Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

કોરોના મહામારી સમયે લોકોના મનમાં ઉઠતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ઇન્ડીયન મેડિકલ એસોસીએશનની અનોખી પહેલ

સોમવારથી રોજ રાત્રે ૧૦ વાગ્યે ફેસબુક લાઇવ પર નિષ્ણાત તબીબો માર્ગદર્શન આપશે

રાજકોટ તા. ૧૯: કોરોના મહામારીએ હાલ દેશભરમાં માઝા મુકી છે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક સેન્ટરોમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે સાથે સાથે લોકોના મનમાં પણ કોરોના સંબંધે જાત જાતના સવાલો થઇ રહ્યા છે અને લોકો ડર સાથે જીવી રહ્યા છે એવા સમયે ઇન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા લોકોના મનમાં ઉઠતાં વિવિધ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. આગામી તા. ર૧ ને સોમવારથી ૧પ દિવસ સુધી દરરોજ રાત્રે ૧૦ વાગ્યે કોરોના સારવાર સાથે સંકળાયેલાં નિષ્ણાત તબીબો આઇ.એમ.એ.ના ફેસબુક પેઇઝ પરથી લાઇવ માર્ગદર્શન આપશે અને લોકોનાં મનમાં થતાં તમામ પ્રકારના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવશે. એમ ઇન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો. જય ધીરવાણી તથા સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે. આઇ.એમ.એ. 'કોરોના લોક દરબાર' દ્વારા તબીબો લોકો સુધી પહોંચી તેમના મનમાં રહેલ દ્વિધા દુર કરવા પ્રયાસ કરશે જેનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે.

આગામી તા. ર૧ ને સોમવારથી સતત ૧પ દિવસ સુધી દરરોજ રાત્રે ૧૦ વાગ્યે ઇન્ડીયન મેડિકલ એસોસીએશનના ફેસબુક પેઇઝ પરથી રાજકોટના નિષ્ણાત તબીબો લાઇવ થઇ લોકોના પ્રશ્નોના જવાબ આપશે. દુનિયાભરના કોઇપણ ખૂણે બેઠેલ વ્યકિત લાઇવમાં જોડાઇ કોમેન્ટ બોકસમાં પોતાના પ્રશ્નો પૂછી શકશે અને કોરોના સારવાર સાથે સંકળાયેલાં નિષ્ણાંત તબીબો ત્વરીત આ સવાલના જવાબ આપશે.

આઇ. એમ. એ. રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, આઇ. એમ. એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો. હિરેન કોઠારી, રાજકોટના પ્રમુખ ડો. જય ધીરવાણી, સેક્રેટરી ડો. રૂકેશ ઘોડાસરા સહિતના તબીબો આગેવાનોના માર્ગદર્શન હેઠળ લોકો માટેના આ લાઇવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું સંકલન ડો. ચેતન લાલસેતા અને ડો. પારસ શાહ કરે છે. આઇ. એમ. એ.ના મીડીયા કો. ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફીકસના શ્રી વિજય મહેતા સેવા આપે છે.

કયા દિવસે કયા ડોકટરો માર્ગદર્શન આપશે

આઇ. એમ. એ. દ્વારા આગામી તા. ર૧ ને સોમવારથી દરરોજ રાત્રે ૧૦ વાગ્યે સંસ્થાના ફેસબુક પેઇઝ IMA Rajkot પર રોજ અલગ અલગ નિષ્ણાત તબીબી માર્ગદર્શન આપશે. જેમાં તા. ર૧ ના ડો. મયંક ઠકકર, ડો. વિશાલ સાદાટીયા, તા. રર ના ડો. તેજસ મોતીવારસ, ડો. દિગ્વીજયસિંહ જાડેજા, તા. ર૩-૯ ના ડો. જયેશ ડોબરીયા, ડો. જીગર પાડલીયા, તા. ર૪-૯ ના ડો. તુષાર પટેલ, ડો. અમિત પટેલ, તા. રપ-૯ ના ગર્ભાવસ્થા અને કોરોના વિશે ડો. કમલ ગોસ્વામી, તા. ર૬-૯ ના કોરોના અને બાળકો વિશે ડો. દિવ્યાંગ ભિમાણી અને ડો. મિતુલ કથળીયા માર્ગદર્શન આપશે. લાઇવ કાર્યક્રમમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામાંકિત તબીબો લોકોને માર્ગદર્શન આપશે.

(4:07 pm IST)