Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

રૈયાધારમાં પત્નીને તેડવા જતા જયેશભાઇને ધમકી આપનારા સાસુ અને સાળી સામે ગુનો

રાજકોટ તા. ૧૯: શહેરના રૈયા ધાર રાણીમાં રૂડીમાં ચોક ઇન્દીરાનગરમાં રહેતો યુવાન પત્નીને તેડવા જતા સાસુ અને સાળીએ ધમકી આપતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયા ધાર રાણીમાં રૂડીમાં ચોક ઇન્દીરાનગરમાં રહેતા જયેશભાઇ રતીલાલ વડીયાતર (ઉ.વ. ૩ર) યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતાના દસ વર્ષ પહેલા હેતલ સાથે લગ્ન થયા હતા. તેને સંતાનમાં એક પુત્ર છે અને હાલમાં પત્ની અને પુત્ર છેલ્લા પંદર દિવસથી સાસુ સવીતાબેન સાથે ચાલ્યા ગયા છે. પંદર દિવસ પહેલા પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી બાદ પોતે બહાર ગયા હતા ત્યારે સાસુ સવિતાબેન ઘરે આવેલ અને પત્ની હેતલ અને પુત્ર ભાર્ગવને તેના ઘરે લઇ ગયા હતા. બાદ પત્ની અને પુત્ર પરત ઘરે ન આવતા તા. ૧૭/૯ના રોજ પોતે રૈયા ધારમાં રહેતા સાસુના ઘરે ગયેલ અને સાસુને પૂછયું કે, 'મારી પત્ની અને પુત્રને ઘરે. મોકલવાના નથી?' તેમ પૂછતા સાસુ એ કહેલ કે મારી દીકરી બાબતે 'તારે મારા ઘરે આવવું નહીં' તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, દરમ્યાન સાળી તેજલ બહાર આવેલ અને કહેવા લાગેલ કે તમારે મારી બહેનની તપાસ કરવા મારા ઘરે આવવું નહિં' તેમ કહી ધમકી આપી હતી. બાદ આ મામલે પોતે યુનિવર્સિટી પોલીસ મથકમાં અરજી કરી હતી. દરમ્યાન પત્નીએ પણ મહિલા પોલીસ મથકમાં અરજી કરી હોવાનું જાણવા મળતા પોતે તેના આ ત્રાસથી કંટાળી મહિલા પોલીસ સ્ટેશનની સામે ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે પોતે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ બી. જી. ડાંગરે તપાસ હાથ ધરી છે.

(3:39 pm IST)