Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

રેલ્વે કર્મચારીઓને ન્યાય અપાવવા કર્મચારી પરીષદ હંમેશા પ્રતિબધ્ધ : શિવલહેરી શર્મા

રેલ્વે કર્મચારી પરીષદના રાજકોટ ડીવીઝનના મધ્યસ્થ કાર્યાલયનો ધમાકેદાર પ્રારંભ

રાજકોટ તા. ૧૯ : ભારતીય રેલ્વે મઝદુર સંઘ દ્વારા પશ્ચિમ રેલ્વે કર્મચારી પરીષદ રાજકોટ ડીવીઝનનું મધ્યસ્થ કાર્યાલય સંત કંવરરામ શોપીંગ કોમ્પલેક્ષ, જંકશન પ્લોટ મેઇન રોડ ખાતે શરૂ કરવામાં આવતા વિશ્વકર્મા જયંતિના પાવન અવસરે ઉદ્દઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.

અખિલ ભારતીય મઝદુર સંઘના પૂર્વ પ્રમુખ હસુભાઇ દવેની ઉપસ્થિતીમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વાલજીભાઇ ચાવડાના હસ્તે કાર્યાલય ખુલ્લુ મુકાયુ હતુ.

આ તકે સંબોધન કરતા પશ્ચિમ રેલ્વે કર્મચારી પરીષદના મહામંત્રી શિવલહેરી શર્માએ રેલ્વેમાં થઇ રહેલ ખાનગીકરણ, નિગમીકરણ અંગેની છણાવટ કરી સંગઠન શકિતની મહત્વતા સમજાવી હતી. ગ્રુપ ડી કર્મચારીઓના પ્રમોશન માટે લેવાતી પરીક્ષાલક્ષી માર્ગદર્શન અપાયુ હતુ. કર્મચારીઓને ન્યાય અપાવવા કર્મચારી પરીષદ હંમેશા પ્રતિબધ્ધ રહ્યાનું તેમણે જણાવ્યુ હતુ.

વાલજીભાઇ ચાવડાએ મઝદુર સંગઠનની કાર્યશૈલીની વાત કરી હતી. મઝદુરોના પ્રશ્નોને વાચા આપવા સંગઠન હંમેશા અગ્રેસર હોવાની વિગતો આપી હતી. પૂર્વ પ્રમુખ હસુભાઇ દવેએ સંગઠીત અને અસંગઠીત મઝદુરોના હીતની લડાઇ આ મઝદુર સંઘ કઇ રીતે લડે છે અને કઇ રીતે સફતા હાંસલ કરે છે તેની વિગતો આપી હતી.

આ પ્રસંગે રેલ્વેના કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પશ્ચિમ રેલ્વે કર્મચારી પરીષંઘના મંડલ અધ્યક્ષ ભુપેશ ગૌતમ, મંડલમંત્રી કિરણ ઓઝા, મહમદઅલી, ગુરૂદત્ત શર્માએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર સંચાલન પ.રે.ક.પ.ના સંરક્ષક મહેશભાઇ છાયાએ કરેલ.

(3:50 pm IST)