Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

પડધરીના મેટોડાની ખેતીની જમીન અંગે તકરાર ઉભી કરનાર પુત્રીની અપીલ રદ

રાજકોટ તા.૧૯: પડધરી તાલુકાના મેટોડા ગામની ખેતીની જમીનમાં વારસાઇ હકક મુજબ હિસ્સો મળી ગયેલ હોયવા  છતા વધુ રૂપીયા પડાવવા ખોટી તકરાર ઉભી કરી પુત્રી હંસાબેન ડાયાભાઇ મકવાણાએ જીલ્લા કલેકટર કોર્ટમાં રેવન્યુ નોંધો રદ કરવાની કરેલ અપીલને જીલ્લા કલેકટરે નામંજુર કરવાનો હુકમ કરેલ હતો.

આ કેસની વિગત એવી છે કે પડધરીના મેટોડા ગામે ધનીબેન કાનાભાઇ વા/ઓ. ડાયાભાઇ ધનાભાઇ સ્વતંત્ર નામે ખેતીની જમીન હે.આરે.૧-૬૧-૯૪ ચો.મી.આવેલ. આ જમીન તેઓએ સોમાભાઇ ભાણાભાઇ મકવાણાને રજી.દસ્તાવેજથી વેચાણ આપેલ હતી. ત્યારબાદ ધનીબેનના પુત્રી અરજદાર હંસાબેનએ રાજકોટ જીલ્લા કલેકટર કોર્ટમાં અપીલ કેસ દાખલ કરી એવી દાદ માંગેલ કે સદરહું ખેતી જમીનમાં અમારો વારસાઇ હકક આવેલ છે તેવી તકરાર ઉભી કરી પડધરી મામલતદારે પ્રમાણીત કરેલ રેવન્યુ એન્ટ્રી રદ કરવા માંગણી કરી હતી.

આ અપીલ કેસની સુનાવણી થતાં સામાવાળા નં.૧ એટલે કે જમીન વેચનાર ધનીબેન વતી તેમના એડવોકેટ દિલિપ એન.જોશીએ રજુઆત કરેલ કે, સદરહું જમીનમાં અરજદારને વારસાઇ હકક મુજબ થતી રકમ રોકડેથી ચુકવી આપેલ છે છતાં વધુ રકમ પડાવવા અરજદાર કાવાદાવા કરી રહેલ છે. જયારે ખેતી જમીન ખરીદનાર સોમાભાઇ મકવાણા વતી એડવોકેટ દિપકકુમાર ડી.મહેતા તથા રાજેન્દ્રસિંહ એચ.ઝાલાએ એવી રજુઆત કરેલ કે, અરજદારનું નામ રેવન્યુ રેકર્ડમાં નથી. તેમજ ભુતકાળમાં અરજદારએ સદરહું મિલ્કત માંહેનો હકક,હિત,હિસ્સો સ્વીકારી  લીધેલ છે અને અન્ય વારસદારોએ સોગંદનામાં પર જાહેર કરેલ કે દરેક વારસદારને પોતાના હિસ્સા મુજબની રકમ મળી ગયેલ છે તેવું સોગંદ ઉપર જાહેર કરેલ છે. તેમજ જમીન ખરીદનાર બોનાફાઇડ પરચેઝર હોય અને ખરીદનારે કાયદેસરનો અવેજ ચુકવી જમીન ખરીદ કરેલ છે. તેમજ હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકી દલીલ કરતા જીલ્લા કલેકટરએ આ દલીલો માન્ય રાખી અરજદારની રેવન્યુ નોંધો રદ કરવાની અપીલ નામંજુર કરી હતી.

આ કેસમાં જમીન વેચનાર વતી એડવોકેટ દિલિપભાઇ જોશી તથા ખેતીજમીન ખરીદનાર વતી એડવોકેટ દિપકકુમાર ડી.મહેતા તથા રાજેન્દ્રસિંહ એચ.ઝાલા રોકાયેલ હતા.

(3:39 pm IST)