Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

જાગનાથ પ્લોટમાં છ નેપાળી મિત્રો પર છ ભરવાડ શખ્સોનો છરી-ધોકાથી હુમલો

ધોરણ-૧૦ના છાત્ર વિશાલ નેપાળીને વાંસામાં છરી ઝીંકાતા ગંભીર ઇજાઃ ગુરૂવારે રિધ્ધીશ ભરવાડને એક નેપાળી સાથે માથાકુટ થઇ હોઇ તેને શોધી આપવાનું કહી હુમલો કરાયો

રાજકોટ તા. ૧૯: મનહર પ્લોટમાં રહેતો અને ધોરણ-૧૦માં અભ્યાસ કરતો નેપાળી વિશાલ ચંદુભાઇ વિશ્વકર્મા (ઉ.૧૭) અને તેનો મિત્ર અમન નરેશભાઇ વિશ્વકર્મા (ઉ.૧૭) પર રાત્રીના અગિયારેક વાગ્યે જાગનાથ પ્લોટ-૨૦માં સ્ટાર ચેમ્બરના ઓટલા પાસે બીજા મિત્રો સાથે બેઠા હતાં ત્યારે વિજય પ્લોટના ભરવાડ શખ્સોએ અગાઉ એક નેપાળી શખ્સ સાથે માથાકુટ થઇ હોઇ તેને શોધી આપવાનું કહી બંને નેપાળી મિત્રો પર છરીથી અને ધોકાથી હુમલો કરી તેમજ સાથેના બીજા ચાર મિત્રોને ઢીકા-પાટુનો માર મારતાં ધમાલ મચી ગઇ હતી.

હુમલામાં વિશાલને વાંસામાં છરી ઝીંકી દેવાતાં અને અમનને હાથ પર છરીથી ઇજા પહોંચાડાતાં બંનેને સિવિલમાં ખસેડાતાં એ-ડિવીઝનના પી.એસ.આઇ. કે. એ. જાડેજાએ ત્યાં પહોંચી વિશાલની ફરિયાદ પરથી વિજય પ્લોટના અમિત ભરવાડ, રિધ્ધીશ ભરવાડ, રાહુલ ભરવાડ અને ત્રણ અજાણ્યા શખ્સો સામે રાયોટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

વિશાલના કહેવા મુજબ તેણે ધોરણ-૧૦ની પરિક્ષા આપી છે અને માતૃ મંદિરમાં ભણે છે. રાત્રે પોતે તથા મિત્રો અમન નેપાળી, પ્રતિક બહાદુરભાઇ, મોહન દેવસંગ, વિજય રામભાઇ અને પિન્ટુ લક્ષમણભાઇ  જાગનાથ પ્લોટ-૨૦માં બેઠા હતાં ત્યારે અમિત, રિધ્ધીશ અને રાહુલ ભરવાડ તથા બીજા ત્રણ શખ્સો આવ્યા હતાં. ગુરૂવારે રિધ્ધીશ ભરવાડને કોઇ નેપાળી છોકરા સાથે માથાકુટ થઇ હોઇ તેનો મોબાઇલમાં ફોટો બતાવી આ નેપાળી શખ્સને શોધી આપવાનું વિશાલને કહેવાતાં તેણે પોતે ઓળખતો નથી તેમ કહેતાં ભરવાડ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતાં અને છરીથી હુમલો કરી વાંસામાં ઘા ઝીંકી દીધો હતો. અમન વચ્ચે પડતાં તેને હાથ પર ઇજા થઇ હતી. બીજા મિત્રોને છએય શખ્સોએ ઢીકા-પાટુનો માર માર્યો હતો.

દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. પોલીસે છએય હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

મોટા મવામાં સુનિલ વણકરને ભરવાડ શખ્સોએ માર માર્યો

મોટા મવામાં લક્ષ્મીના ઢોળા પાસે રહેતાં સુનિલ કાંતિભાઇ પરમાર (ઉ.૨૨) નામના વણકર યુવાનને તે રાત્રે ઘર નજીક દ્વારકાધીશ હોટલ પાસે હતો ત્યારે કાનો ભરવાડ, લાલો ભરવાડ સહિતે  કડાથી અને લોખંડના સળીયાથી હુમલો કરી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં એએસઆઇ થોભણભાઇ ટીલારા  અને દિપસિંહ ચોૈહાણે તાલુકા પોલીસનેજાણ કરી હતી. (૧૪.૫)

(2:45 pm IST)