Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

સરધારના પટેલ યુવાનને ગઇકાલે તાવ આવતા રિપોર્ટ કરાવ્યો ને પોઝિટિવ આવ્યોઃ બીજા ૯ને સમરસ હોસ્ટેલમાં કવોરન્ટાઇન કરાયા

કડવા પટેલ યુવાન પ્રકાશભાઇ ઉનેજીયા ૧૮ માર્ચના સુરત પત્નિ-પુત્ર સાથે સસરાને ત્યાં ગયા બાદ લોકડાઉનમાં ફસાયા'તાઃ ૧૫ મેએ આવ્યા બાદ ઘરમાં જ હતાંં : સરધારમાં પ્રથમ કેસઃ પ્રકાશભાઇ જ્યાં રહે છે તે કણબીવાડ સહિત ૪૦ ઘરોની ત્રણ શેરીઓ બંધ કરવામાં આવી : સરધારમાં બજારો ખુલીઃ આસપાસના ૨૨ ગામોનું હટાણું અહિની બજારમાંથી થાય છેઃ એક પોઝિટિવ કેસ આવતાં સોૈ એલર્ટ

પોઝિટિવ કેસ આવ્યો તેમને કોવિડ હોસ્પિટલમાં ખસેડવાની અને બીજા લોકોને કવોરન્ટાઇન કરવાની કાર્યવાહીના દ્રશ્યો તથા સવારે સરધારની બજારો ખુલી તેના દ્રશ્ય જોઇ શકાય છે. તસ્વીર સરધારથી સાગર જોષીએ મોકલી હતી

રાજકોટ તા. ૧૯: રાજકોટમાં આજથી લોકડાઉન શરતો સાથે ખોલવામાં આવ્યું છે અને તે સાથે જ બધું રાબેતા મુજબ ધમધમવા માંડ્યું છે. જો કે એ પહેલા ગત રાતે રાજકોટ શહેરની એક સગીરા અને રાજકોટના સરધાર ગામના કડવા પટેલ યુવાનના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. સરધારના પ્રકાશભાઇ પરષોત્તમભાઇ ઉનેજીયા નામના ૪૦ વર્ષિય કડવા પટેલ યુવાનનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થતાં તેને રાજકોટ કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે તેમના પત્નિ, પુત્ર, ભાઇ, ભાઇના પત્નિ તેમજ કુટુંબીભાઇ, તેના પત્નિ, પુત્ર સહિત ૯ લોકોને સમરસ હોસ્ટેલમાં કવોરન્ટાઇન કરાયા છે. આ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી. પ્રકાશભાઇ માર્ચ મહિનામાં સુરત ગયા હતાં. બાદમાં લોકડાઉનમાં ફસાયા હતાં. ગત ૧૫મેએ સરધાર આવ્યા હતાં અને ત્યારથી ઘરમાં કવોરન્ટાઇન હતાં. ગઇકાલે તાવ આવતાં સરધાર પીએચસી કેન્દ્રમાં અને બાદમાં રાજકોટ સિવિલમાં રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ જાહેર થયો હતો.

આટકોટથી વિજય વસાણી જણાવે છે કે સરધારમાં પહેલો પોઝિટિવ કેસ જાહેર થતાં ગામમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. રાત્રીના આજીડેમ પીઆઇ શ્રી ચાવડા તથા સ્ટાફ અને જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ભંડેરી તથા ટીમ, પીએચસી ડો. રવિ કોટડીયા, મામલતદાર શ્રી કથીરીયા, ટીડીઓ શ્રી પરમાર, તલાટી મંત્રીઓ હિતેષભાઇ, મનિષભાઇ, જી. પં. સભ્ય નિલેષભાઇ, ચેતનભાઇ પાણ, સરપંચ પિન્ટુભાઇ, ઉપસરપંચ તથા આગેવાઓએ સાથે મળી મોડી રાત સુધી પ્રકાશભાઇ પટેલને રાજકોટ કોવિડ-૧૯માં ખસેડવાની અને તેના કુટુંબીજનોને સમરસ હોસ્ટેલમાં કવોરન્ટાઇન માટે ખસેડવાની કામગીરી કરી હતી.

વધુ માહિતી મુજબ પ્રકાશભાઇ ગત ૧૮ માર્ચના રોજ સુરત તેમના સસરાને ત્યાં વાસ્તુ પ્રસંગે પત્નિ અને પુત્ર સાથે ગયા હતાં. એ પછી લોકડાઉન જાહેર થતાં ત્યાં જ રોકાવુ પડ્યું હતું. ૧૫મેના રોજ વતન આવવાની મંજુરી મળતાં સરધાર આવ્યા હતાં. પહોંચીને સીધા સરધાર આરોગ્ય કેન્દ્રમાં ચેકઅપ કરાવ્યું હતું. એ પછી ઘરે પહોંચ્યા હતાં અને ત્યારથી તેમને ઘરમાં જ કવોરન્ટાઇન કરાયા હતાં.

ગઇકાલે પ્રકાશભાઇને તાવ આવતાં સરધાર આરોગ્ય કેન્દ્રમાં બતાવતાં ડો. રવિ કોટડીયાને લક્ષણો શંકાસ્પદ જણાતાં રાજકોટ રિપોર્ટ કરાવવા કહ્યું હતું. ગત રાતે પોઝિટિવ રિપોર્ટ જાહેર થયો હતો. પ્રકાશભાઇના પત્નિ, પુત્ર, ભાઇ, ભાઇના પત્નિ તથા પ્રકાશભાઇ સુરતથી આવ્યા ત્યારે તેમને તેડવા ગયેલા કુટુંબી ભાઇ જીજ્ઞેશભાઇ અને તેના સંપર્કમાં આવેલા તેમના પત્નિ તથા પુત્રી મળી ૯ લોકોને સમરસ હોસ્ટેલમાં કવોરન્ટાઇન કરાયા છે.

સરધાર ગામમાં ૨૨ ગામોનું હટાણું હોઇ અહિની બજારમાં ગામે ગામના લોકો ઉમટી પડે છે. આ બજારમાં પણ હવે ખાસ ભીડ એકઠી ન થાય તે માટે ગામ આગેવાનો, તંત્રવાહકોએ ધ્યાન રાખવું પડશે. જીલ્લા પંચાયત સભ્ય ચેતનભાઇ પાણએ જણાવ્યા મુજબ પોઝિટિવ કેસ જે ઘરમાં આવ્યો તેની આસપાસના ૪૦ ઘરની ત્રણ શેરીઓ બ્લોક કરી દેવામાં આવી છે.

સરધારમાં આજ સવારથી બજારો રાબેતા મુજબ ખુલી ગયાનું સાગર જોષીએ જણાવ્યું હતું. જો કે પાનની દૂકાનો મોટા ભાગની બંધ છે. કારણ કે પુરતો માલ વેપારીઓ પાસે નથી.

(3:59 pm IST)