Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

૫ત્નિની ભરણ પોષણની દરકાર નહિ કરનાર યુ.કે.સ્થિત પતિ વિરૂધ્ધ કાર્યવાહી ચલાવવા હુકમ

રાજકોટ, તા.૧૯: યુનાઇટેડ કીંગ્ડમ(યુ.કે.)ના ડેન્ટીસ્ટને ભરણપોષણની નોટીસની બજવણી કુરીયર મારફત થવા છતાં બેદરકાર રહેતા ડોકટર સામે ભરણ પોષણની કાર્યવાહી એક તરફી ચલાવવાનો હુકમ કોર્ટ કરેલ છે.

રાજકોટથી રહીસ શ્રીમતિ હીનાબેન રાજેશભાઇ જોટંગીયાના લગ્ન યુ.કે.ના રહેવાસી ડો. રાજેશ ઉર્ફે રાજાભાઇ હીંમતભાઇ જોટંગીયા સાથે રાજકોટ સાથે થયેલા અને લાલપુર(જી.જામનગર)ખાતે લગ્ન જીવનના હકકો પુરા કરવા તેઓના રહેણાંકના મકાને ગયેલા ત્યાં સાસુ-સસરા સાથે સંયુકત કુટુંબમાં રહેલા પરંતુ સાસરીયા પક્ષના સભ્યોએ તેણીની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત સમાન કૃત્ય કરી વિદેશ ગયેલ અને વિદેશથી છુટાછેડાની માંગણી કરવા લાગેલ અને તેણીના ભરણપોષણની કોઇ વ્ગવસ્થા કરેલ નહી.

આથી મહીલાએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશને સાસરીયા પક્ષના સભ્યો સામે સ્ત્રી અત્યાચારના ગુન્હાની ફરિયાદ થતા છેલ્લા બે વર્ષથી આરોપીઓ(૧)પતિ-ડોકટર રાજેશ ઉર્ફે રાજા હીમતભાઇ જોટંગીયા(૨)સસરા-હીમતભાઇ સુંદરજીભાઇ જોટંગીયા(૩)સાસુ- શ્રીમતી સરલાબેન હીંમતભાઇ જોટંગીયા જેઓ છેલ્લા બે વર્ષથી નાશતા ભાગતા ફરે છે.

મહીલા અરજદારે બે વર્ષથી તેના પતિએ ભરણપોષણની કોઇ વ્યવસ્થા કરેલ  ન હોય જેથી તેણીએ તેના પતિના હોદા અનુસાર રૂ.૧,૦૦,૦૦૦/- માસીક ભરણપોષણની માંગણી કરેલી કારણ કે તેના પતિ વિદેશમાં તેની માલીકીનું કલીનીક ધરાવે છે. તેમજ ખુબજ સારી પ્રેકટીશ કરતા હોય અને સ્થાવર અને જંગમ મીલ્કતો ધરાવતા હોય જેથી તે મુજબ જીવવા તેણીૅએ અધિકારી હોય માંગણી કરેલી.

આ કામના તેણીના પતિ દ્વારા સમન્સની બજવણી ટાળતા હોવાથી મહીલાએ ફેમીલી અદાલત સમક્ષ સમન્સની બજવણી કુરીયર મારફત બજાવવાની માંગણી કરેલી જે માંગણી મંજુર થતાં જે મુજબ સમન્સ મોકલવામાં આવેલ પરંતુ તેણીના પતિએ હાજર રહેવાની દરકાર નહી કરતા જેથી રાજકોટના ફેમીલી જજશ્રી બુધ્ધભટ્ટીએ આ કાર્યવાહી એકતરફી ચલાવવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં કર્મચારીના એડવોકેટ દરજજે શ્રી લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ શાહી, કુલાલ એલ. શાહી, ચંદ્રકાંત એમ.શાહી, દક્ષીણી, યોગેશ બારોટ, તેજશ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધમેન્દ્ર ગઢવી, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ, નિશાંત જોષી, પાર્થ પી. ચૌહાણ રોકાયેલા હતા.

(4:04 pm IST)