Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

વૃધ્ધ માતાની હત્યાના કેસમાં પ્રોફેસર પુત્રને આજીવન કેદ

આરોપી પુત્રએ બિમાર માતા બોજારૂપ લાગતા અગાશીના ચોથા માળેથી નીચે ફેંકી દઇને હત્યા કરી હતીઃ સી.સી.ટી.વી.નો પુરાવો મહત્વનો સાબીત થયોઃ અધિક સેસન્સ જજ પી.એન.દવેનો ચુકાદો

રાજકોટ, તા., ૧૯: વૃધ્ધ બિમાર માતા બોજારૂપ લાગતા અહીના ૧પ૦ ફુટના રીંગ રોડ ઉપર સ્ટર્લીંગ હોસ્પીટલ પાસે આવેલી નાણાવટી ચોક પાસેના દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા આરોપી પુત્રએ પોતાની માતાને અગાશી ઉપર લઇ જઇને નીચે ફેંકી દઇને હત્યા કરવાના ચકચારી કેસમાં આજે અધિક સેસન્સ જજ શ્રી પી.એન.દવેએ આરોપી પ્રોફેસર પુત્ર સંદીપ વિનોદભાઇ નથવાણીને તકસીરવાન ઠરાવીને આજીવન કૈદની સજા ફટકારી હતી.

રાજકોટમાં ચકચાર જગાવનાર આ કિસ્સામાં મરનાર માતા નિવૃત સરકારી કર્મચારી હતી અને આરોપી પુત્ર બી.કે.ફાર્મસીનો  પ્રોફેસર છે. ગઇકાલે કોર્ટે આરોપીને સજા માટે દોષીત ઠરાવતા સરકારી વકીલે 'રેરેસ્ટ ઓફ રૈર' કેસ માનીને આરોપીને ફાંસીની સજાની માંગણી કરી હતી. જો કે કોર્ટે આરોપીને દોષીત ઠરાવી  આરોપીને આજીવન કૈદની સજાના કેસમાં કોર્ટે દોષીત ઠરાવેલ હતો. આ કામે પોલીસ કેસ તથા થયેલ ચાર્જશીટ મુજબની ટુંક હકીકત એવી છે કે આરોપી સંદીપ નથવાણીના માતુશ્રી જયશ્રીબેન એજયુકેશન ઇન્સપેકટર તરીકે સરકારી અધિકારી અને ત્યાર બાદ તેઓ નિવૃતી જીવન જામનગર ખાતે વિતાવી રહયા હતા તે દરમ્યાન તેમને બિમારી આવતા તેમને રાજકોટ લાવવામાં આવેલા અને સ્ટર્લીંગ હોસ્પીટલમાં તેણીનું ઓપરેશન થયેલ અને તેઓ ફરી સ્વસ્થ થતા સમય લાગે તેમ હોય તેથી આરોપીના ઘેર આરોપીના ઘેર રાખવામાં આવેલા તે વખતે આરોપી પોતાની પત્ની અને એક નાની બાળકી સાથે ફલેટમાં રહેતા હતા. માતુશ્રીની બિમારી અને તેણીની સેવા ચાકરીના પ્રશ્નોને લઇને  છેવટે આરોપીને પોતાની મા બોજારૂપ લાગતા તેણે પોતાની જ સગી બીમાર માતાનું કાશળ કાઢી નાખવાનું મનોમન નક્કી કરેલ અને પ્લાન બનાવેલ હતો.

બનાવના દિવસે એટલે તા. ર૭-૯-ર૦૧૭ના રોજ નાણાવટી ચોક પાસે આવેલ દર્શન એવન્યુ એપાર્ટમેન્ટની અગાસી પર પોતાની માતુશ્રીને લઇ જઇ અને ઠંડા કલેજે તેણીને ચાર માળ ઉપરથી નીચે ફેંકી દીધેલી અને એ રીતે વૃધ્ધાનું મોત થઇ ગયેલ. પરંતુ આરોપીના આ કૃત્યની નોંધ એટલે કે માતુશ્રીને બિમારીની હાલતમાં પરાણે અગાસી પર લઇ જવાના દ્રશ્ય અને માતુશ્રી સાથે આરોપીની અગાસી ઉપર હાજરી અને માતુશ્રી ભોઇ તળીયે પડયા તે વખતે પણ આરોપીની અગાસી પરની હાજરીનો ટાઇમીંગ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા આરોપીએ કરેલ ભયંકર કૃત્ય છતુ થઇ ગયેલ હતું.

પોલીસે તપાસ દરમ્યાન પુરાવાઓ એકઠા કરી છેવટે ચાર્જશીટ કરેલ અને આરોપી સામે આઇપીસી કલમ ૩૦રના ગુન્હાની ટ્રાયલ ચલાવવામાં આવેલી. કેસ ચાલતા ફરીયાદ પક્ષે પોતાનો કેસ સાબીત કરવા માટે સાક્ષી પુરાવાઓ તપાસેલા તેમાં કુલ ર૮ મૌખીક પુરાવાઓ હતા જેમાં ફરીયાદી, ડોકટર, પોલીસ, એફએસએલ. ફલેટ ધારકો આરોપીની બહેન, બનેવી વિગેરેનોસમાવેશ થાય છે. અને જે તે વખતે ર૭ દસ્તાવેજી પુરાવા લીસ્ટથી રજુ કરવામાં આવેલ અને ત્યાર બાદ સરકારી વકીલશ્રી મહેશભાઇ જોષીએ લંબાણપુર્વક દલીલો અને ઉપલી અદાલતોના ચુકાદાઓ બન્ને પક્ષો તરફથી રજુ કરવામાં આવેલા જે રેકર્ડ પરની તમામ હકીકત ધ્યાને લઇ સેશન્સ કોર્ટે આરોપી સંદીપ નથવાણીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાના કેસમાં દોષીત માનેલ હતો.

આ કામમાં સરકારી વકીલ તરીકે મહેશભાઇ જોષી તથા પ્રશાંતભાઇ પટેલ રોકાયેલ હતા. અને ચુકાદો એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શ્રી પી.એન.દવેએ આપ્યો હતો.

(3:38 pm IST)