Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

રૂડા વડાપ્રધાન આવાસ યોજના હેઠળ ૩૯૦૦ ફલેટ ઉભા કરશે પરંતુ હજુ ૧૬૦૦ ફોર્મ જ ભરાયાઃ લોકોને લાભ લેવા અપીલ

૩૦ જૂન સુધી ત્રણ બેંકની ૪૯ શાખા સહિત કુલ પ૩ સ્થળો ઉપરથી ફોર્મ વિતરણ ચાલુ... : EWS -૧, EWS-ર, LIG કેટેગરીના આવાસો બનશેઃ ફોર્મ ભરવા અંગે માર્ગદર્શન માટે ફોન નંબરો પણ જાહેર કરાયા...

રાજકોટ તા. ૧૯: રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ રાજકોટ દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત  EWS ૧, EWS ર, LIG તથા MIG કેટેગરીના કાલાવડ રોડના જુદા જુદા ૧૦ એવા પ્રાઇમ લોકેશન સ્થળોએ બાંધવામાં આવનાર ૩૯૭૮ આવાસોનું હાલ ફોર્મનું વિતરણ ICICI બેંક, HDFC બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની રાજકોટ શહેર તેમજ રૂડા વિસ્તારમાં આવતી કુલ ૪૯ શાખાઓ તથા કોર્પોરેશનના કૃષ્ણનગર RMC સિવિલ સેન્ટર, કોઠારિયા રોડ RMC સિવિલ સેન્ટર, ઇસ્ટ ઝોન RMC સિવિક સેન્ટર અને રૂડા કચેરી મળી કુલ-પ૩ સ્થળોએથી તારીખ ૩૦-૬-ર૦ર૦ સુધી ચાલુ છે તેમ સુત્રોએ ઉમેર્યું હતું.

સુત્રોમાંથી મળેલ માહિતી અનુસાર હાલ રૂડા કચેરી દ્વારા બાંધવામાં આવનાર ૩૯૭૮ આવાસ સામે અંદાજીત ૧૬૦૦ ફોર્મ જ ભરાઇને પરત આવેલ હોઇ પાત્રતા ધરાવતા તમામ આસામીઓને ફોર્મ ભર્યેથી આવાસ મળવાની પુરેપુરી શકયતા છે. આમ ફોર્મ ભરો અને આવાસ મેળવોની પરિસ્થિતિમાં નાની કિંમતમાં ઘરના ઘરનું સ્વપ્ન પુરૃં કરવાની એક અમૂલ્ય તક છે.

જેમાં EWS ૧ કેટેગરીના ૩૭૮ આવાસો (અંદાજીત ૩૦ ચોરસ મીટરના એક રૂમ, એક હોલ, રસોડું, બાથરૂમ/ટોયલેટ),  EWS ર કેટેગરીના ર૧૩૦ આવાસો (અંદાજીત ૪૦ ચોરસ મીટરના બે રૂમ, એક હોલ, રસોડું, બાથરૂમ/ટોયલેટ),  LIG કેટેગરીના ૭ર૮ આવાસો (અંદાજીત પ૦ ચોરસ મીટરના બે રૂમ, એક હોલ, રસોડું, બાથરૂમ/ટોયલેટ) તથા LIG કેટેગરીના ૭પર આવાસો (અંદાજીત ૬૦ ચોરસ મીટરના ત્રણ રૂમ, એક હોલ, રસોડું, બાથરૂમ/ટોયલેટ) આમ ૪ પ્રકારના આવાસનો સમાવેશ થાય છે.

આવાસ માટેના ફોર્મ મેળવવા માટે લોકોએ લાંબી લાઇનમાં ઉભું રહેવું ન પડે તથા અવ્યવસ્થા ન સર્જાય તે હેતુથી રૂડા દ્વારા બહાર પાડવામાં આવેલ આવાસ યોજના માટેના ફોર્મ વિતરણ માટે રૂડાના ચેરમેનશ્રી દ્વારા સુંદર આગોતરૃં આયોજન ગોઠવવામાં આવેલ છે. કોરોના સંક્રમણ સામે જયારે આખો દેશ જંગ લડી રહ્યો છે ત્યારે સંક્રમણ વધુ ના ફેલાય તથા સોશ્યલ ડીસ્ટન્સીંગનું સંપૂર્ણ પાલન થાય તેના ભાગરૂપે રૂડા દ્વારા ફોર્મ વિતરણ તથા ફોર્મ પરત લેવા માટે એક સાથે ત્રણ ત્રણ બેંકો નિયુકત કરવામાં આવેલ છે તથા ત્રણે બેન્કોની ૪૯ શાખાઓ તથા કોર્પોરેશનના કૃષ્ણનગર RMC સિવિક સેન્ટર, કોઠારિયા રોડ RMC સિવિક સેન્ટર, ઇસ્ટ ઝોન RMC સિવિક સેન્ટર અને રૂડા કચેરી મળી કુલ પ૩ મારફત આ કાર્યવાહી હાથ ધરેલ છે. આ વ્યવસ્થાને લીધે લાભાર્થીઓનો કયાંય ધસારો જોવા મળેલ નથી કે કયાંય લાંબી લાઇનો થયેલ નથી જેથી સોશ્યલ ડીસ્ટન્સીંગનું સંપૂર્ણ પાલન થઇ રહેલ છે. વધુમાં આવાસ મેળવવા ઇચ્છુક લોકોને જરૂરી માહિતી સરળતાથી મળી શકે તે માટે સંપૂર્ણ વિગતો સાથેના બેનરોની વ્યવસ્થા કરવામાં આવેલ છે તથા તમામ સેન્ટરો પર લગાવવામાં આવેલ છે. જેને લીધે લાભાર્થીઓ પણ ગોઠવેલ વ્યવસ્થાથી સંતોષ અનુભવે છે અને શાંતિપૂર્વક સંપૂર્ણ માહિતી મેળવી ફોર્મ મેળવી રહ્યા છે.

અરજદારને આવાસ યોજનાના ફોર્મ ભરવામાં પડતી મુશ્કેલીઓના માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન કચેરીના ફોન નં. ૦ર૮૧ ર૪૪૦૮૧૦, ૯૯૦૯૯ ૯ર૬૧ર પર સંપર્ક કરવા અનુરોધ થયેલ છે.

(2:53 pm IST)