Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

નીડર, નિષ્પક્ષ, પ્રામાણિક પૂર્વ જિલ્લા સરકારી વકીલ મનુભાઇ શાહનું નિધન

૨૭ વર્ષ સુધી ડી.જી.પી. તરીકે રહ્યા : ૧૯૮૧માં શશીકાંત માળીને ફાંસીની સજા કરાવેલ : આરોગ્ય પ્રધાન વલ્લભભાઇ પટેલ ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા હત્યા કેસમાં નિડરતાપૂર્વક સરકારી વકીલ તરીકે સફળ કામગીરી બજાવી : નિરંજન દફતરી, મોહનભાઇ સાપાણી, એમ.પી.ગણાત્રા, ગોગીયા, અનિલ દેસાઇ જેવા પ્રખ્યાત વકીલોએ મનુભાઇ પાસે તાલીમ મેળવી હતી : બેંચે, વિમા કંપની, સરકારી, અર્ધસરકારી નિગમ સહિતની ૫૦થી વધુ સંસ્થાના પેનલ એડવોકેટ : રહ્યા હતા : ગઇકાલે અમદાવાદ ખાતે પુત્રી ઘરેથી કાયમી વિદાય લીધી : આજે પણ મનુભાઇની કામગીરીના વખાણ થાય છે

રાજકોટ તા. ૧૯ : રાજકોટના જૂની પેઢીના સીનીયર એડવોકેટ શ્રી મનુભાઈ મોહનભાઈ શાહ નું અમદાવાદ ખાતે ૯૪ વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ છે. શ્રી મનુભાઈ શાહે પોતાની વકીલાતની કારકિર્દીની શરૂઆત સૌરાષ્ટ્રમાં જૂની પેઢીના સીનીયર ધારાશાસ્ત્રી અને પૂર્વ ધારાસભ્ય શ્રી ગજાનનભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ કરેલી હતી.

શ્રી શાહ શરૂઆતમાં રાજકોટમાં તત્કાલીન નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે અને રાજકોટ નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી ચુકયા હતા. આ ઉપરાંત  મનુભાઈ શાહ અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે સૌથી લાંબા સમય માટે એટલે કે ૨૭ વર્ષ જિલ્લા સરકારી વકીલ ( DGP) તરીકે અતિ અગત્યના; ચર્ચાસ્પદ કેસોમાં સરકાર પક્ષે કેસો લડી તહોમતદારને સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવેલ હતી અને તેમની નીડર, નિષ્પક્ષ, કડક અનુશાસનની કાર્યપધ્ધતિના કારણે ખૂબ જ ખ્યાતિ પામેલ હતા.

શ્રી શાહે તેઓની સાડા પાંચ દાયકાની વકીલાતના વ્યવસાયમાં સિવિલ અને ક્રિમિનલ કાયદાના સિનિયર ધારાશાસ્ત્રી તરીકે, કડક, પ્રામાણિક વકીલ તરીકેની ખ્યાતિના લીધે એક તબક્કે તેઓ રાજકોટમાં તમામ રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, તમામ વીમા કંપનીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશન, યુનિવર્સિટી, જિલ્લા પંચાયત, સહિત રાજકોટ સ્થિત ગુજરાત સરકારના તમામ બોર્ડ, નિગમની ૫૦ વધુ સરકારી, અર્ધસરકારી કચેરીમાં પેનલ ઉપર એડવોકેટ તરીકે ખુબજ લાંબા સમય સુધી રહેલ હતા.

શ્રી શાહે રાજકોટ જિલ્લામાં જિલ્લા સરકારી વકીલ DGP તરીકે ખુબજ નિષ્ઠાપૂર્વક કેસોમાં સરકાર વતી ખુબજ અસરકારક રીતે રજૂઆતો ના કારણે ગુજરાત સરકારના મોટા ભાગના વરીષ્ઠ અધિકારીઓ સાથે ખુબજ સુંદર નાતો રહેલ હતો.આજ સુધી આ જગ્યા ઉપર તેઓ જેવી કોઇ કામગીરી કરી શકેલ નથી.

