Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

રાજકોટ લોકસભા ચૂંટણીઃ ૧૧ હજારના સ્ટાફમાંથી ૪૩૦૦નું પોસ્ટલ બેલેટથી મતદાનઃ ૨૧૦૦થી વધુ EVM- VVપેટ તૈયાર

૨૩મીએ મતદાનના દિવસે સવારે પII વાગ્યે EVM ગોઠવાશેઃ સવારે ૬ થી ૧ કલાક મોકપોલ... : ૨૧મીએ સાંજે ૬ વાગ્યાથી જાહેર પ્રચાર-પ્રસાર બંધ કરી દેવા અને બહારથી આવેલ નેતાઓ કાર્યકરોને વિસ્તાર છોડી દેવા આદેશો : ચૂંટણીના દિવસ મતગણતરી સુધી પોસ્ટલ બેલેટ સ્વીકારવા પણ સુચના...

રાજકોટ તા.૧૯: આગામી તા. ૨૩મીએ રાજકોટ સહિત ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે રાજકોટ શહેર જિલ્લાનાં મતદાન મથકો માટેનાં ચૂંટણી સ્ટાફની તાલીમ સહિતની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. અને આ માટેનાં કુલ ૧૧૦૦૦ કર્મચારીઓ પૈકી ૪૩૦૦ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન પણ પૂર્ણ થઇ ગયું છે.

આ અંગે કલેકટર તંત્રના સત્તાવાર સૂત્રોનાં જણાવ્યા મુજબ ૨૩મીએ યોજાનાર લોકસભાના મતદાન માટે ૨૧૦૦થી વધુ ઇ.વી.એમ. અને વી.વી.પેટ મશીન તૈયાર કરી લેવાયા છે. અને ૨૩મીએ મતદાનનાં દિવસે સવારે પII વાગ્યાથી રાજકોટ શહેર જિલ્લામાં તમામ મતદાન મથકોમાં ઇ.વી.એમ. મુકાવા લાગશે. અને સવારે ૬ વાગ્યાથી ૧ કલાક માટે મોકપોલ યોજાશે ત્યારબાદ મતદાન ચાલુ થઇ જશે.

દરમિયાન ૨૧મીએ એટલે કે સોમવારે સાંજે ૬ વાગ્યાથી જાહેર પ્રચાર બંધ કરી દેવાશે અને બહાર ગામથી પ્રચાર માટે આવેલ નેતાઓ -કાર્યકરોને પણ વિસ્તાર છોડી દેવા આદેશો આપી દેવાશે.

દરમિયાન ચૂંટણી ફરજ ઉપર રહેલા સ્ટાફને ચૂંટણીનાં દિવસ ઉપરાંત મતગણતરી સુધી બેલેટ સ્વીકારવાની સુચનાં અપાઇ છે.

આમ, કલેકટર તંત્ર દ્વારા ચૂંટણી માટેની વહીવટી તૈયારીઓ લગભગ પૂર્ણ કરી નંખાઇ છે. હવે મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફને પહોંચાડવાની વ્યવસ્થા માટે તંત્ર વાહકો દ્વારા વાહનો, ચૂંટણી સાહિત્ય, વગેરેની તૈયારીઓ શરૂ કરી દેવાયાનુ જાણવા મળ્યું છે.

(4:08 pm IST)