Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને કૃષ્ણગોપાલજીની ઉપસ્થિતીમાં

'ગીર ગોલ્ડ' યોજનાનો કાલે પ્રારંભ

ગુણવતા યુકત ગીર ગાયના દૂધ-ઘી-છાશનું વિતરણ વિસ્તારવા અરવિંદભાઇ મણીઆર ફાઉન્ડેશન દ્વારા નહી નફો નહી નુકશાનના ધોરણે આરોગ્યલક્ષી અભિયાન

રાજકોટ તા. ૧૯ :.. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસરકાર્યવાહક કૃષ્ણગોપાલજી કાલે તા. ર૦ ના શનિવારે હેમુ ગઢવી હોલમાં અરવિંદભાઇ મણીઆર ચેરીટેબલ ફાઉન્ડેશનનાં ગીર ગોલ્ડનો શુભારંભ કરશે.

મુખ્ય મહેમાન તરીકે શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી (એસજીવીપી ગુરૂકુળ -છારોડી, અમદાવાદ), સ્વામી શ્રી કૃષ્ણમણીજી મહારાજ (આચાર્ય-કૃષ્ણપ્રણામી સંપ્રદાય-જામનગર), મોહનભાઇ કુંડારીયા (સંસદ સભ્ય રાજકોટ) ઉપસ્થિત રહેશે.

સમારોહનાં દિવસે પ્રથમ ૧૦૦ ગ્રાહક થનારને દેશી ગાયનું શુધ્ધ ર૦૦ ગ્રામ ઘી વિનામુલ્યે આપવામાં આવશે. આ ઉદઘાટન સમારોહ વિશેષતા એ છે કે ગીર ગાય જોવાનો અને ગોપાલક દંપતિને રૂબરૂ મળવાનો લ્હાવો મળશે.

ગીર ગોલ્ડની યોજના એ 'સર્વ જન હિતાય, સર્વ જન સુખાય' ને જીવન મંત્ર બનાવવાના કર્મયોગી, મુઠી ઉંચેરા માનવી શ્રી અરવિંદભાઇ મણીઆરના સ્વપ્નોને સાકાર કરવાનો એક નમ્ર પ્રયાસ છે.

આરોગ્ય મહત્તમ આધાર આહાર છે. આ વાતને ધ્યાનમાં રાખીને આરોગ્યના જતન માટે દરેક વ્યકિતને શુધ્ધ-સાત્વિક-પોષક, દેશી ગીર ગાયનું એ-ર દૂધ, દેશી વલોણાથી બનાવેલ છાશ, શુધ્ધ અને વલોણાથી બનેલ ઘી ઘર બેઠા ઉપલબ્ધ થાય તે માટે ગીર ગોલ્ડનો શુભારંભ થઇ રહ્યો છે. આ સમગ્ર પ્રોજેકટ નોટ ફોર પ્રોફિટના ધોરણે અમલી બનશે.

ગીર ગોલ્ડના પ્રમોટર્સ પૂ. સ્વામી શ્રી પરમાત્માનંદજી (આર્ષ વિદ્યા મંદિર, મુંજકા), ડો. વલ્લભભાઇ કથીરિયા (ચેરમેન - કામધેનુ આયોગ, પૂર્વ કેન્દ્રીય મંત્રી -ભારત સરકાર), સીએ. કલ્પકભાઇ મણીઆર (પૂર્વ ચેરમેન અને ડીરેકટર-રાજકોટ નાગરીક સહકારી બેંક લિ.), ડો. હિતેશભાઇ જાની (પૂર્વ પ્રીન્સીપાલ, ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી, ડીરેકટર -એનીમલ વેલ્ફેર બોર્ડ-ભારત સરકાર), દિપકભાઇ અગ્રવાલ (પૂર્વ ડીસ્ટ્રીકટ ગવર્નર, રોટરી ઇન્ટરનેશનલ), દિલીપભાઇ સખિયા (સંચાલક ગોપી ગૌ ગુરૂકુળ), વિશાલભાઇ ચાવડા (પાર્ટનર-ફયુચર ફાર્મ એલએલપી) છે.

સંસ્થા દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતાં અને સમગ્ર વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા, દૂધ દોહવાના સ્થળથી આપના ઘરે દૂધ પહોંચે તે સમગ્ર પ્રક્રિયા આપના મોબાઇલ ઉપર જોઇ શકવાની સુવિધા શરૂ કરાશે. ગાયોના ડી. એન. એ. અને દૂધની ગુણવતાનો રિપોર્ટ વેબસાઇટ ઉપર નિયમીત જોઇ શકાશે.

સંસ્થા દ્વારા ગોપાલકો ગીર ગાયની જાળવણી સારી રીતે કરે, ગાયની માવજત માટે શાસ્ત્રોકત ઢબે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે. સાથોસાથ પૂર્ણ ભાવ મળે તેનું પણ ધ્યાન રખાશે.

આ મહાઅભિયાનમાં જોડાવા અને વધુ માહિતી માટે મો. ૯૪૦૯૭  ર૪૪૪૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:43 pm IST)