૧૯૮૧માં રાજકોટમાં ભારે ચકચાર જગાવનાર ગાયકવાડી ટ્રીપલ મર્ડર કેસમાં આ કેસના તહોમતદાર શશીકાંત માળીને રાજકોટની સેસન્સ કોર્ટે ફાંસીની સજા આપેલ ત્યારે શ્રી શાહ સરકારી વકીલ તરીકે હતા. અને આ સજા ગુજરાત હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટ સુધી કન્ફર્મ થયેલ હતી. ૧૯૮૯માં ગુજરાતના તત્કાલીન આરોગ્ય પ્રધાન શ્રી વલ્લભભાઈ પટેલના ખુન કેસમાં શ્રી શાહ સી.બી.આઈ.વતી રાજકોટની સેસન્સ કોર્ટમાં સ્પે. પબ્લીક પ્રોસ્યુકટર તરીકે હતા તેમજ ૧૯૮૮ માં ગોંડલ ના તત્કાલીન ધારાસભ્ય શ્રી પોપટભાઈ સોરઠીયાના ખુન કેસમાં પણ તેઓ ખાસ સરકારી વકીલ તરીકે રોકાયેલા હતા.

શ્રી શાહ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના સફળ ધારાશાસ્ત્રી હોવા ઉપરાંત તેઓ રાજકોટ ની સરકારી એ.એમ. પી. લો કોલેજમાં વર્ષો સુધી પાર્ટટાઇમ પ્રોફેસર તરીકે શૈક્ષણિક કાર્ય કરેલ હતું. અને એટલું જ નહીં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયદા વિદ્યાશાખાના ડીન તરીકે જવાબદારી સંભાળી હતી.

શ્રી મનુભાઈ શાહની દીર્ઘકાલીન વકીલાત માં તેઓ પાસે આશરે ૧૫૦ જેટલા ધારાશાસ્ત્રીઓ તેમના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી સૌ પોત પોતાના ક્ષેત્રમાં સફળ ધારાશાસ્ત્રી તરીકે કાર્યરત રહેલા છે. આ ધારાશાસ્ત્રીઓમાં સર્વશ્રીસ્વ. નિરંજનભાઈ દફતરી, બી.બી. ગોગીયા, સ્વ.એમ.પી. ગણાત્રા,  સ્વ. મોહનભાઈ સાયાણી, સૈફુદીનભાઈ લક્ષ્મીધર, આર.એમ. વારોતરિયા, પ્રવીણભાઈ કોટેચા, અનિલભાઇ દેસાઇ, ઝાહીદભાઈ દેસાઈ, કે.એલ. વ્યાસ, એસ. કે.વોરા સહિત અનેક ધારાશાસ્ત્રીઓ તેમની પાસે તાલીમ પ્રાપ્ત કરેલ હતી.

શ્રી મનુભાઈ શાહના જુનીયર તરીકે કાર્યરત રહ્યા હોય તેવા શ્રી સ્વ. મોહનભાઈ સાયાણી, અનિલભાઇ દેસાઈઅને એસ. કે. વોરા રાજકોટમાં જિલ્લા સરકારી વકીલ તરીકે રહ્યા છે અને શ્રી શાહના જુનીયર હોય શ્રી કમલેશભાઈ શુકલ અને ઝાહીદભાઈ દેસાઈ સહિત ૧૦ જેટલા ગુજરાત રાજયના ન્યાયતંત્ર માં ન્યાયાધીશ તરીકે કાર્યરત છે.

શ્રી મનુભાઈ શાહના દુઃખદ અવસાનથી સદગત ના પરિવારમાં સૌથી મોટા નીતાબેન તેમના પુત્ર રાજેશભાઈ, અને પારૂલબેન અને માધવીબેન સહિતના પરીવારજનોને વિલાપ કરતા વિદાય લીધી છે . તેમના પરીવારમાં માધવીબેન સિવાયના સૌ અમેરિકામાં સ્થાયી થયા છે અને રાજકોટ બાર એસોશિએશને એક પ્રતિભાશાળી, પ્રામાણિક ધારાશાસ્ત્રી ગુમાવ્યાની લાગણી અનુભવે છે. છેલ્લે ઉંમરના કારણે રાજકોટ છોડીને તેમની પુત્રી પાસે અમદાવાદ ખાતે રહેતા હતા. તેમના પુત્ર સહિતનો પરિવાર અમેરિકા સ્થાયી થયેલ છે.

(11:14 am IST)