ણ સોસાયટીના જીજ્ઞેશ લક્ષમણભાઇ દલસાણીયા (કોળી) (ઉ.૨૫)ને સલિમ સહિત બે શખ્સોએ આંતરી ધોકા-ઇંટથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જે તે રાત્રે અજાણ્યો એક યુવાન પણ આ વિસ્તારમાંથી ગંભીર ઇજા સાથે મળ્યો હતો. આ યુવાન ભાનમાં આવતાં તે નવલનગર-૩માં રહેતો અમિત ભરતભાઇ સાંકળેચા (ગુર્જર સુથાર) (ઉ.૩૩) હોવાનું અને તેણે એ રાતે પોતાના પર જીજ્ઞેશ કોળી તથા તેની સાથેના શખ્સે છરી થથા પાઇપથી હુમલો કરી પગ ભાંગી નાંખ્યાનું કહેતાં થોરાળા પોલીસે હવે તેની ફરિયાદ નોંધી છે.

અમિત સાંકળેચાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૧૬મી સાંજે આઠેક વાગ્યે પોતે મિત્ર અતિક સલિમભાઇ મેતરના નાના મવા સર્કલ પાસેના ઘર નજીક બેઠા હતાં. તે વખતે બીજો મિત્ર સલિમ દારૂદભાઇ અજમેરી (રહે. સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ)નો ફોન આવતાં અને પોતાને કામ હોવાનું કહેતાં પોતે ત્યાં મિત્ર અીતકને બેસાડીને ગયો હતો. એ વખતે સલિમ તથા જંગલેશ્વરમાં રહેતી મુકતાબેનનો પુત્ર જીજ્ઞેશ કોળી તથા અન્ય એક શખ્સ વચ્ચે ઝઘડો ચાલુ હતો. પોતે તેને છોડાવવા વચ્ચે પડતાં જીજ્ઞેશે છરીથી હુમલો કરી દીધો હતો અને તું કેમ વચ્ચે પડે છે? તેમ કહી ગાળો દીધી હતી. બાદમાં પાઇપથી હુમલો કરી પોતાને ડાબા પગમાં ફટકારી દેતાં પગ ભાંગી ગયો હતો. જે તે વખતે બેભાન થઇ ગયો હતો. હવે ભાનમાં આવતાં ફરિયાદ કરી છે. પીએસઆઇ જે. જી. ચોેધરીએ વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૮)

(11:47 am IST)