Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

છુટાછેડા અને પુત્રીની કસ્ટડી મળવા અને મિલ્કતની વ્યવસ્થા અંગેની દાવા અરજી રદ્દ

રાજકોટ તા.૧૯: ''વિરાણી બ્રાન્ડ એગમાર્ક મસાલા ''સાવરકુંડલાવાળા ચિરાગ હસમુખભાઇ વિરાણીનો છુટાછેડા મેળવવાનો દાવો ફેમીલી કોર્ટે રદ કર્યો હતો.

સાવરકુંડલાવાળા પ્રખ્યાત વિરાણી બ્રાન્ડ મસાલાવાળા હસમુખભાઇ વિરાણીના પુત્ર ચિરાગ હસમુખભાઇ વિરાણીના લગ્ન રાજકોટ નિવાસી પ્રદીપભાઇ જયંતિભાઇ શાહની પુત્રી હેતલબેન ડો. ઓ. પ્રદીપભાઇ શાહ સાથે તા. ૫-૬-૨૦૦૬ના રોજ હિન્દુ શાસ્ત્રોકત વિધિથી જ્ઞાતિના રીત-રીવાજ મુજબ થયેલા, જે લગ્નજીવનથી તેઓને પુત્ર ''હેલી'' નો જન્મ થયેલ. આ લગ્નજીવનમાં થોડો સમય સારૂ ચાલ્યા બાદ બંને પતિ-પત્નીને લગ્નજીવનમાં તકરાર થતા પતિ ચિરાગ હસમુખભાઇ વિરાણીએ અમરેલીનીસિવિલ કોર્ટમાં છુટાછેડા મેળવવા હિન્દુ મેરેજ એકટ-૧૯૫૫ની કલમ-૧૩-(૧) મુજબ દાવો દાખલ કરેલ જે દાવો ગુજરાત હાઇકોર્ટે પત્ની હેતલબેને ટ્રાન્સફર અરજી કરતા રાજકોટ મુકામે ફેમીલી કોર્ટમાં ટ્રાન્સફર કરી આપેલ.

લગ્નજીવન દરમિયાન પત્ની હેતલબેનને તેમના સાસરીયા તથા પતિ દ્વારા આડોશ-પાડોશમાં કે સાસરીયાના સગામાં કયાંય જવા દેવામાં આવતા નહી, કોઇ સાથે વાતચીત કરવા દેવામાં આવતી નહી કે કયાંય ભળવા દેતા નહી અને કોઇપણ જાતના વાંક-ગુના વગર મેણા-ટોણા મારી સતત છુટાછેડાનું દબાણ પત્ની હેતલબેનને કરવામાં આવતું અને તા. ૧૩-૧૨-૨૦૦૯ના રોજ પત્ની હેતલબેનને તેમના પતિ ચિરાગભાઇ વિરાણીએ સગીર પુત્રી સાથે પહેરેલ કપડે કાઢી મુકેલ ત્યારથી હેતલબેનને નાછુટકે પોતાના માવતરે રહેવાની ફરજ પડેલ.

આવી હકીકતાવળો કેસ રાજકોટ ફેમીલી કોર્ટમાં ચાલી જતા ફેમીલી કોર્ટે પુરાવાનું મુલ્યાંકન કરતા તેમજ બંન્ને પક્ષકારોના વકીલોની દલીલો ધ્યાને લેતા કોર્ટે પતિ ચિરાગ હસમુખભાઇ વિરાણીનો છુટાછેડા મેળવવા અંગે તથા કલમ-૨૬ મુજબ પુત્રીની કસ્ટડી મળવા અંગે તથા કલમ-૨૭ મુજબ લગ્ન વિષયક જોઇન્ટ મિલ્કતની યોગ્ય વ્યવસ્થા કરી આપવા અંગેની દાવા અરજી સંપૂર્ણ રદ કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજદાર હેતલબેન ચિરાગભાઇ વિરાણી વતી રાજકોટના ધારાશાસ્ત્રી મહેશ ત્રિવેદી, કિરીટ સાયમન, વાસુદેવ પંડયા, ધર્મેન્દ્ર જરીયા, કિશન જોષી, ઘનશ્યામ પટેલ રોકાયેલા હતા.

(4:04 pm IST)