Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

શાપર-વેરાવળમાં ર.૯નો ભૂકંપ મકાનોમાં તિરાડો પડી

ઔદ્યોગિક વિસ્‍તારમાં સતત ભુકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ : સીસ્‍મોગ્રાફી સેન્‍ટર દ્વારા યંત્ર મુકાશે

(કમલેશ વસાણી દ્વારા) શાપર વેરાવળ, તા., ૧૯: રાજકોટ-ગોંડલ હાઇવે ઉપર આવેલા રાજકોટ નજીકના શાપર વેરાવળમાં  આજે બપોરે ર.૯ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભય પ્રસરી ગયો છે. ભુકંપ આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

પ્રાપ્ત માહીતી મુજબ આજે બપોરે ર.૦૯ વાગ્‍યે રાજકોટથી ૧૬ કી.મી.દુર આવેલા શાપર વેરાવળ ખાતે ર.૯ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ભુકંપનો આંચકો આવતા લોકો ઘર તથા કારખાનાની બહાર નીકળી ગયા હતા.

છેલ્લા ઘણા દિવસોથી શાપર-વેરાવળ ખાતે ભુકંપના આંચકા આવી રહયા છે. ૪-પ દિવસ પહેલા એક સાથે એક જ દિવસમાં ભુકંપના પાંચ આંચકા અનુભવાયા હતા. ત્‍યાર બાદ હળવા-ભારે આંચકા આવી રહયા છે.

આજે  ગાંધીનગરથી સિસ્‍મોગ્રાફી સેન્‍ટરની ટીમ શાપર વેરાવળ ખાતે આવી રહી છે અને યંત્ર મુકીને ભુકંપના આંચકાની માહીતી પ્રાપ્ત થાય તે માટે કામગીરી કરવામાં આવશે.

ઔદ્યોગીક વિસ્‍તારમાં છેલ્લા ઘણા સમયથી ભુકંપના કારણે ધરા ધ્રુજતા લોકોમાં ભારે ભય ફેલાયો છે. આજે આવેલા ભુકંપના આંચકાથી અનેક મકાનોમાં તીરાડો પડી ગઇ હતી. જયારે પ્‍લાસ્‍ટરના પોપડા પણ પડયા હોવાનું જાણવા મળ્‍યું છે.

(3:17 pm IST)